એકસ્ટ્રા અફેર : મૌલાના રશીદી અને અનિરુદ્ધાચાર્ય: મહિલાઓને આ નમૂના સમજે છે શું?

- ભરત ભારદ્વાજ
સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચાની ગરમાગરમીના કારણે મૌલાના સાજિદ રશીદીએ સમાજવાદી પાર્ટીનાં સાંસદ ડિમ્પલ યાદવ સામે કરેલી ગંદી કોમેન્ટનો મુદ્દો દબાઈ ગયો છે. ગયા અઠવાડિયે સપાના મુખિયા અખિલેશ યાદવ, પોતાની પાર્ટીના સાંસદો મોહિબુલ્લા નદવી, ડિમ્પલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, ઝિયા ઉર રહેમાન બર્ક, ઈકરા હસન વગેરે સાથે સંસદ પાસે આવેલી એક મસ્જિદમાં ગયા હતા. સપા સાંસદ મોહિબુલ્લા નદવી આ મસ્જિદના ઇમામ છે. ભાજપે સપા પર મસ્જિદમાં રાજકીય બેઠક યોજવાનો આક્ષેપ મૂકીને હોહા કરવાની મથામણ કરેલી પણ કોઈને તેમાં રસ નહોતો પડ્યો.
હવે આ મુલાકાતના એક ફોટા અંગે ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદીએ કરેલી કોમેન્ટના કારણે બબાલ થઈ ગઈ છે. રશીદીએ કોમેન્ટ કરી કે, ડિમ્પલ યાદવ મસ્જિદમાં નગ્ન લાગે એવાં કપડાં પહેરીને આવેલાં. મૌલાનાએ ડિમ્પલ યાદવને સુફિયાણી સલાહ પણ આપી કે, ઈકરા હસન પાસેથી મસ્જિદમાં કઈ રીતે અવાય ને કેવાં કપડાં પહેરાય તેનું જ્ઞાન લેવું જોઈએ.
મૌલાના રશીદીની કોમેન્ટથી ભાજપની મહિલા સાંસદોને લાગી આવ્યું ને તેમણે સંસદની બહાર દેખાવો કર્યા તેમાં આ મુદ્દો રાજકીય બની ગયો. ભાજપની મહિલા સાંસદોનું કહેવું છે કે, મૌલાના સાજિદ રશીદીએ આ ગંદી કોમેન્ટ કરીને મહિલાઓનું અપમાન કર્યું છે એ નહીં ચલાવી લેવાય. ભાજપ શાસિત યુપીમાં રશીદી સામે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ. ડિમ્પલે ભાજપ સાંસદોની હરકતને હાસ્યાસ્પદ ગણાવીને મહિલા સન્માનની વાતોને રાજકીય ફાયદો માટેનું હથિયાર ગણાવ્યું છે.
ડિમ્પલ યાદવની એ વાત સાચી છે કે, ભાજપની મહિલાઓના સન્માનની વાતો સગવડિયા છે. ડિમ્પલે મણિપુર કાંડની યાદ અપાવીને સવાલ કર્યો છે કે, મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં પરેડ કરાવાઈ અને ગેંગ રેપ કરાયો ત્યારે ભાજપની મહિલા સાંસદોને મહિલાઓના ગૌરવ અને સન્માનની ચિંતા કેમ નહોતી થઈ ? એ વખતે ભાજપની કોઈ મહિલા સાંસદ મણિપુરની પીડિત મહિલાઓની વેદનાને વાચા આપવા માટે સંસદની બહાર પ્લેકાર્ડ લઈને કેમ નહોતી ઊભી રહી?
ડિમ્પલની વાત સો ટકા સાચી છે. મૌલાના સાજિદ રશીદીની કોમેન્ટ આઘાતજનક છે. ધર્મ સાથે સંકળાયેલી વ્યક્તિ કોઈ પણ મહિલા વિશે આવી ટિપ્પણી કરે એ શોભાસ્પદ નથી જ તેથી તેની ટીકા કરો કે વિરોધ કરો તેમાં કશું ખોટું નથી પણ આ વિરોધ પક્ષીય રાજકારણને આધારે કરાય છે એ આઘાતજનક છે. ભાજપની મહિલા સાંસદોને અત્યારે મહિલાઓનું ગૌરવ યાદ આવી ગયું કેમ કે ડિમ્પલ યાદવની ટીકા કરનાર એક મુસ્લિમ મૌલવી છે. બાકી ભાજપની આ જ મહિલા સાંસદો મણિપુરની ઘટના વખતે સાવ ચૂપ હતી જ.
મણિપુરમાં ગયા વર્ષે થયેલી હિંસામાં કુકી-જો સમુદાયની બે યુવતીઓ પર ગેંગ રેપ કર્યા પછી તેમને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં પરેડ કરાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો ત્યારે આખા દેશનું માથું શરમથી ઝૂકી ગયું હતું પણ ભાજપની કોઈ મહિલા સાંસદ તેની ટીકા કરવા માટે બહાર આવી હોય તો હરામ બરાબર.
ડિમ્પલે મણિપુરની વાત કરી પણ ભાજપની મહિલા સાંસદો ભાજપના કે હિંદુવાદી સંગઠનોના નેતાઓ દ્વારા કે કહેવાતા હિંદુવાદીઓ દ્વારા મહિલાઓ માટે સાવ હલકી કક્ષાની કે ગંદી ટીકા કરાય ત્યારે પણ મોંમાં મગ ઓરીને બેસી રહે છે. મૌલાના સાજિદ રશીદી સામે તાત્કાલિક લખનઊમાં એફઆઈઆર પણ નોંધાઈ ગઈ પણ કોઈ હિંદુવાદી એવી વાત કરે તો એફઆઈઆરની વાત છોડો પણ ટીકા કરવાની તસદી પણ નથી લેવાતી.
