એકસ્ટ્રા અફેર: અનંતસિંહની ધરપકડ, નીતીશ બાવાનાં બેઉ બગડ્યાં

-ભરત ભારદ્વાજ
બિહારમાં વિધાનસભા ચૂંટણીના કારણે ગરમીનો માહોલ છે જ ત્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યા થતાં ગરમી વધી છે. દુલારચંદ યાદવની હત્યાના કેસમાં પોલીસે મોકામા વિધાનસભા બેઠકના જેડીયુના ઉમેદવાર અનંતસિંહને અડધી રાત્રે ઉઠાવીને જેલમાં નાંખી દીધા છે. રાજકારણી કમ ગેંગસ્ટર અનંતસિંહ દુલારચંદની હત્યા વખતે સ્થળ પર હાજર હતા એવો પોલીસનો આક્ષેપ છે. હત્યામાં તેમની સીધી સંડોવણી અંગે પોલીસ ફોડ પાડીને વાત કરતી નથી પણ ભવિષ્યમાં અનંત સિંહના ગ્રહો બદલાય તો દુલારચંદની હત્યા કરેલી એવો આરોપ પણ મૂકાઈ શકે છે.
બિહારમાં જેડીયુના નીતીશ કુમારની સરકાર છે અને નીતીશ જ અનંતસિંહને જેલમાંથી બહાર લાવીને ચૂંટણી લડાવી રહ્યા છે તેથી દુલારચંદ યાદવની હત્યાના કેસમાં અનંતને કશું કરવાની નીતીશની ઈચ્છા નહોતી પણ કેન્દ્રીય ચૂંટણી પંચે ફરમાન કરતાં બિહાર પોલીસે અનંત સિંહને જેલભેગો કરવો પડ્યો છે. આ પહેલાં ચૂંટણી પંચના ફરમાનને કારણે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને પણ ઘરભેગા કરી દેવાયા છે કેમ કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બંને નિષ્ફળ ગયા હતા.
દુલારચંદ યાદવો પર પ્રભુત્વ ધરાવતા નેતા હતા. તેમની હત્યાના કારણે યાદવો ભડકેલા જ છે તેથી નીતીશ મુશ્કેલીમાં હતા જ ત્યાં અનંતસિંહની ધરપકડ થતાં નીતિશની મુશ્કેલી વધી છે. નીતીશ ભૂમિહારોના મત મેળવવા માટે અનંતસિંહને જેલની બહાર લાવેલા પણ ચૂંટણીના બે દાડા પહેલાં જ અનંતસિંહ જેલભેગા થતાં ભૂમિહારો પણ નારાજ થઈ ગયા છે. આ કારણે નીતિશ માટે બાવાનાં બેઉ બગડ્યાં જેવો ઘાટ છે.
બિહારના રાજકારણમાં ભૂમિહારો શક્તિશાળી ગણાય છે. પોતાને બ્રાહ્મણ ગણાવતા ભૂમિહારો પાસે પહેલેથી મોટા પ્રમાણમાં જમીનો છે તેથી જાડો પૈસો છે. જમીનદાર હોવાના કારણે મસલ પાવર પણ છે. મસલ અને મની પાવરના જોરે ભૂમિહારો ઓછી વસતી છતાં બિહારના રાજકારણમાં બહુ પ્રભાવશાળી ગણાય છે. પરંપરાગત રીતે ભૂમિહારો ભાજપની મતબેંક છે ને ઓબીસી નીતીશને બહુ પસંદ કરતા નથી. નીતીશે આ નારાજગી દૂર કરવા અનંત સિંહ સહિતના નેતાઓને સાધ્યા પણ દુલારચંદ યાદવની ધરપકડે ખેલ બગાડી નાંખ્યો.
દુલારચંદ યાદવ પણ અનંતસિંહની જેમ ગેંગસ્ટર હતા અને 1990ના દાયકામાં ‘ટાલ’ વિસ્તારમાં દુલારચંદના નામની ધાક હતી. પટણા, નાંદા, શેખપુરાસ લખીસરાયસ મુંગેર અને ભાગલપુર જિલ્લાનો બનેલો વિસ્તાર ‘ટાલ રીજિયન’ કહેવાય છે. લાલુ પ્રસાદ યાદવે બિહારના રાજકારણ પર વર્ચસ્વ જમાવવા માટે શોધી શોધીને જે ગુંડાઓને પોતીની સાથે લીધા તેમાં દુલારચંદ યાદવ પણ એક હતા. 1990ના દાયકામાં લાલુ પ્રસાદ યાદવની અત્યંત નજીક મનાતા દુલારચંદ મોકામા વિધાનસભાની ચૂંટણી લડેલા પણ હારી ગયા હતા કેમ કે ‘ટાલ રિજિયન’માં યાદવોની બહુ વસતી નથી અને મોકામામાં તો ભૂમિહારોનો પ્રભાવ છે.
દુલારચંદ યાદવે એક વાર હાર્યા પછી રાજકીય મહત્વાકાંક્ષાઓને સંકોરી લીધી પણ રાજકીય રીતે સક્રિય રહ્યા. ટોચના નેતાઓ સાથે તેમના ગાઢ સંબંધો હતા ને તેમાં એક અનંત સિંહ પણ હતા. અનંત સિંહનો ઉદય 2000ના દાયકામાં થયો પછી દુલારચંદ અનંતસિંહનો પડછાયો બનીને સતત તેમની સાથે જ રહેતા. છેક હમણાં સુધી અનંતસિંહ સાથે તેમના ગાઢ સંબંધો હતા પણ પ્રશાંત કિશોરે તેમને પકડ્યા પછી તેમણે પલટી મારી દીધી.
