એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભાજપે વંશવાદી રાજકીય પક્ષોનો ટેકો કેમ લીધો?

ભરત ભારદ્વાજ

કૉંગ્રેસના ટોચના નેતા અને સાંસદ શશી થરૂરે ભારતીય લોકશાહીમાં વંશવાદી રાજકારણ પર લખેલા લેખે ખાસી ચર્ચા જગાવી છે. ‘ઈન્ડિયન પોલિટિક્સ અને ફેમિલી બિઝનેસ’ ટાઈટલ હેઠળના લેખમાં થરૂરે વંશવાદને દેશની લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવીને લખ્યું છે કે, ભારત માટે પરિવારવાદ છોડીને યોગ્યતા આધારિત વ્યવસ્થાને અપનાવવાનો સમય આવી ગયો છે કેમ કે જ્યાં સુધી રાજકારણ પરિવારોની આસપાસ ફરે છે ત્યાં સુધી લોકશાહીનો સાચો અર્થ સાકાર નહીં થાય.

થરૂરે પોતાના લેખમાં નેહરુ-ગાંધી પરિવારને ભારતનો સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર ગણાવીને લખ્યું છે કે, નહેરૂ-ગાંધી પરિવારનો વારસો સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલો છે તેથી આ પરિવાર રાજકારણમાં ચાલ્યો પણ તેના કારણે એવી ધારણા પણ ઊભી થઈ છે કે રાજકારણ કેટલાક પરિવારોનો જન્મસિદ્ધ અધિકાર છે.

શશી થરૂરે પરિવારવાદના દૂષણને ખતમ કરવા માટે શું કરવું જોઈએ તેનાં સૂચનો પણ કર્યાં છે. થરૂરના મતે, કોઈ પણ હોદ્દા માટે કાયદેસર રીતે નિશ્ર્ચિત કાર્યકાળ, પક્ષમાં આંતરિક ચૂંટણીઓ અને મતદાતા જાગૃતિ સહિતના મૂળભૂત સુધારાથી પરિવારવાદ પર અંકુશ આવી શકે.

શશી થરૂર કૉંગ્રેસની નેતાગીરીથી દુભાયેલા છે અને સમયાંતરે કૉંગ્રેસના સત્તાવાર વલણથી અલગ વાજું વગાડ્યા કરે છે. કૉંગ્રેસ વચ્ચે વચ્ચે નરેન્દ્ર મોદીનાં પણ વખાણ કરીને કૉંગ્રેસીઓના કચવાટ પેદા કરી નાખે છે. થરૂરના આ લેખને પણ એ જ શ્રેણીનો ભાગ ગણીને નહેરૂ-ગાંધી પરિવાર અને કૉંગ્રેસની નેતાગીરી સામેના પ્રહારમાં ખપાવી દેવાયો છે. ભાજપે થરૂરના લેખને રાહુલ ગાંધી અને કૉંગ્રેસ નેતૃત્વ સામે અસંતોષની નિશાની ગણાવ્યો છે.

ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાના કહેવા પ્રમાણે, શશી થરૂરની ટિપ્પણીઓ કૉંગ્રેસના ભવિષ્ય વિશેની તેમની નિરાશાને વ્યક્ત કરનારી છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ થરૂરના લેખને વખાણ્યો છે પણ તેના કારણે થરૂરના કૉંગ્રેસમાં ભાવિ પર ખતરો હોવાની ચિંતા પણ વ્યક્ત કરી છે.

ભાજપે થરૂરના લેખનું નહેરૂ-ગાંધી ખાનદાન સામે હલ્લાબોલ તરીકે અર્થઘટન કર્યું એ ભાજપ માટે બરાબર છે કેમ કે કૉંગ્રેસ ભાજપની રાજકીય હરીફ છે અને નહેરૂ-ગાંધી ખાનદાનને ગાળો આપવાથી ભાજપના ભક્તો ઝૂમી ઊઠે છે પણ થરૂરે માત્ર નહેરૂ-ગાંધી ખાનદાનની વાત નથી કરી.

