ઘરેલુ રાંધણગૅસના ભાવ કેમ નથી ઘટતા?

એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ
આપણે ત્યાં નવો મહિનો શરૂ થાય ને નવું કંઈક આવે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કોમર્શિયલ એલપીજી ગેસના ભાવઘટાડા સાથે થઈ છે પણ આ ભાવઘટાડો કોમર્શિયલ એલપીજી ગેસ માટે છે.
ઓઈલ કંપનીઓએ સતત ચોથા મહિને કોમર્શિયલ ગેસના ભાવ ઘટાડ્યા છે અને રેસ્ટોરન્ટ્સ, હોટલો સહિતના બિઝનેસને રાહત આપી પણ સામાન્ય લોકોને ઠેંગો બતાવાયો છે કેમ કે ઘર વપરાશના એલપીજી ગેસ એટલે કે રાંધણગૅસના ભાવમાં કોઈ ઘટાડો કરાયો નથી.
ઘરેલુ ગૅસના 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ અત્યારે લગભગ 850 રૂપિયા છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો અને ઘરવપરાશના એલપીજીના ભાવ યથાવત રાખીને ઓઈલ કંપનીઓએ એકને ગોળ ને એકને ખોળની નીતિ ચાલુ રાખી છે.
કેન્દ્ર સરકારના તાબા હેઠળની ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયાનો ઘટાડો કર્યો તેનો અમલ સોમવારથી શરૂ પણ થઈ ગયો છે. આ નવા ભાવ સાથે 1 સપ્ટેમ્બરથી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ દિલ્હીમાં 1580 રૂપિયા અને મુંબઈમાં 1531 રૂપિયા થયો છે.
દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે કેમ કે ભાવ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ તથા રાજ્ય સરકારોના ટેક્સના આધારે નક્કી થાય છે. દિલ્હીમાં મથુરા રીફાઈનરીથી સીધું પેટ્રોલ-ડીઝલ આવે છે એટલે પેટ્રોલ-ડીઝલના સૌથી ઓછા ભાવ દિલ્હીમાં હોય છે જ્યારે ગૅસના ભાવ મુંબઈમાં સૌથી ઓછા હોય છે અને સૌથી વધારે ભાવ ચેન્નઈમાં હોય છે.
આ ઘટાડા પછી મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને 1531 રૂપિયા થયો છે. બીજાં શહેરોમાં કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવ મુંબઈ કરતાં સો-બસો રૂપિયા વધારે હોય છે તેથી ચેન્નાઈમાં કોમર્શિયલ ગૅસ સિલિન્ડર 1737 રૂપિયામાં જ્યારે કોલકાત્તામાં 1683 રૂપિયા થયો છે.
કોમર્શિયલ એલપીજી ગૅસ સિલલિન્ડરના ભાવમાં સળંગ ચોથા મહિને ઘટાડો થયો છે. જૂન મહિનાથી કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાનો સિલસો શરૂ થયો એ ચાલ્યા જ કરે છે. ઓઇલ માર્કેટિગ કંપનીઓએ 1 ઑગસ્ટના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરેલો જ્યારે 1 જુલાઈએ 58.50 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. 1 જૂને 24 રૂપિયાનો ઘટાડો કરાયો હતો.
છેલ્લા ચાર મહિનામાં સતત કરાયેલા ઘટાડાના કારણે ચાર મોટાં શહેરોમાં કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવ 140 રૂપિયાની આસપાસ ઘટી ગયા છે. એપ્રિલમાં બધાં શહેરોમાં કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવ 1700 રૂપિયાને પાર હતા એ ઘટીને 1500ની રેન્જમાં આવી ગયા છે જ્યારે રાંધણગૅસમાં કોઈ ઘટાડો થયો નથી.
ઓઈલ કંપનીઓએ 1 એપ્રિલે ઘરેલુ વપરાશ માટેના એલપીજી ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો ત્યારે કોમર્શિયલ એલપીજી ગૅસના ભાવ પણ વધારેલા.
1 એપ્રિલે ઓઈલ કંપનીઓએ પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓ અને ઉજજવલા સિવાયના વપરાશકારો એમ બંને માટે રાંધણ ગેસની કિમત 50 રૂપિયા વધારી હતી. એ વખતે ઉજજવલાના લાભાર્થીઓના ગેસ સિલિન્ડરની કિમત વધીને 550 રૂપિયા થઈ હતી જ્યારે અન્ય લોકો માટે 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ હતી.
