એકસ્ટ્રા અફેરઃ કુકર્મી ચૈતન્યાનંદ સામે હિંદુવાદીઓ ચૂપ કેમ?

ભરત ભારદ્વાજ
બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા રામ રહીમ છાસવારે જેલમાંથી બહાર આવ્યા કરે છે ને આસારામને માંડ કોર્ટે પાછા જેલભેગા કર્યા છે ત્યાં હવે બીજા એક કહેવાતા સાધુ ચૈતન્યાનંદ સરસ્વતીની લંપટલીલા છાપરે ચડીને પોકારી છે. ચૈતન્યાનંદ સ્વામી ધર્મનો ધંધો તો માંડીને બેઠા જ છે પણ સાથે સાથે શિક્ષણના વેપલામાં પણ સામેલ છે. દિલ્હીમાં આ પાર્થસારથી ઉર્ફે ચૈતન્યાનંદ સરસ્વતીની બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલ ચાલે છે.
આ સંસ્થાની 17 વિદ્યાર્થિનીઓએ ચૈતન્યાનંદ સામે તેમની જાતિય સતામણી કરવાનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચૈતન્યાનંદે કોઈ છોકરી પર બળાત્કાર કર્યો હતો કે નહીં એ સ્પષ્ટ નથી કેમ કે આ લંપટ સાધુએ કુલ 32 વિદ્યાર્થિનીઓને હવસનો શિકાર બનાવી હતી ને તેમાંથી 17 છોકરી જ હજુ ફરિયાદ કરવા આગળ આવી છે.
બીજી છોકરીઓ પણ ફરિયાદ કરે તો ચૈતન્યાનંદના બીજા ગંદા ધંધા પણ બહાર આવશે પણ અત્યારે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, ચૈતન્યાનંદ સરસ્વતી દીકરીઓ સાથે ગંદી હરકતો કરતો હતો, અશ્ર્લીલ ભાષાનો ઉપયોગ કરતો હતો અને વોટ્સઍપ તેમજ એસએમએસ મારફતે અશ્ર્લીલ-ગંદા મેસેજ પણ મોકલતો હતો.
ચૈતન્યાનંદ દીકરીઓને ડરાવવા માટે પોતાની કહેવાતી ‘આધ્યાત્મિક શક્તિ’નો ઉપયોગ કરવાની ધમકી આપતો. સંસ્થાના કેટલાક શિક્ષકો અને વહીવટી અધિકારીઓ પણ ચૈતન્યાનંદની પાપલીલામાં ભાગીદાર હતા. એ લોકો વિદ્યાર્થિનીઓ પર લંપટ સાધુની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ કરતા હતા.
ચૈતન્યાનંદનાં કુકર્મોની વિગતો આઘાતજનક છે પણ ચૈતન્યાનંદ સરસ્વતીની લંપટલીલાના સંદર્ભમાં એક મહત્ત્વની વાત પણ નોંધવા જેવી છે. ચૈતન્યાનંદ સરસ્વતીની લંપટલીલા સામે કહેવાતા હિંદુવાદી સંગઠનો પણ ચૂપ છે અને હિંદુવાદી નેતાઓ પણ ચૂપ છે.
એક હવસખોર ભગવાં કપડાં પહેરીને કહેવાતો હિંદુ સંત બની જાય ને ભગવાં કપડાંની આડમાં નિર્દોષ દીકરીઓની આબરૂ સાથે રમે એ હિંદુ ધર્મનો દુરુપયોગ કહેવાય, હિંદુ ધર્મનું અપમાન કહેવાય પણ આ અપમાન સામે સૌની બોલતી બંધ છે.
આ દેશમાં કોઈ મુસ્લિમ છોકરો હિંદુ છોકરીના પ્રેમમાં પડે તો પણ હિંદુવાદી સંગઠનો લવ જિહાદના નામે દેકારો મચાવીને મેદાનમાં કૂદી પડે છે. એ વખતે તેમને હિંદુ બહેન-દીકરીઓની ઈજ્જતની ચિંતા થઈ આવે છે.
ચૈતન્યાનંદ સરસ્વતીએ સામે ફરિયાદ નોંધાવનારી છોકરીઓ પણ હિંદુ જ છે ને લંપટ ચૈતન્યાનંદ સરસ્વતીએ તેમની ઈજજ પર હાથ નાંખ્યો હોવા છતાં કોઈને કેમ ચિંતા થતી નથી ? કહેવાતા લવ જિહાદના કિસ્સાઓ સામે આ દેશમાં તોફાનો થઈ જાય છે, હિંસા ફાટી નિકળે છે.
સોશિયલ મીડિયા પર તો હિંદુત્વ ખતરામાં આવી ગયું હોય એવો માહોલ પેદા કરી દેવાય છે પણ ચૈતન્યાનંદ સરસ્વતી સામે કોઈ ચૂં કે ચાં કરી રહ્યું નથી. ચૈતન્યાનંદ સરસ્વતી સામે નથી ક્યાંય દેખાવો થઈ રહ્યા કે નથી સોશ્યલ મીડિયા પર કોઈ વિરોધ થઈ રહ્યો.
