એકસ્ટ્રા અફેરઃ લદાખમાં પાછો ભડકો, છઠ્ઠા શીડ્યુલના મુદ્દે મડાગાંઠ | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ લદાખમાં પાછો ભડકો, છઠ્ઠા શીડ્યુલના મુદ્દે મડાગાંઠ

  • ભરત ભારદ્વાજ

જમ્મુ કાશ્મીરરમાંથી અલગ કરાયેલા લદાખમાં ભડકો થઈ ગયો છે અને લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગ સાથે લોકો રસ્તા પર ઊતર્યા છે. જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણશાસ્ત્રી સોનમ વાંગચુક કેન્દ્રશાસિત પ્રદેશ લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ પર ઊતર્યા છે પણ સરકારે તેમને ગણકાર્યા નહીં એટલે વાંગચુકના સમર્થનમાં લોકો રસ્તા પર આવી ગયા છે. વાંગચુકના સમર્થનમાં બુધવારે લેહ બંધનું એલાન અપાયેલું. આ એલાન દરમિયાન વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી.

પોલીસે તેમને રોકવા કોશિશ કરી તેમાં અથડામણ થઈ ગઈ. પોલીસે વિદ્યાર્થીઓને વિખેરવા બળપ્રયોગ કરતાં વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. વિદ્યાર્થીઓએ સીઆરપીએફના વાહનને પણ આગ ચાંપી દીધી અને પછી ભાજપની ઓફિસમાં ઘૂસીને ઓફિસ પણ સળગાવી દીધી. હિંસાની બીજી ઘટનાઓ પણ બની છે અને તેના કારણે લદાખ અચાનક જ રાષ્ટ્રીય સ્તરે ચમકી ગયું છે. ચમત્કાર વિના નમસ્કાર નહીં એ હિસાબે આ હિંસાની અસર વર્તાઈ છે. કેન્દ્ર સરકારે આ માગણીઓ અંગે ચર્ચા માટે છ ઓક્ટોબરે દિલ્હીમાં બેઠક બોલાવી છે.

લેહ-લદાખમાં જનાક્રોશ લાંબા સમયથી ભડકેલો છે અને નાના પાયે તો દેખાવો થયા જ કરે છે પણ નેશનલ મીડિયામાં તેની નોંધ નહોતી લેવાતી. તેના કારણે લેહ-લદાખમાં બધું બરાબર છે એવું જ લાગતું હતું. અત્યારે પણ વાંગચુક 15 દિવસથી ભૂખ હડતાળ પર ઊતર્યા છે છતાં કશું બન્યું જ ના હોય એમ મીડિયા તેની નોંધ નથી લેતું. આ તો હિંસા થઈ એટલે જખ મારીને નોંધ લેવી પડી, બાકી લદાખમાં બધું બરાબર છે એવા ભ્રમમાં આખો દેશ હતો. તેનાં કારણ શું છે એ કહેવાની જરૂર નથી પણ એ મુદ્દો અલગ છે. અત્યારે મુદ્દો લદાખમાં કેમ ભડકો થયો એ છે તેથી તેની વાત કરીએ.

વાંગચુક ચાર માગણીઓ સાથે ભૂખ હડતાળ પર ઊતર્યા છે. પહેલી માગણી એ છે કે, લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. બીજી માગણી એ છે કે, લદાખનો બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરીને આદિવાસીઓના અધિકારો સુરક્ષિત કરીને બંધારણીય રક્ષણ આપવું જોઈએ. ત્રીજી માગણી એ છે કે, હાલમાં લોકસભાની એક જ બેઠક છે તેના બદલે લદાખમાં કારગિલ અને લેહ એમ બે લોકસભા સીટ આપો. ચોથી માગણી એ છે કે, સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતી થવી જોઈએ.

વાંગચુક આ માગણીઓ સાથે પહેલાં પણ ભૂખ હડતાળ પર ઉતરેલા પણ એ વખતે તેમને ફોસલાવીને બેસાડી દેવાયેલા. વાંગચુકને બહુ જલદી આ માગણીઓ પૂરી કરાશે એવી ગોળી ગળાવાયેલી પણ બે વર્ષમાં કશું ના થતાં વાંગચુકે પાછા મેદાનમાં આવવું પડ્યું છે. વાંગચુકના આંદોલનને કારણે બોલાવાયેલી બેઠકમાં શું થાય છે એ ખબર નથી પણ લદાખનાં લોકોની માગણીમાં દમ છે જ.

લેહ લદાખ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં હતું પણ પાંચ ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી પછી સમીકરણો બદલાઈ ગયાં. કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 તથા કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકાર આપતી કલમ 35એ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરનો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો રદ કરી દેતાં જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હતો. લેહ અને કારગિલને સમાવીને લદાખને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો.