થરૂરે પોતાના લેખમાં ઓડિશાના બિજુ પટનાઈક અને નવીન પટનાયક, મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે, ઉત્તર પ્રદેશના મુલાયમસિંહ અને અખિલેશ યાદવ, બિહારમાં રામવિલાસ અને ચિરાગ પાસવાન, બિહારમાં જ લાલુ યાદવ અને તેજસ્વી યાદવ, પંજાબમાં પ્રકાશ સિંહ અને સુખબીર બાદલ, તેલંગાણામાં કેસીઆરના પુત્ર કે.ટી. રામારાવ અને પુત્રી કવિતા, તમિળનાડુમાં કરુણાનિધિ અને તેમના પુત્ર એમ.કે, સ્ટાલિનના પરિવારનો ઉલ્લેખ પણ કર્યો જ છે.

આ યાદીમાં બીજાં ઘણાં નામો પણ ઉમેરી શકાય એ જોતાં થરૂરે નહેરૂ-ગાંધી ખાનદાનને નિશાન બનાવવા માટે વંશવાદ કે પરિવારવાદનો ઉલ્લેખ કર્યો એવું અર્થઘટન બકવાસ છે. બલ્કે આપણી કમનસીબી કહેવાય કે, થરૂરે ઉઠાવેલા એક અત્યંત ગંભીર મુદ્દાને ભાજપ રાજકીય ફાયદા માટે માત્ર નહેરૂ-ગાંધી ખાનદા પૂરતો સીમિત કરી દેવાઈ રહ્યો છે. પરિવારવાદના કારણે લાયકાત ધરાવતા લોકોને તક મળતી નથી એવો મુદ્દો એકદમ વાજબી છે પણ તેની ચર્ચા કરવાના બદલે ભાજપ નહેરૂ-ગાંધી ખાનદાનની પત્તર ખાંડવા બેસી ગયો છે.

ભાજપ પરિવારવાદની ટીકા કરે છે પણ ભાજપ પોતે પરિવારવાદથી અલિપ્ત નથી. વિજયારાજે સિંધિયાથી માંડીને પ્રેમકુમાર ધુમલ સુધીના નેતાઓનો પરિવારવાદ ભાજપમાં પોષાયો જ છે. વિજયારાજે સિંધિયા પોતે ભાજપનાં દિગ્ગજ નેતા હતાં ને તેમના પુત્ર માધવરાવ સિંધિયા પણ એક સમયે ભાજપના પૂર્વવતાર જનસંઘમાં હતા.

કટોકટી વખતે ઈન્દિરા ગાંધીના તાપથી બચવા માટે માધવરાવ કૉંગ્રેસમાં જતા રહેલા ને પોતાનો રાજકીય વારસો દીકરા જ્યોતિરાદિત્ય સિંધિયાને આપતા ગયા જ્યારે વિજયારાજેનો રાજકીય વારસો દીકરી વસુંધરા રાજેએ સંભાળ્યો. અત્યારે વસુંધરા અને જ્યોતિરાદિત્ય બંને ભાજપમાં જ છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રેમકુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુર ભાજપના સાંસદ છે ને કેન્દ્રમં મંત્રી રહી ચૂક્યા છે જ્યારે બીજા દીકરો અરૂણ ધુમલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો ચેરમેન છે.

બીજાં બધાંની વાત છોડો પણ બહુ વગાવાયેલા બ્રિજભૂષણ શરણ સિંહને ભાજપે કુશ્તીબાજ છોકરીની જાતીય સતામણીના કેસમાં ફસાવાના કારણે ટિકિટ ના આપી પછી તેના દીકરાને ટિકિટ આપેલી જ. રાજનાથસિંહના દીકરા પંકજસિંહથી માંડીને ગોપીનાથ મુંડેની દીકરીઓ સહિતના સંખ્યાબંધ લોકોને ભાજપે ટિકિટો આપી જ છે. ભાજપ તેને વંશવાદ માનશે ખરો ? નહીં માને કેમ કે ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ન બીજા કરે એ છિનાળું જેવી છે. કૉંગ્રેસ પોતાના નેતાઓનાં સગાને આગળ કરે એ વંશવાદ ને ભાજપ આગળ કરે તો મેરિટ! આ વાત ખુદ નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે.