હિંદુવાદી સંગઠનો તો નિર્માલ્ય છે જ અને પોતાની દુકાન ચલાવવા માટે હિંદુત્વનો ઉપયોગ કરવા સિવાય તેમને બીજી કોઈ વાતમાં રસ નથી તેથી તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી પણ સામાન્ય હિંદુઓને પણ કોઈ ફરક ના પડતો હોય એ રીતે વર્તતા જોઈને ખરેખર આઘાત લાગે છે.
પોતાના ધર્મના નામે હવસનો ખેલ ચાલે ને એક બની બેઠેલો ધર્મનો ઠેકેદાર હિંદુ છોકરીઓને હવસનો શિકાર બનાવે છતાં લોકો ચૂપ રહે એટલી કાયરતા તો હિંદુઓ સિવાય બીજા કોઈ ધર્મનાં લોકોમાં નહીં હોય.
ભગવાં કપડાંની આડમાં જાકુબીના ધંધા કરતા ચૈતન્યાનંદ સરસ્વતી સામે પ્રચંડ આક્રોશ પેદા થવો જોઈએ ને તેનાથી ફફડેલું તંત્ર ચૈતન્યાનંદની બધી દુકાનો, બધા ધંધા બંધ કરાવી દે એવી હાલત થવી જોઈએ પણ એવું કશું થયું નથી કેમ કે હિંદુઓમાં પોતાના ધર્મનું અભિમાન જ નથી. હિંદુઓ હલકટ માણસોને ધર્મનો પર્યાય માનીને પૂજે છે ને આ હલકટો જેને ધર્મ ગણાવે તેને ઘેટાંનાં ટોળાની જેમ અનુસરે છે.
ચૈતન્યાનંદ સરસ્વતીના કિસ્સામાં પોલીસ અને આખું તંત્ર પણ સાવ નકામું સાબિત થયું છે. હલકટ ચૈતન્યાનંદ સામે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં 4 ઓગસ્ટે પહેલી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ વાતને 40 દિવસ થઈ ગયા પણ ચૈતન્યાનંદ હજુ હાથ લાગ્યો નથી. પોલીસ હજુ દરોડા દરોડા રમ્યા કરે છે ને ચૈતન્યાનંદ કોઈ આલિશાન જગાએ સંતાઈને જલસા કરે છે. પોલીસે 50 દાડામાં દરોડા પાડવા અને સીસીટીવી ફૂટેજ તપાસવા સિવાય કશું કર્યું નથી.
આ મામલો સેક્સનો છે ને સેક્સ વેચાય છે એટલે મીડિયા ખણખોદ કરીને નવી નવી વાતો શોધી લાવે છે તેમાં ચૈતન્યાનંદનાં કુકર્મોની વાતો બહાર આવે છે, બાકી પોલીસ તો કશું કરી રહી નથી તેથી 17 દીકરીઓની ફરિયાદ પછી પણ ચૈતન્યાનંદ સરસ્વતી હજુ પણ પોલીસની પકડથી બહાર છે.
પોલીસે યૌન શોષણ, છેડછાડ, છેતરપિંડી અને જાલસાજીના ગંભીર આરોપો નોંધાી દીધા ને જ્યારે પૂછો ત્યારે એક જ રેકર્ડ વગાડે છે કે, ટૂંક સમયમાં તેને પકડી લેશે પણ આ ટૂંક સમય આવતો જ નથી. ચૈતન્યાનંદ પકડાતો નથી તેનું કારણ રાજકીય પીઠબળ હોવાની પ્રબળ શક્યતા છે કેમ કે ચૈતન્યાનંદ ડિપ્લોમેટિક નંબર પ્લેટ સાથેની કાર વાપરતો હતો.
પોલીસે તેની સંસ્થાના બેઝમેન્ટમાંથી જપ્ત કરેલી લક્ઝુરીયસ વોલ્વો કાર પર પર 39 યુએન 1 નંબરની નંબર પ્લેટ લગાવેલી હતી. આ નંબર ડિપ્લોમેટિક એટલે કે સરકારી અથવા બીજા દેશોના રાજદ્વારી વાહનોને ફાળવાયેલો છે.
ચૈતન્યાનંદ આ નંબર પ્લેટ સાથેની કારમાં ખુલ્લેઆમ ફરતો હતો છતાં કદી કેમ કોઈ પગલાં ના લેવાયાં એ સવાલ કઠે છે. એક કહેવાતો સાધુ દેશની રાજધાનીમાં ડિપ્લોમેટિક નંબર પ્લેટ સાથેની કારમાં ફરતો હોય ને પોલીસને તેની જાણ સુધ્ધાં ના હોય તો પોલીસે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એ નમૂના દેશની રાજધાનીની સુરક્ષા કરવા માટે લાયક જ ના કહેવાય.
ચૈતન્યાનંદ ક્યારે પકડાશે એ ખબર નથી. બલકે પકડાશે કે નહીં એ પણ ખબર નથી. ભૂતકાળમાં આવી જ લંપટલીલા કરનારો સ્વામી નિત્યાનંદ દેશમાંથી છૂ થઈ જ ગયેલો છે ને પોતાનો ટાપુ ખરીદીને ત્યાં રહે છે. ચૈતન્યાનંદ પણ ભવિષ્યમાં આવા કોઈ ટાપુ પર અચાનક પ્રગટ થાય તો નવાઈ નહીં લાગે.