અનિરુદ્ધાચાર્ય નામના એક કથાકારે કરેલી ટીકા આ બેવડાં ધોરણોનો તાજો પુરાવો છે. મધ્ય પ્રદેશમાં રહેતા કથાકાર અનિરુદ્ધાચાર્યનું મૂળ નામ અનિરુદ્ધ રામ તિવારી છે. ધાર્મિક વક્તા એવા અનિરુદ્ધાચાર્ય ભાગવત પુરાણ સહિતના હિન્દુ ગ્રંથો પર આધારિત પ્રવચનો આપીને પોતાની દુકાન ચલાવે છે અને સોશ્યલ મીડિયા પર પણ ખાસ્સા સક્રિય છે. આ મહારાજે હમણાં જ્ઞાન પિરસ્યું કે, આપણે ત્યાં 25 વર્ષની છોકરીઓ લિવ ઈનમાં રહીને 4 જગાએ મોં મારીને આવે છે. આવી છોકરીઓ લગ્નના સંબંધને નિભાવી શકે ખરી?
આ મુદ્દે હોહા થઈ પછી અનિરુદ્ધાચાર્યે ચોખવટ કરી કે, મેં દરેક છોકરીની વાત નથી કરી પણ કેટલીક છોકરીઓની વાત કરી છે. ભલા માણસ, તમે કેટલીક છોકરીઓની વાત કરો કે એક છોકરીની વાત કરો, આ વાત જ ગંદી માનસિકતાનો નાદાર નમૂનો છે અને મહિલાઓનું ઘોર અપમાન છે. ચાર જગાએ મોં મારવાનો મતલબ શું થાય એ કોઈને કહેવાની જરૂર નથી ને તેના વિશે ઝાઝું પિષ્ટપિંજણ પણ જરૂરી નથી કેમ કે તેમાં કોઠી ધોઈને કાદવ જ કાઢવાનો છે.
અનિરુદ્ધાચાર્યની ટીપ્પણી તેમની ગંદી માનસિકતા દર્શાવે છે. આપણે ત્યાં ધર્મ સાથે સંકળાયેલા લોકો સમાજમાં પ્રવર્તતી ભ્રષ્ટાચારથી માંડીને ધર્મના નામે થતાં ધતિંગો સહિતની બંદીઓ સામે ચૂપ રહે છે પણ સંસ્કાર અને સંસ્કૃતિના નામે ઊલટીઓ કર્યા કરે છે તેનો આ વધુ એક નમૂનો છે.
અનિરુદ્ધાચાર્યે આ દેશના બંધારણની પણ મજાક ઉડાવી છે. આ દેશનું બંધારણ દરેક વ્યક્તિને પોતાને ગમે એ રીતે અંગત જિંદગી જીવવાની છૂટ આપે છે. છોકરીઓએ લગન કરવાં હોય તો લગન કરે ને લિવ-ઈનમાં રહેવું હોય તો લિવ-ઈનમાં રહે એ તેમની મરજી છે. તેમાં કશું ગેરબંધારણીય નથી ને ગેરકાયદેસર પણ નથી.
બીજી વાત એ કે, અનિરુદ્ધાચાર્યે લિવ-ઈનમાં રહેનારી છોકરીઓ વિશે વાત કરી પણ લિવ-ઈનમાં રહેતા છોકરાઓ વિશે કશું ના બોલ્યા. છોકરીઓની સાથે છોકરા પણ ચાર જગાએ મોં મારે જ છે ને કેમ કે છોકરીઓ એકલી થોડી લિવ-ઈનમાં રહે છે?
અનિરુદ્ધાચાર્યે તેમની ટીકા કરી નથી કેમ કે અનિરુદ્ધાચાર્ય જેવા લોકો પુરુષવાદી માનસિકતા ધરાવે છે અને હજુય સાતમી સદીમાં જીવે છે. એ લોકો એમ જ માને છે કે, કહેવાતી સંસ્કૃતિ અને સંસ્કારની જાળવણીની જવાબદારી છોકરીઓની જ છે, છોકરા તો છૂટ્ટા. જે કરવું હોય એ કરી ખાય ને મનફાવે ત્યાં મોં મારીને ચરી ખાય, તેના કારણે સંસ્કાર કે સંસ્કૃતિને કશું થતું નથી પણ છોકરી તેમની માન્યતાઓથી અલગ કંઈ પણ કરે તેમાં તો સંસ્કૃતિ રસાતાળ જતી રહેશે.
આપણ વાંચો: વિશેષ: જીવના જોખમવાળી સુંદરતા શા કામની?
આ મુદ્દે બહુ ચર્ચાનો મતલબ નથી પણ આખી વાતનો સાર એ કે, મૌલાના રશીદી અને અનિરુદ્ધાચાર્યની માનસિકતામાં ઝાઝો ફરક નથી. બંને સ્ત્રીઓને પોતાની સંકુચિત માનસિકતાના ત્રાજવે તોળી રહ્યા છે. બંને સ્ત્રીઓને પોતાની અલ્પ મતિ પ્રમાણે કેરેક્ટર સર્ટિફિકેટ આપવા નીકળી પડ્યા છે પણ ભાજપની મહિલા સાંસદોને વાંધો ખાલી રશીદી સામે છે, અનિરુદ્ધાચાર્ય સામે નહીં.