એકસ્ટ્રા અફેરઃ સ્વદેશીને પ્રોતસાહન માટે ખાસ નીતિ બનાવવી પડે
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સ્વદેશીને પ્રોતસાહન માટે ખાસ નીતિ બનાવવી પડે

ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યા પછી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશીનાં ગુણગાન ગાતા થઈ ગયા છે. મોદી સતત એક વાત પર ભાર મૂક્યા કરે છે કે, ભારતે દરેક બાબતમાં આત્મનિર્ભર બનવું જોઈએ અને સ્વદેશીને અપનાવવું જોઈએ. હમણાં તો મોદીએ ત્યાં લગી કહી દીધું કે, બીજા દેશો પર નિર્ભરતાથી મોટી લાચારી બીજી કોઈ નથી.

મોદીએ રવિવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેમાં પણ સ્વદેશીનો મહિમા ગાયો અને દેશની તમામ રાજ્ય સરકારોને સ્વદેશી અભિયાન તેમજ સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપવા વિનંતી કરી. મોદીએ અપીલ કરી છે કે, પોતપોતાનાં રાજ્યોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવો.

મોદીના કહેવા પ્રમાણે, કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે તો જ દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનું સ્વપ્ન સાકાર થશે. મોદીએ એ વાતનો સ્વીકાર પણ કર્યો કે, આપણા રોજિંદા વપરાશની વસ્તુઓ વિદેશી છે અને આપણે તેમાંથી મુક્ત થવું જોઈએ. તેના બદલે આપણે ભારતમાં બનાવેલી વસ્તુઓ ખરીદવી જોઈએ.

આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવવું જોઈએ. દરેક દુકાનને સ્વદેશી ચીજોથી શણગારવી જોઈએ. ગર્વથી જાહેર કરો કે આ સ્વદેશી છે. ગર્વથી જાહેર કરો કે હું સ્વદેશી ખરીદું છું અને વેચું છું. આ દરેક ભારતીયનો અભિગમ બનવો જોઈએ.

મોદીએ ઉત્પાદકોને પણ અપીલ કરી છે કે, આપણે જે પણ બનાવીએ એ વિશ્વમાં શ્રેષ્ઠ હોવું જોઈએ અને આપણા ઉત્પાદનોની ગુણવત્તા ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધારવી જોઈએ. રસપ્રદ વાત એ છે કે, કૉંગ્રેસના યોગદાન સામે સતત શંકા કર્યા કરતા મોદીએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વદેશીએ ઊજવેલી ભૂમિકાને યાદ કરીને કહ્યું કે, સ્વદેશીના મંત્રે દેશની સ્વતંત્રતાને શક્તિ આપી હતી એ જ રીતે અત્યારે સ્વદેશી દેશની સમૃદ્ધિને શક્તિ આપશે.

સૈદ્ધાંતિક રીતે મોદીની વાતો સાચી છે પણ તકલીફ એ છે કે, મોદી સરકારે અત્યાર લગી એવું કશું નક્કર કર્યું નથી કે જેના કારણે સ્વદેશીને પ્રોત્સાહન મળે અને લોકો સ્વદેશી તરફ વળે. મોદી સતત વિદેશોમાં ફરીને વિદેશી રોકાણ ભારતમાં આવે તેના માટે મથતા રહ્યા તેના કારણે ભારત મોદી શાસનનમાં 11 વર્ષમાં ખુલ્લેઆમ વિદેશી કંપનીઓ વિરુદ્ધ વલણ લઈ નથી શક્યું.

મોદી સરકારે સ્વદેશીને પ્રોત્સાહન મળે એ માટે એવી કોઈ નક્કર નીતિ પણ બનાવી નથી. આત્મનિર્ભર ભારત સહિતની યોજનાઓ જાહેર કરાઈ પણ તેમાં મુખ્યત્વે ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની વાત છે જ્યારે ભારતમાં મુખ્ય વ્યાપાર તો રોજિંદા વપરાશની ચીજોનો છે.

આ ચીજો ભારતીય બનાવટની જ વપરાય એ માટે તેમને વિશેષ પ્રોત્સાહન આપવું જોઈએ, કરવેરામાં છૂટ આપવી જોઈએ પણ એવાં કોઈ પગલાં હજુ સુધી તો નથી લેવાયાં. વિદેશી કંપનીઓનાં ઉત્પાદનોની સરખામણીમાં ભારતીય ઉત્પાદનો પર ટેક્સ ઓછો હોય તો તેમના ભાવ ઘટે ને લોકો ભારતીય માલ ખરીદવા પ્રેરાય પણ અત્યારે ભારતીય ઉત્પાદનો માટે એવી કોઈ વિશેષ નીતિ જ નથી. હવે મોદી સ્વદેશીની તરફેણ કરી રહ્યા છે ત્યારે એવી નીતિ બનાવાય તો ચોક્કસ સ્વદેશીને પ્રોત્સાહન મળે.

અત્યારે જે સ્થિતિ છે તેમાં ભારતીયો પોતાની જરૂરીયાતની 70 ટકા ચીજો વિદેશી કંપનીઓની ખરીદે છે. ભારતમાં દૂધ અને તેની બનાવટોને બાદ કરતાં બાકીની તમામ પ્રોડક્ટ્સ વિદેશી કંપનીઓની વેચાય છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલ અને પછી વર્ગીસ કુરિયને કરેલી ક્રાંતિના કારણે આપણે શ્વેત ક્રાંતિ લાવ્યા તેથી દૂધ, દહી, ઘી, માખણ, ચીઝ, પનીર વગેરે મિલ્ક પ્રોડક્ટ્સ માટે વિદેશી કંપનીઓ તરફ નથી જોવું પડતું પણ બીજી ચીજો વિદેશી કંપનીઓની જ વાપરવી પડે છે.