થરૂરે પરિવારવાદ ચલાવનારા જે નેતાઓની વાત કરી તેમાંથી મોટા ભાગના ભાજપના સાથી રહી ચૂક્યા છે પણ ભાજપને તેમનો ટેકો લેતી વખતે વંશવાદ કે પરિવારવાદ યાદ નહોતો આવ્યો. અત્યારે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ સાથે ભાજપનું જોડાણ છે ને ચંદ્રાબાબુ પોતાના સસરા એન.ટી. રામારાવના રાજકીય વારસા પર તો અહીં લગી પહોંચ્યા છે.

ચંદ્રાબાબુ પોતાના દીકરા નારા લોકેશને આગળ કરી રહ્યા છે ને આ વંશવાદ નથી ? ભાજપને આ વંશવાદ સામે વાંધો છે ખરો ? ચિરાગ પાસવાન વંશવાદની પેદાશ છે ને છતાં મોદી સરકારમાં મંત્રી છે. યુપીમાં અનુપ્રિયા પટેલથી માંડીને સંજય નિષાદ સુધીના બધા વંશવાદીઓ સાથે ભાજપનું જોડાણ છે. ભાજપ તેમના વંશવાદની ટીકા કરશે?

ભાજપે બીજા પણ હળાહળ વંશવાદી રાજકીય પક્ષોને પોષ્યા જ છે. ભાજપે વરસો લગી શિવસેના સાથે જોડાણ રાખ્યું. ભાજપની સૌથી જૂની સાથી અને લાંબો સમયની સાથી એવી શિવસેના તો હળાહળ વંશવાદી પેઢી જ છે.

બાળાસાહેબ ઠાકરે એટલા વંશવાદી નીકળ્યા કે, પોતાના સગા ભત્રીજા રાજને આગળ કરવા નહોતા માગતા ને પોતાના દીકરા સિવાય કોઈને પાર્ટી સોંપવા તૈયાર નહોતા તેમાં પાર્ટીનાં ઊભાં ફાડિયાં થયાં તો ભલે થયાં પણ આપણો ગરાસ ના લૂંટાવો જોઈએ. ભાજપનું અકાલી દળ સાથે વરસોથી જોડાણ રહ્યું ને અકાલી દળ તો બાપીકી પેઢીની જેમ જ ચાલે છે. આ દેશમાં સૌથી ભ્રષ્ટ અને વંશવાદને પોષનારો રાજકીય પરિવાર બાદલ પરિવાર છે.

હરિયાણામાં વર્ષોથી બંસીલાલ, દેવીલાલ ને ભજનલાલ એ ત્રણ લાલ ચાલતા ને આ ત્રણે લાલે ભેગા થઈને હરિયાણાની પત્તર ખાંડી નાખી. આ ત્રણેયે ધરાર વંશવાદ ને ગુંડાગીરીનું રાજ ચલાવ્યું ને વારાફરતી ગાદી પર બેસીને હરિયાણાને ચૂસી જ લીધો. ભાજપે આ ત્રણેયનો અલગ અલગ સમયે ટેકો લીધેલો ને એ વખતે ભાજપને પરફોર્મન્સની ચિંતા નહોતી.

બાળાસાહેબ ઠાકરે-ઉદ્ધવ ઠાકરે, ફારૂક-ઉમર અબ્દુલ્લા, બિજુ-નવિન પટનાઈક, શિબુ-હેમંત સોરેન સહિતનાં કેટલાંય એવાં ઉદાહરણો છે જ જેમણે રાજકીય પક્ષને બાપીકી પેઢી બનાવીને વહીવટ કર્યો હોય ને ભાજપને તેમને ટેકો લેવામાં શરમ ના નડી હોય પણ ભાજપને નહેરૂ-ગાંધી ખાનદાનનો વંશવાદ જ આંખે ચડે છે. નહેરૂ-ગાંધી ખાનદાનનો વંશવાદ દેશના હિતમાં ચોક્કસ નથી પણ બીજા વંશવાદ પણ દેશના હિતમાં નથી જ તો ભાજપે તેમનો ટેકો કેમ લીધેલો?

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ તેજસ્વીએ શાણપણ વાપરી કૉંગ્રેસને માપમાં રાખી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button