એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પને કાંડાં કાપી આપવા કરતાં ચીન પર ભરોસો કરવો બહેતર…

ભરત ભારદ્વાજ
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે અને આજે ચીન જવા રવાના થશે. મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે એ રીતે તો આ મુલાકાત મહત્ત્વની છે જ પણ દુનિયાનાં બદલાયેલાં સમીકરણોના કારણે પણ આ મુલાકાત મહત્ત્વની છે.
મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટમાં હાજરી આપવા ચીન જઈ રહ્યા છે પણ ડોનલ્ડ ટ્રમ્પના ટૅરિફના તાયફાઓના કારણે આખી દુનિયાની નજર મોદીની ચીનની મુલાકાત પર મંડાયેલી છે.
મોદી ચીનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ પુતિનને મળવાના છે અને આ બેઠકમાં અમેરિકાને બહુ રસ છે કેમ કે આ બેઠકમાં ભારતના ભવિષ્યના આર્થિક સંબંધોનો તખ્તો ઘડાશે.
ડૉનલ્ડ ટ્રમ્પે ભારતને ડરાવવા 50 ટકા ટૅરિફ લાદ્યો તેની ઐસીતૈસી કરીને મોદી ચીન-રશિયા સાથે નવી ધરી રચી રહ્યા છે. ચીન અને ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતા દેશ છે અને દુનિયાની કુલ વસતીમાં ત્રીજા ભાગની વસતી આ બે દેશોમાં છે તેથી બંને પાસે બહુ તોતિંગ માર્કેટ છે.
રશિયા પણ હથિયારો, ક્રૂડ ઓઈલ, ટેકનોલોજીમાં અમેરિકાને ટક્કર મારે એવો દેશ છે તેથી ભારત, રશિયા અને ચીનની ત્રિમૂર્તિ બને તો અમેરિકાને ભોં ભારે પડી જાય એટલે અમેરિકા ભારે ઉચાટમાં પણ છે.
મોદીની ચીનની યાત્રા વખતે જ અમેરિકાના પ્રમુખ શી જિનપિંગે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલા એક કહેવાતા સીક્રેટ પત્રની વાત ચગાવાઈ રહી છે. એક અમેરિકન કંપનીના મીડિયા હાઉસનો દાવો છે કે, માર્ચમાં, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ચીન સામેના વેપાર યુદ્ધને તીવ્ર બનાવી રહ્યા હતા ત્યારે બીજિંગે ગુપ્ત રીતે ભારતનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. તેના ભાગરૂપે મુર્મૂને આ સીક્રેટ લેટર લખાયો હતો અને ભારત-ચીન વચ્ચેના સંબંધો સુધારવા વિનંતી કરાઈ હતી.
આ રિપોર્ટમાં એવો દાવો પણ કરાયો છે કે, આ પત્ર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પહોંચાડવામાં આવ્યો હતો કે જેથી તેઓ ચીન સાથેના સંબંધો સુધારવા માટે શું કરી શકાય તે અંગે વિચાર કરી શકે.
આ પત્રમાં ચીને ખાસ ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત અને અમેરિકા વચ્ચેના કોઈપણ કરારથી ચીનના હિતોને નુકસાન થઈ શકે છે તેથી ચીન ભારત સાથેના સંબંધો સુધારવા તૈયાર છે.
આ રિપોર્ટમાં એવો દાવો પણ કરાયો છે કે, જૂન સુધી ભારતે જિનપિંગના પત્રનો કોઈ નક્કર જવાબ આપ્યો ન હતો પણ પછી પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ, ભારત અને ચીન સંબંધો સુધારવા તૈયાર થયાં અને તેના માટે બે મુખ્ય કારણો જવાબદાર છે.
પહેલું કારણ ટ્રમ્પનો એ દાવો હતો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પોતે કરાવ્યો હતો. આ વાતને ભારતે નકારી કાઢી હતી છતાં ટ્રમ્પ વારંવાર આ વાત દોહરાવતા રહ્યા તેમાં ભારતની નારાજગી વધી અને ભારત ચીન તરફ ઢળી ગયું.
ટ્રમ્પના વારંવારના દાવાના કારણે ભારતે જૂનમાં ચીનની પહેલનો ગંભીરતાથી જવાબ આપવાનું શરૂ કર્યું અને મોદીની ચીનની યાત્રાનો તખ્તો ઘડાયો.
બીજું કારણ અમેરિકા અને ભારત વચ્ચેના વ્યાપાર ડીલમાં થયેલી ઢીલ છે. ટ્રમ્પ ભારત દ્વારા વધારે પડતો ટૅરિફ લદાય છે એવી વાતો કર્યા કરતા હતા.