પ્રશાંત કિશોરે મોકામામાં બીજા ગેંગસ્ટર પીયૂષ પ્રિયદર્શીની ઉર્ફે લલ્લુ મુખિયાને મેદાનમાં ઉતાર્યા છે. લલ્લુ મુખિયા ધનુક સમાજના છે અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં આવે છે. મોકામામાં ધનુકોની વસતી બહુ નથી પણ દુલારચંદ સહિતના નેતાઓને સાધીને પી.કે.એ ઓબીસીને એક કર્યા છે. સામે નીતીશે અનંત સિંહને અને આરજેડીએ બીજા એક ગેંગસ્ટર સૂરજભાણસિંહનાં પત્ની નીલા દેવીને ટિકિટ આપી છે.
દુલારચંદ પી.કે. સાથે ગયા પછી અનંતસિંહ સામે બાંયો ચડાવીને પૂરી તાકાતથી ઉતરી ગયેલા. લાંબા સમયથી સોશિયલ મીડિયા પર અનંતસિંહ સામે પોસ્ટ મૂક્યા કરતા હતા અને તેના કારણે બંને વચ્ચે તણાવ વધ્યો હતો. આ તણાવના કારણે જ દુલારચંદની હત્યા થઈ હોવાનું કહેવાય છે. દુલારચંદના પરિવારજનોનો આક્ષેપ છે કે અનંત સિંહના સમર્થકોએ પહેલાં દુલારચંદ યાદવના પગમાં ગોળી મારી હતી અને પછી કારથી કચડી નાખ્યા.
અનંતસિંહના સમર્થકોનું કહેવું છે કે, અનંતસિંહનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે દુલારચંદના માણસોએ તેમના સમર્થકો પર હુમલો કર્યો તેમાં અથડામણ થઈ ગઈ. આ દરમિયાન ભીડમાંથી કોઈએ ગોળી ચલાવી દીધી તેમાં દુલારચંદ ઉપર પહોંચી ગયા. અનંત સિંહે એવો આક્ષેપ પણ કર્યો છે કે, દુલારચંદ યાદવની હત્યા કરાવીને પોતાને નુકસાન પહોંચાડવાનો આખો ખેલ સૂરજભાનસિંહે ખેલ્યો છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: આપણાથી ક્લાઉડ સીડિંગ પણ સફળતાથી થતું નથી!
જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુલારચંદની પાંસળીઓ તૂટેલી હોવાનું બહાર આવ્યું છે એ જોતાં ભીડમાંથી કોઈએ ગોળી મારી તેમાં દુલારચંદ ગુજરી ગયા એ વાત ગળે ઉતરે એવી નથી અને દુલારચંદના પરિવારનો આક્ષેપ સાચો લાગે છે. અનંત સિંહનો ઈતિહાસ પણ દુશ્મનોને પૂરા કરી નાંખવાનો છે તેથી પણ દુલારચંદની હત્યા અનંતસિંહે કરાવી હોવાની શક્યતા વધારે છે.
અનંતસિંહનું હવે શું થશે એ ખબર નથી પણ અનંતસિંહની ધરપકડના કારણે બિહારની ચૂંટણીમાં સૌથી હાઈ પ્રોફાઈલ મનાતી મોકામા વિધાનસભા બેઠકનાં સમીકરણો પણ બદલાઈ ગયાં છે. મોકામા અનંતસિંહનો ગઢ છે અને આ ગઢના કાંગરા પણ કોઈ ખેરવી નથી શકતું. અનંત સિંહ મોકામા બેઠક પરથી 2010, 2015 અને 2020 એમ સળંગ ત્રણ ચૂંટણીમાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા. 2010માં જીત્યા ત્યારે અનંતસિંહ જેડીયુમા હતા પણ ધારાસભ્યની હત્યાના કેસમાં નામ આવતાં નીતીશે તેમને ખંખેરી નાંખેલા. એ છતાં અનંતસિંહ 2015માં અપક્ષ તરીકે જીતી ગયેલા.
2020માં અનંતસિંહ લાલુ યાદવની પાર્ટી આરજેડીની ટિકિટ પર ચૂંટાયેલા પણ 2020ની ચૂંટણી પછી હત્યાના કેસમાં નીતીશ કુમારની સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. દરમિયાનમાં હત્યાના કેસમાં સજા થતાં અનંતસિંહે રાજીનામું આપવું પડેલું પણ તેમનો વટ એવો કે પેટાચૂંટણી વખતે જેલમાં બેઠાં બેઠાં પત્ની નીલમ દેવીને જીતાડી દીધાં.
અનંતનો વટ જોઈને ગિન્નાયેલા નીતીશે જૂના કેસો પણ ખોલવા માંડતાં અનંતસિંહ જેલની બહાર નહીં નિકળે એવું લાગતું હતું. અનંતે શાણપણ વાપરીને નીતિશના પગ પકડી લીધા તેથી જેલની બહાર તો આવી ગયા પણ જેલમાં રહ્યા છતાં સુધર્યાં નહીં તેમાં પાછા જેલની હવા ખાતા થઈ ગયા છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો: ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું, હવે આફ્રિકાનો વારો


