એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ બિહારમાં હાર, કૉંગ્રેસનું ‘નાચ ના જાને આંગન ટેઢા’

ભરત ભારદ્વાજ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયેલી કૉંગ્રેસે ફરી ‘નાચ ના જાને આંગન ટેઢા’વો ખેલ શરૂ કરી દીધો છે. કૉંગ્રેસ પાસ મતદારોને આકર્ષવા માટે કશું નથી પણ આ વાતનો સ્વીકાર કરવામાં કૉંગ્રેસીઓને નાનમ લાગે છે એટલે ક્યાંય પણ હાર થાય એટલે ચૂંટણી પંચ પર આક્ષેપો કરીને એકદમ ઉઘાડ કાઢીને ઉભા રહી જાય છે. બિહારની ચૂંટણીમાં હાર પછી કૉંગ્રેસે એ જ ધંધો માંડ્યો છે.

કૉંગ્રેસે પહેલાં વધારાના 3 લાખ મત ક્યાંથી આવી ગયા એવો વાંધો ઉઠાવેલો પણ ચૂંટણી પંચે આ દાવાની હવા કાઢી નાંખી એટલે કૉંગ્રેસના દિગ્વિજયસિંહે દાવો કર્યો છે કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (EVM)માં ઘાલમેલ અને મતદાર યાદીઓમાં ચેડાં કરીને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ જીત મેળવી છે. મજાની વાત એ છે કે, મહાકૌભાંડી એવા નહેરુ-ગાંધી ખાનદાનના જમાઈરાજ રોબર્ટ વાડરાએ દિગ્વિજયસિંહની વાતમાં સૂર પુરાવીને બિહારમાં નવેસરથી ચૂંટણીની સાવ હાસ્યાસ્પદ માગ કરી નાખી છે.

દિગ્વિજયસિંહ સાવ પતી ગયેલી પાર્ટી છે અને રાજકીય રીતે એ હદે નાદાર થઈ ગયા છે કે, વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકતા નથી પણ નહેરૂ-ગાંધી ખાનદાનની મહેરબાનીથી રાજ્યસભાના સાંસદ છે. આ દિગ્વિજય સિંહે બિહારનાં પરિણામોની સરખામણી ઉત્તર કોરિયા, રશિયા અને ચીનની ચૂંટણીઓ સાથે કરીને જ્ઞાન પણ પિરસ્યું છે કે, એક જ મોરચાની તરફેણમાં આવેલા પરિણામો શંકા પેદા કરે છે. દિગ્વિજયની કોમેન્ટ ભારતની લોકશાહીના ઘોર અપમાન સમાન છે કેમ કે ઉત્તર કોરિયા, રશિયા અને ચીનની જેમ ભારતમાં ચૂંટણી નથી થતી પણ નિયમો અને ધારાધોરણોને આધારે થાય છે.

ચીનમાં કિમ ઉન જોંગની તાનાશાહીના કારણે ફારસરૂપ ચૂંટણી થાય છે. કિમ ઉન જોંગની પાર્ટીના ઉમેદવારો સામે કોઈ મેદાનમાં જ હોતું નથી. કોઈ પ્રચાર નથી થતો કે લોકોને પોતાની રીતે મત આપવાની છૂટ પણ નથી હોતી. ભારતમાં એ રીતે ચૂંટણી થાય છે? બિલકુલ નહીં. બિહારમાં પચીસ પક્ષોના ઉમેદવાર મેદાનમાં હતા ને જોરદાર જંગ થયો હતો.

બિહારમાં ભાજપ અને જેડીયુએ કર્યો હતો એવો જ ઉગ્ર પ્રચાર આરજેડી અને કોંગ્રેસે કર્યો હતો પછી કઈ રીતે આ ચૂંટણીને ઉત્તર કોરીયાની ચૂંટણી સાથે સરખાવી શકાય? રશિયામાં વ્લાદીમીર પુતિન ચૂંટણીના નામે નાટક કરે છે એ સાચું છે. પુતિન સામે પડનારાંને કાં જેલમાં ધકેલી દેવાય છે કાં પતાવી દેવાય છે પણ ભારતમાં એવું થતું નથી. ચીનમાં તો સત્તાવાર રીતે જ એક પક્ષનું શાસન છે તેથી તેની સાથે ભારતની ચૂંટણીની સરખામણી કરવાનો સવાલ જ ઊઠતો નથી છતાં દિગ્વિજયને એવું લાગતું હોય તો આ માનસિકતાનો કોઈ ઉપાય આપણી પાસે નથી.

દિગ્વિજયસિંહે એવો દાવો પણ કર્યો છે કે, બિહારમાં 62 લાખ મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં અને 20 લાખ નવાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. કેન્દ્રીય ચૂંટણી પંચે કોનાં નામ દૂર કરવામાં આવ્યાં કે ઉમેરવામાં આવ્યાં તેમનાં નામ પણ જાહેર કર્યાં નથી તેથી મોટા પાયે ગરબડ થઈ છે એ નક્કી છે.

દિગ્વિજયે પરિણામ જાહેર થયા પહેલાં કહેલું કે, એનડીએ 140 બેઠકોનો આંકડો પાર કરે તો સમજી લેવું કે, ઈવીએમ અને મતદાર યાદીઓ સાથે ચેડાં કરાયાં છે. દિગ્વિજયે આ વાત પાછી દોહરાવીને દાવો કર્યો છે કે, ચૂંટણીમાં ગળાકાપ સ્પર્ધા હતી અને ઓવૈસી તથા પ્રશાંત કિશોરની પાર્ટી કોના મત કાપે છે તેના પર સૌની નજર હતી પણ પરિણામોમાં એવું કશું દેખાતું નથી તેથી ગરબડ થઈ છે એ નક્કી છે.