છેલ્લા પાંચ મહિનાથી આ જ ભાવ યથાવત્ છે. ઓઈલ કંપનીઓ કોમર્શિયલ એલપીજી ગેસના ભાવ ઘટાડો તેનો અર્થ એ થયો કે, એલપીજીની પડતર કિમત ઘટી છે પણ આ ઘટાડાનો લાભ સામાન્ય લોકોને નથી અપાતો એ ખટકે છે.
એપ્રિલમાં 50 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો એ વખતે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગાજર લટકાવેલું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં નેચરલ ગેસના ભાવ વધ્યા હોવાથી ઓઈલ કંપનીઓએ ભાવ વધાર્યા વિના છૂટકો નથી પણ બહુ જલદી અને ભાવોની સમીક્ષા કરીને ભાવ ઘટશે તો લોકોને રાહત આપીશું. પાંચ મહિના થઈ ગયા પણ આ રાહત અપાઈ નથી.
પુરીનું કહેવું હતું કે, અમે દર 2-3 અઠવાડિયે ભાવોની સમીક્ષા કરીએ છીએ અને આ વાત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ માટે સાચી છે પણ ઘરેલુ વપરાશ માટેના એલપીજી માટે સાચી નથી. સરકાર કોમર્શિયલ એલપીજીના ભાવ ઘટાડી શકે તો ઘરેલુ વપરાશના રાંધણગૅસના ભાવ પણ ઘટાડી જ શકે પણ પાંચ મહિનાથી એ નથી થતું. નામ માત્રની રાહત પણ અપાતી નથી.
મોદી સરકારનું આ વલણ આઘાતજનક કહેવાય કેમ કે સરકાર સામાન્ય લોકોને સીધી રાહત આપવાથી દૂર ભાગી રહી છે. ભારતમાં કુલ એલપીજી વપરાશના લગભગ 90 ટકા ઉપયોગ ઘરેલુ રસોઈમાં થાય છે જ્યારે બાકીના 10 ટકાનો ઉપયોગ કોમર્શિયલ, ઔદ્યોગિક અને ઓટોમોટિવ ક્ષેત્રોમાં થાય છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં ઘરેલુ એલપીજી કનેક્શન લગભગ બમણા થયા છે.
ભારતમાં એપ્રિલ 2025 સુધીમાં ઘરેલુ એલપીજી કનેક્શનની સંખ્યા લગભગ 33 કરોડ હતી એ જોતાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય તો 33 કરોડ પરિવારોને રાહત થાય પણ મોદી સરકાર એ રાહત આપતી નથી.
તેના બદલે કોમર્શિયલ વપરાશકારોને રાહત આપે છે. આ રાહતથી સામાન્ય લોકોને કોઈ ફાયદો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી સૌથી વધારે ફાયદો રેસ્ટોરન્ટ માલિકોને થઈ રહ્યો છે પણ રેસ્ટોરન્ટમાં જમવાનો ભાવ તો ઘટતો નથી.
મોદી સરકાર કોમર્શિયલ એલપીજીના ભાવ ઘટાડીને પોતે રાહત આપી હોવાની છાપ ઉભી કરે છે પણ આ રાહત નથી. મીડિયામાં એલપીજી ગેસના ભાવ ઘટ્યા એવા છેતરામણા સમાચાર અપાય છે તેથી સામાન્ય માણસ પોતાને ફાયદો થયાની આશામાં સમાચાર વાંચે છે પણ વાંચ્યા પછી ખબર પડે છે કે, ઓઈલ કંપનીઓએ આપણને ફરી ઉલ્લુ બનાવી દીધા છે.
ઘરેલુ વપરાશના રાંધણગૅસ જેવો જ ખેલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થાય છે. આપણે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદીએ છીએ તેના કારણે દેશને ફાયદો થતો હોવાની વાતો કરાય છે પણ પેટ્રોલ-ડીઝલ સસ્તું થતું નથી. લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ એક જ છે કેમ કે સરકાર ભાવઘટાડાનો લાભ સામાન્ય લોકોને આપવાના બદલે એક્સાઈઝ વધારીને પોતાની તિજોરી ભરે છે.
એપ્રિલમાં રાંધણગૅસના ભાવ 50 રૂપિયા વધારાયા ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયૂટીમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારો 8 એપ્રિલ, 2025 થી અમલમાં આવ્યો હતો.
હવે ભાવ ઘટ્યા પણ આ વધારો પાછોં ખેંચાયો નથી. સરકારની આવક વધે એ સારું છે પણ આ વધેલી આવકનો ફાયદો મધ્યમ વર્ગને બહુ થતો નથી. મોટા ભાગની આવક વોટબેંક માટે ચલાવાતી રોકડાની સ્કીમોમાં ખર્ચાઈ જાય છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ પુતિન-ટ્રમ્પ વચ્ચે સમાધાનથી ભારતને પણ રાહત થાય