મોદી સરકારે એ વખતે ગાજર લટકાવેલું કે, લેહ-લદાખનો એવો વિકાસ કરીશું કે સ્વર્ગ પણ તેની આગળ ઝાંખું પડી જાય. લેહ-લદાખમાં દૂધ-ઘીની નદીઓ વહેશે ને લોકો તેમાં ધુબાકા મારતાં હશે. છ વર્ષ પછી આ બધી વાતો વાતો જ છે અને વિકાસ તો બાજુ પર રહી ગયો, ઊલટાનું લદાખમાં સમસ્યાઓ વધતી જાય છે અને તેમના કારણે લોકોની તકલીફો પણ વધતી જાય છે. વાંગચુક સહિતના નેતા તેની સામે મેદાને પડ્યા છે પણ કેન્દ્ર સરકાર તેમને સાંભળતી નથી કેમ કે તેમણે લદાખનો બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માગણી ઉઠાવી છે. કેન્દ્ર સરકારને બીજી માગણીઓ સ્વીકારવામાં વાંધો ના નડે પણ આ માગણી સ્વીકારવી મુશ્કેલ છે.

ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની જોગવાઈ છે. આદિવાસી સમુદાયોની અનન્ય ઓળખ અને સ્વાયત્તતાનું રક્ષણ કરવા માટે કરાયેલી આ જોગવાઈ પ્રમાણે આદિવાસી વિસ્તારોમાં સ્વાયત્ત જિલ્લા પરિષદો (અઉઈત) ની સ્થાપના કરવામાં આવે છે. આ પરિષદો સ્થાનિક વહીવટ, સંસાધન વ્યવસ્થાપન એટલે કે રિસોર્સ મેનેજમેન્ટ અને સાંસ્કૃતિક બાબતોનો વહીવટ કરે છે. તેના માટે જરૂરી કાયદાકીય, ન્યાયિક અને વહીવટી સત્તાઓ જિલ્લા પરિષદો પાસે હોય છે.

કેન્દ્ર સરકાર લદાખનો છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરીને આદિવાસી વિસ્તારોના વહીવટ માટે જિલ્લા પરિષદો બનાવવાની માગણી સ્વીકારે એટલે તેણે આ વિસ્તારોને ભૂલી જવા પડે. આ વિસ્તારોની કોઈ બાબતમાં દખલ ના કરી શકે. કેન્દ્ર સરકારની યોજના આ વિસ્તારનો કહેવાતો વિકાસ કરીને ઉદ્યોગોને લાવવાની છે, પ્રવાસન વિકસાવવાની છે, ફિલ્મોનાં શૂટિંગ શરૂ કરાવવાની છે.

વાંગચુક માને છે કે, આ બધી પ્રવૃત્તિઓના કારણે લદાખમાં પર્યાવરણું સંતુલન ખોરવાઈ જશે. લદાખમાં મોટી સમસ્યા પાણીની છે કેમ કે વરસાદ પડતો નથી. વાંગચુક તથા તેની ટીમે આઈસ હટના ક્ધસેપ્ટ દ્વારા બરફને સાચવીને તેનો ભવિષ્યમાં પાણી તરીકે ઉપયોગ કરીને આ સમસ્યા હળવી કરી છે પણ ઉદ્યોગો તથા બીજી વ્યવસાયિક પ્રવૃત્તિઓના કારણે ગરમી વધે તો આ બરફ ઝડપથી ઓગળવા માંડે તેથી ફરી પાણીની અછત સર્જાય.

જમીનોમાં ખોદકામના કારણે પહાડો ધસવા માંડે અને જમીનો ઘટે તેથી પશુઓ માટે ઘાસ સહિતની બીજી સમસ્યાઓ પણ સર્જાય. ઉત્તરાખંડ અત્યારે જે સમસ્યાઓ અને તબાહીઓનો અનુભવ કરી રહ્યો છે તેનો અનુભવ લદાખનાં લોકો પણ કરતાં થઈ જાય તેથી આદિવાસી વિસ્તારો તરીકે માન્યતા આપીને આ વિસ્તારનું રક્ષણ કરવું જરૂરી છે.

કેન્દ્ર સરકારે લદાખના વહીવટના સરળીકરણ માટે ઓગસ્ટ 2024માં લદાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 26 ઓગસ્ટ, 2024ના રોજ જાહેરાત કરેલી કે, ઝાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ એમ પાંચ નવા જિલ્લા બનશે. પહેલાં લદાખમાં લેહ અને કારગિલ એ બે જ જિલ્લા હતા. આ જાહેરાત દ્વારા વાંગચુકને ઠંડા પાડવા કોશિશ કરાયેલી પણ વાંગચુક છઠ્ઠા શીડ્યુલ પર અડ્યા છે ને કેન્દ્ર તેના માટે તૈયાર નથી એ જોતાં લદાખનું કોકડું ઝડપથી નહીં ઉકેલાય એવું લાગે છે.

આપણ વાંચો:  એકસ્ટ્રા અફેરઃ લશ્કરી કાર્યવાહી વિના પીઓકે પાછું ના મળે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button