રોબર્ટ વાડરાએ પણ દિગ્વિજયની જેમ જ ચૂંટણીમાં ગરબડનું વાજું વગાડીને જાહેર કરી દીધું છે કે, આ પરિણામો અન્યાયી, ઘાલમેલયુક્ત હોવાથી સ્વીકૃત નથી. વાડરાના કહેવા પ્રમાણે તો બિહારની પ્રજા પણ પરિણામોથી ખુશ નથી. ચૂંટણી પંચ સાથેની મિલિભગતમાં ખેલ પાડીને ભાજપ જીત્યો છે તેથી બિહારમાં ફરી ચૂંટણી કરાવવી જોઈએ.

વાડરા અને દિગ્વિજયની વાતો બંનેને મૂરખના જામ સાબિત કરનારી તો છે જ પણ કૉંગ્રેસના નેતાઓનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ નથી રહ્યો એ પણ સાબિત કરનારી છે. દિગ્વિજય મધ્ય પ્રદેશમાં બેઠાં બેઠાં બિહારની ગ્રાઉન્ડ રીયાલિટી એટલે કે નક્કર વાસ્તવિકતાની વાતો કરે તેનાથી વધારે હાસ્યાસ્પદ બીજું શું કહેવાય? દિગ્વિજય જે ગ્રાઉન્ડ રીયાલિટીની વાતો કરે છે એ સોશિયલ મીડિયા કે મીડિયામાં તળાતાં વાતોનાં વડાંથી વિશેષ કંઈ જ નથી.

ઓવૈસી અને પ્રશાંત કિશોર બિહારના રાજકારણમાં મહત્ત્વના સાબિત થશે ને કિંગ મેકર બનશે એવું પિક્ચર મીડિયાએ જ ઊભું કરેલું. બાકી બંનેનો ખરેખર ભારે રાજકીય પ્રભાવ છે એવું કોઈ તબક્કે દેખાયું જ નહોતું. મીડિયામાં જ પી.કે. પચ્ચીસ બેઠકો લઈ જશે ને ઓવૈસી વીસ બેઠકો લઈ જશે એવી વાતો થતી હતી પણ વાસ્તવિકતા શું છે તેની કોઈને ખબર નહોતી.

રોબર્ટ વાડરાની વાત તો દિગ્વિજય કરતાં પણ હાસ્યાસ્પદ છે. બિહારમાં સાત કરોડ મતદારો છે અને વાડરા તેમાંથી ગણીને સાત મતદારોને પણ નહીં મળ્યો હોય ને છતાં બિહારના મતદારોનો ઠેકેદાર બનીને બોલવા ઉતરી પડે તેનાથી વધારે હાસ્યાસ્પદ બીજું શું હોય? દિગ્વિજય તો રાજકારણી છે એટલે બિહાર કોંગ્રેસના પચાસ-સો કાર્યકરો સાથે વાત પણ કરી હશે.

વાડરા તો દિલ્હીની બહાર નથી નિકળતો ને વાતો બિહારની પ્રજાને આ પરિણામો સ્વીકાર્ય નથી એવી કરી રહ્યા છે. ભલા માણસ, કંઈક તો માપ રાખો ? ને વાડરા ફરી ચૂંટણી કરાવવાની વાત તો શાકભાજી સારી ના આવી તો બજારમાંથી બીજી લઈ આવો એ રીતે કરી રહ્યા છે. ફેર ચૂંટણી કરાવવી કંઈ હલવો છે કે ઈચ્છા થઈ ત્યારે ફ્રીઝમાંથી કાઢીને ખાઈ લીધો?

બિહારમાં ભાજપ-જેડીયુની જીત મહિલાઓના ખાતામાં સીધા 10 હજાર રૂપિયા જમા કરાવ્યા તેને આભારી છે. ભાજપ-જેડીયુએ બરાબર ચૂંટણી પહેલાં એવો દાવ ખેલ્યો કે જેનો કોઈ પક્ષ પાસે તોડ નહોતો. આ દેશમાં સામાન્ય માણસે સો-બસો રૂપિયા કમાવવા માટે પણ ભારે સંઘર્ષ કરવો પડે છે ત્યારે ખાતામાં સીધા 10 હજાર રૂપિયા આવે તો આખો પરિવાર એ રૂપિયા આપનારા પક્ષને જ મત આપવાનો કે બીજા કોઈને મત આપે?

કૉંગ્રેસે આ વાતને સમજવાની જરૂર છે અને લોકોને કઈ રીતે સીધો ફાયદો કરાવી શકાય છે તેની વ્યૂહરચના બનાવવી જોઈએ. તેના બદલે કૉંગ્રેસીઓ પાણીમાથી પોરા કાઢીને હાર માટે બહાનાં શોધવામાંથી ઊંચા નથી આવતા. આ માનસિકતા ધરાવતી પાર્ટી કઈ રીતે ઊંચી આવે?

આ પણ વાંચો…કવર સ્ટોરી: બિહાર ચૂંટણી પરિણામ લાલચ નહીં… સીધી લાંચ એ છે ચૂંટણી જીતવાની સચોટ ફોર્મ્યુલા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button