ભાજપને જરૂર પડશે ત્યારે રામસેતુને ફરી યાદ કરશે...
એકસ્ટ્રા અફેર

ભાજપને જરૂર પડશે ત્યારે રામસેતુને ફરી યાદ કરશે…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટે રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો એ સાથે જ સાવ ભૂલાઈ ગયેલો રામસેતુનો મુદ્દો ફરી ચર્ચામાં છે. સ્વામી વરસોથી રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાવવા મથે છે અને 2007માં પહેલી વાર અરજી કરેલી.

ભાજપ એ વખતે સ્વામીની સાથે હતો પણ સત્તામાં આવતાં જ ભાજપે ગુલાંટ લગાવીને રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના બદલે મુદ્દાને લટકાવી દેવાની નીતિ અપનાવી છે તેથી સ્વામી પાછા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

સ્વામીની અરજીના પગલે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સ્વામીની અરજી પર સુનાવણીની સંમતિ આપીને કેન્દ્રને ચાર અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.

સ્વામીનો દાવો છે કે રામસેતુ એક પુરાતત્ત્વીય સ્થળ જ નથી પણ કરોડો લોકો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર પણ છે. વૈજ્ઞાનિક અને પુરાતત્ત્વીય અભ્યાસો એ વાતનો પુરાવો છે કે રામસેતુ માનવસર્જિત માળખું છે અને તેને હિંદુઓ તીર્થસ્થાન માને છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે શું જવાબ આપે છે એ જોવાનું છે કેમ કે અત્યાર લગી આ મુદ્દે ભાજપ સરકારનું વલણ મહેતા મારેય નહીં ને ભણાવેય નહીં એવું રહ્યું છે. `રામસેતુ’ને હેરિટેજ સાઈટ જાહેર કરીને તેનું જતન કરવાની માગણી ભાજપે જોરશોરથી ઉઠાવી હતી. કેન્દ્રમાં ડો. મનમોહન સિંહની સરકાર હતી ત્યારે 2012માં સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.

દેશ માટે ફાયદાકારક આ પ્રોજેક્ટ રામસેતુ’ પરથી બનવાનો હતો પણ ભાજપે તેનો ઉગ્રતાથી વિરોધ કર્યો હતો. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હાથ ધરીને કૉંગ્રેસ સરકાર દેશના કરોડો હિંદુઓની આસ્થા પર પ્રહાર કરવા માગે છે એવો આક્ષેપ કર્યો હતો. ભાજપ એ વખતે પ્રચાર કરતો કે, કૉંગ્રેસની માનસિકતા હિંદુ વિરોધી હોવાથી સરકાર બીજા વિકલ્પો વિશે વિચારવાના બદલે રામસેતુનો નાશ કરવાનો જ તેનો ઉદ્દેશ છે.

ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં રામસેતુ’ને હેરિટેજ સાઈટ બનાવવાનું વચન પણ આપેલું પણ સત્તામાં આવ્યા પછી ભાજપે આખી વાતને ભૂલાવી દીધી. બલ્કે એક રીતે હાથ જ અધ્ધર કરી દીધા છે. ભાજપ જેને હિંદુઓની શ્રદ્ધાનું કેન્દ્ર ગણાવતો હતો એ રામસેતુના અસ્તિત્વનો સુધ્ધાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારે ઈન્કાર કરી દીધેલો છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ડિસેમ્બર 2022માં એક સવાલના જવાબમાં રાજ્યસભામાં કહેલું કે, સેટેલાઇટ ઈમેજના કારણે રામસેતુ કઈ રીતે બન્યો તેની કે આ પુલ કેટલો જૂનો છે એ વિશે સીધી ને સચોટ માહિતી આપી શકતી નથી. સિંહના કહેવા પ્રમાણે, ભારતનો ઇતિહાસ 18,000 વર્ષથી વધુ જૂનો છે અને ઐતિહાસિક તથ્યો પ્રમાણે, રામસેતુ લગભગ 56 કિમી લાંબો હતો.

સ્પેસ ટેકનોલોજી દ્વારા આપણે રામસેતુના મનાતા કેટલાક ટુકડા, ટાપુઓ તથા અમુક પ્રકારના ચૂનાના પથ્થરો શોધી શક્યા છીએ પણ એ બધા રામસેતુના અવશેષો અથવા પુલના ભાગો હોવાનું ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. આ સરકારી રાહે અપાયો જવાબ છે ને તેમાં આડકતરી રીતે રામસેતુના અસ્તિત્વનો જ ઈન્કાર કરી દેવાયો છે.