અંગ્રેજો ભારત છોડી ગયા પછી આપણે આઝાદ થઈ ગયા એવા ભ્રમમાં ભલે રહીએ પણ આપણે હજુય વિદેશીઓના ગુલામ જ છીએ કેમ કે ભારત અંગ્રેજોના સમયમાં આ દેશમાં ઘૂસી ગયેલી કંપનીઓની નાગચૂડમાંથી મુક્ત થયું નથી.

આજે પણ આપણે નાનામાં નાની જરૂરીયાત માટે વિદેશ કંપનીઓ પર નિર્ભર છીએ. ટૂથપેસ્ટ હોય કે ટીવી હોય, એર કન્ડિશનર હોય કે એરોપ્લેન હોય, મોબાઈલ ફોન હોય કે મોટર કાર હોય, આપણી લગભગ તમામ જરૂરીયાતો વિદેશી કંપનીઓ જ પૂરી કરે છે. કોઈ દિવસ નિરાંતે જે ચીજો વાપરીએ છીએ એ કઈ કંપનીઓ બનાવે છે તેની તપાસ કરશો તો ખબર પડશે કે આપણે વિદેશી કંપનીઓ પર સંપૂર્ણપણે નિર્ભર છીએ ને આપણી કમાણીમાંથી મોટો હિસ્સો તો વિદેશી કંપનીઓ જ ઉસેટી જાય છે.

ભારતમાં જ નહીં પણ દુનિયામાં કોઈ પણ દેશમાં સૌથી મોટું બજાર ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી)નું હોય છે. જે ચીજોની જરૂર રોજેરોજ કે ચોક્કસ સમયાંતરે પડે, જે ચીજ એક વાર વપરાય પછી ઉપયોગમાં લેવા જેવી ના રહે એ ચીજો આ કેટેગરીમાં આવે. ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, કોલ્ડ્રિંક્સ વગેરે ઢગલાબંધ ચીજો આ કેટેગરીમાં આવે છે.

ભારતમાં 150 કરોડની વસતી હોવાથી આ બધી ચીજો થોકબંધ પ્રમાણમાં વપરાય છે ને આ ચીજોનો ધંધો ધમધોકાર ચાલે છે. ભારતમાં આ બજાર પર વિદેશી કંપનીઓનું રાજ ચાલે છે. મોદી કહે છે તેમ ભારતે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર બનવું હોય તો સૌથી પહેલાં તો આ ક્ષેત્રમાં પોતાની કંપનીઓ ઊભી કરવી પડે. આ કંપનીઓએ વિદેશી કંપનીઓને ટક્કર મારે એવો માલ બનાવવો પડે.

આ ચીજો એવી નથી કે જે બનાવવા માટે બહુ મોટા જ્ઞાન કે ટેકનોલોજીની જરૂર પડે. કોમ્પ્યુટર, કાર કે લેટેસ્ટ ટેકનોલોજીની ચીજો માટે ટેકનોલોજી જોઈએ ને જંગી રોકાણ જોઈએ જ્યારે એફએમસીજી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે એ જરૂરી નથી. નાની નાની કંપનીઓ પણ એ કરી શકે પણ સરકારે તેને ખાસ પ્રોત્સાહન આપવું પડે.

ભારતમાં ઘણા ઠેકાણે નાની નાની કંપનીઓ સ્થાનિક સ્તરે સારો માલ બનાવે છે ને વેચે પણ છે પણ તેમનામાં રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢવાની તાકાત નથી હોતી. આવી કંપનીઓ મોટી બનવા માંડે પછી મલ્ટિનેશનલ કંપનીઓ સામ, દામ, દંડ, ભેદ અપનાવીને દબાવી દે છે ને દબાય નહીં તો ખરીદી લે છે.

સરકાર તેની સામે આંખ આડા કાન કરે છે તેથી થમ્સ અપના કિસ્સામાં બનેલું એમ આપણા ઉદ્યોગપતિઓમાં વિદેશી કંપનીઓ સામે ઝીંક ઝીલી ના શકતાં પોતાનો જામેલો ધંધો વિદેશી કંપનીઓને સોંપીને પણ ઘણા ઊભા થઈ જાય છે. થમ્સ અપની જેમ ઘણી સ્થાનિક કોલ્ડ્રિંક્સ કંપનીઓને ગળી જઈને પેપ્સી અને કોકા કોલાએ ભારતીય બજાર કબજે કર્યું છે.

મોદી સરકારે સ્વદેશી અપનાવવી હોય તો ભારતીય કંપનીઓને રક્ષણ પણ આપવું પડે. દરેક ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને ટક્કર આપે એવી મજબૂત ભારતીય કંપનીઓ પણ ઊભી કરવી પડે. માત્ર પ્રવચનો આપવાથી સ્વદેશીને પ્રોત્સાહન ના મળી જાય.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ H1-B વિઝા ફીમાં વધારો, અમેરિકાને નહીં પણ ભારતને જ નુકસાન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button