ભારત અમેરિકાની નારાજગી દૂર કરવા તૈયાર હતું તેથી વ્યાપાર સોદા માટે તૈયારી બતાવી પણ ટ્રમ્પ ભારત ઝીરો ટૅરિફ માટે તૈયાર હોવાનો દાવો કરીને ફિશિયારી મારવા ગયા તેમાં ભારત ભડક્યું. ટ્રમ્પ ભારત અમેરિકાનું ઓશિયાળું હોય એવું બતાવવા મથ્યા કરતા હતા તેના કારણે પણ ભારત ચીન તરફ ઢળી ગયું.
આ બંને વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ તાર્કિક રીતે આ વાત સાચી છે. ટ્રમ્પે ભારતની મેથી મારી મારીને ચીન તરફ ઢળવા માટે મજબૂર કર્યું છે એ વાત સાવ સાચી છે. ચીન તરફ ભારતને જરાય હેત નથી અને છેલ્લાં પાંચેક વર્ષથી તો ભારત અને ચીનના સંબંધો સાવ ખરાબ હતા.
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 2020માં થયેલી ગલવાન ખીણ અથડામણના કારણે ભારત-ચીનના આર્થિક સંબંધોને ફટકો પડ્યો હતો. લગભગ ચાર વર્ષ સુધી બંને દેશોના સંબંધોમાં તણાવ જ હતો ને ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ના આવ્યા હોત તો આ તણાવ ચાલુ જ રહેવાનો હતો કેમ કે ભારતને ચીનની ગરજ જ નહોતી પણ ટ્રમ્પે પ્રમુખ બન્યા પહેલાં જ ભારતની મેથી મારવાના મનસૂબા જાહેર કરવા માંડ્યા તેમાં ભારતે પોતાની ચીન તરફની વ્યૂહરચના બદલવાની ફરજ પડી.
ટ્રમ્પની જીત પાકી લાગતી હતી તેથી ભારતે પાણી પહેલાં પાળ બાંધીને ભારતે ચીન સાથેના સંબંધોમાં નરમાઈ લાવીને સરહદ વિવાદને ઉકેલવા માટેના પ્રયાસો શરૂ કરી દીધેલા. તેના ભાગરૂપે ગયા વર્ષે, બંને દેશોએ લદાખમાં બંને દેશો વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવા કરાર કર્યો હતો.
અમેરિકા માટે આ બહુ મોટો સંકેત હતો પણ અમેરિકા આ સંકેતને પારખી ના શક્યું. ટ્રમ્પે તો પ્રમુખ બનતાં જ તોર બતાવીને ભારતને ધમકીઓ પર ધમકીઓ આપવા માંડી ને છેવટે ધમકીનો અમલ કરીને ભારત પર તોતિંગ ટૅરિફ પણ લાદી દીધા તેથી ભારત અને ચીન વચ્ચેની નિકટતા માટે ટ્રમ્પ જ જવાબદાર છે.
ભારત માટે ચીન બહુ ભરોસાપાત્ર નથી એ વાત સાચી પણ ટ્રમ્પે જે પરિસ્થિતિ સર્જી છે એ જોતાં ભારત પાસે ચીન સાથે હાથ મિલાવવા જ શ્રેષ્ઠ વિકલ્પ છે કેમ કે ચીન ટ્રમ્પની જેમ ભારતને ઘૂંટણિયે પાડીને કશું કરાવવા માગતું નથી. બલકે ચીન તો પોતાને અને ભારતને બંનેને ફાયદો થાય એ રીતે આગળ વધવા તૈયાર છે.
ભૂતકાળમાં ભારત અને ચીનના સંબંધો સારા હતા ત્યારે ચીનની કંપનીઓ જંગી પ્રમાણમાં ભારતમાં રોકાણ કરતી હતી એ રીતે ભારતમાં રોકાણ કરવા પણ ચીન તૈયાર છે.
ટ્રમ્પ જે રીતે એક પછી એક શરતો મૂકે છે એ રીતે શરતો મૂકવાના બદલે ચીન તો ભારત અને ચીન બંને અમેરિકાની દાદાગીરીથી ત્રસ્ત છે તેથી બંનેએ સહકાર કરવો જોઈએ એવું કહે છે.
ચીન લુચ્ચું છે તેથી તેની વાત પર જલદી ભરોસો ના કરાય પણ ટ્રમ્પ કહે છે એ રીતે અમેરિકન કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સ માટે ભારતીય બજારને ખુલ્લું મૂકીને કાંડાં કાપીને આપી દેવા કરતાં તો ચીન પર ભરોસો કરવો બહેતર જ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: અમેરિકા સાથે ચર્ચા ચાલુ હોય તો ડેલિગેશન કેમ ના આવ્યું?