આ જવાબના પગલે સ્વામી સુપ્રીમ કોર્ટમાં ગયેલા ને એ વખતે કેન્દ્ર સરકારે કોર્ટમાં અલગ જ વાત કરી હતી. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે રામસેતુને રાષ્ટ્રીય વારસો જાહેર કરવાના મુદ્દા પર વિચારણા ચાલી રહી છે અને બહુ જલદી નિર્ણય લેવાશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના જવાબને પગલે 19 જાન્યુઆરી, 2023ના રોજ આદેશ આપીને આ અંગે શક્ય એટલી ઝડપથી નિર્ણય લેવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે એવું પણ કહેલું કે, કેન્દ્ર સરકારની કામગીરીથી સ્વામીને સંતોષ ન થાય તો ફરીથી કોર્ટમાં અરજી કરવાની સ્વતંત્રતા છે.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો એ વાત અઢી વર્ષ જૂની છે. મોદી સરકારે અઢી વર્ષમાં કશું ના કર્યું એટલે સ્વામી પાછા કોર્ટમાં પહોંચ્યા છે. નવી અરજીમાં સ્વામીએ સુપ્રીમ કોર્ટના 19 જાન્યુઆરી, 2023ના આદેશનો ઉલ્લેખ કરીને રજૂઆત કરી છે કે, 19 જાન્યુઆરી 2023ના આદેશ પછી પોતે 27 જાન્યુઆરી 2023ના રોજ કેન્દ્ર સરકાર સમક્ષ તમામ દસ્તાવેજો સાથે રજૂઆત રજૂ કરી હતી પણ કશું ના થયું.

આ પછી 13 મે 2025ના રોજ નવેસરથી રજૂઆત મોકલી પણ અત્યાર સુધી તેમને કે સુપ્રીમ કોર્ટને કોઈ જવાબ મળ્યો નથી તેથી કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શક્ય તેટલી વહેલી તકે અને સમયમર્યાદામાં સ્વામીની અરજી અંગે નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવે.

રામસેતુનો મુદ્દો હવે કેન્દ્ર સરકારના જવાબ અને સુપ્રીમ કોર્ટના વલણ પર નિર્ભર છે પણ વધારે નિર્ભર સુપ્રીમ કોર્ટના વલણ પર છે કેમ કે ભાજપ સરકારને તો રામસેતુના મુદ્દાને ભૂલાવી દેવામાં જ રસ છે. આ કારણે જ કેન્દ્રમાં 11 વર્ષથી સત્તામાં હોવા છતાં કશું કર્યું નથી.

આ વિવાદના મૂળમાં સેતુસમુદ્રમ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ હાથ ધરાય તો રામસેતુને નુકસાન થાય એવો દાવો કરાતો હતો પણ 2014મા, મોદી સરકારે નિર્ણય લીધો કે પંબન પાસને ઊંડો કરીને સેતુસમુદ્રમ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે કે જેથી રામસેતુને કોઈ નુકસાન ના થાય.

ભાજપે એ વખતે પોતે રામસેતુ મુદ્દે ગંભીર હોવાનો દેખાડો કરવા આ જાહેરાત તો કરી પણ 11 વર્ષમાં ના સેતુસમુદ્રમ પ્રોજેક્ટ પૂરો થયો કે ના રામસેતુને નેશનલ હેરિટેજ જાહેર કરાયો. હિંદુત્વને લગતા મુદ્દાઓને લંબાવીને તેનો શક્ય એટલો વધારે રાજકીય લાભ લેવો એ ભાજપની માનસિકતા છે.

રામસેતુના મુદ્દે પણ એવું જ થયું છે. ભવિષ્યમાં ભાજપ પાસે બીજા મુદ્દા ના રહે ત્યારે રામ સેતુ તેને પાછો યાદ આવી જાય એવું બને પણ અત્યારે તો રામ સેતુ ભાજપની પ્રાયોરિટીમાં જ નથી.

મોદી સરકારની ઉદાસીનતાના કારણે ભૌતિક રીતે ભાજપ સત્તામાં આવ્યો એ પહેલાં જે સ્થિતિ હતી એવી જ સ્થિતિ હજુ છે પણ સૈદ્ધાંતિક રીતે ભાજપ આ પ્રોજેક્ટને કોરાણે મૂકવાનો સંકેત આપી ચૂક્યો છે તેથી મોદી સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી એટલે જે કરવાનું છે એ સુપ્રીમ કોર્ટે કરવાનું છે.

સરકાર સંકળાયેલી હોય એવા મોટા ભાગના કેસોમાં સુપ્રીમ કોર્ટનું વલણ પહેલાં ગાજવીજ કરવાનું ને પછી ઠંડા પડી જવાનું છે. ગાજ્યા મેઘ કદી વરસતા નથી તેથી સુપ્રીમ કોર્ટ આ વખતે કોઈ આદેશ આપે છે કે પછી જવાબ માગીને સંતોષ માને છે એ જોવાનું રહે છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર -વિપક્ષોને ભ્રષ્ટ મંત્રી-મુખ્યમંત્રીઓને દૂર કરવા સામે વાંધો કેમ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button