એકસ્ટ્રા અફેરઃ જીએસટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટશે, સામાન્ય લોકોને ફાયદો…

ભરત ભારદ્વાજ
ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ ગયો ને દર વરસની જેમ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવીને ભાષણ પણ ફટકારી દીધું. મોદીએ અત્યાર સુધી સ્વાતંત્ર્ય દિને કરેલાં ભાષણોમાં સૌથી લાંબું 103 મિનિટનું ભાષણ આ વખતે કર્યું.
આ ભાષણમાં મોટા ભાગનો સમય સરકારની સિધ્ધીઓની બડાઈ મારવામાં જ ગયો પણ ત્રણ બાબતો અત્યંત મહત્વની છે કેમ કે લોકોને સીધી સ્પર્શે છે.
પહેલી બાબત દેશમાં મહત્ત્વનાં સ્થાનો માટે સુરક્ષા કવચ બનાવવા માટે સુદર્શન ચક્ર મિશન છે. બીજી બાબત દેશના યુવાઓને જંગી પ્રમાણમાં રોજગારી આપવા માટે 1 લાખ કરોડના ફંડની જાહેરાત છે અને ત્રીજી બાબત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દરોમાં જંગી કાપની જાહેરાત છે. જીએસટીના દરોમાં ઘટાડાથી ચીજોના ભાવ ઘટશે ને મોંઘવારી ઘટશે તેથી સામાન્ય લોકોને મોટો ફાયદો થશે.
સુદર્શન ચક્ર મિશન યોજના મહત્ત્વની છે કેમ કે આ યોજના દેશની સુરક્ષા સાથે જોડાયેલી છે. ભારતને એવા પાડોશીઓ મળ્યા છે કે જે ભારતને મેથી મારવાની કોઈ તક છોડતા નથી. ભારતની બજાવવા માટે નવાં નવાં સમીકરણો પણ રચાયા કરે છે તેથી ભારતે સિક્યુરિટીના મામલે ભારત પર ખતરો વધતો જ જાય છે.
આ ઓછું હોય તેમ જૂનાં લવરિયાં અમેરિકા અને પાકિસ્તાન પાછાં એક થઈ રહ્યાં છે. આ કારણે પાકિસ્તાન પાછું છાકટું થવા માંડ્યું છે ને પાકિસ્તાન છાકટું થાય એટલે આતંકવાદીઓ પણ છાકટા થવાના જ તેથી ભારતને આ પ્રકારના મિશનની જરૂર છે જ.
પાકિસ્તાનના તો આર્મી ચીફ આસીમ મુનીર પણ ભારતમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વનાં સ્થળો પર મિસાઈલો છોડવાની ખુલ્લી ધમકી આપી રહ્યા છે. આ કારણે ભારત પોતાની સુરક્ષા વધારવા માટે જે કંઈ કરે એટલું ઓછું છે. સુદર્શન ચક્ર મિશન ઈઝરાયલના આયર્ન ડોમ પ્રોજેક્ટમાંથી પ્રેરણા લઈને હાથ ધરાયો છે.
હમાસ અને ઈરાને ઈઝરાયલને ખેદાનમેદાન કરવા માટે કરેલા હુમલામાં આયર્ન ડોમનું સુરક્ષા કવચ અકસીર સાબિત થયું હતું. ઈઝરાયલ પોતાના પાવર પ્લાન્ટ્સ સહિતનાં મહત્ત્વનાં સ્થળોને નિશાન બનાવીને કરાયેલા હુમલાને નાકામ કરી શક્યું તેનો યશ આયર્ન ડોમને જાય છે.
ભારત પર પણ ઈઝરાયલ જેટલો જ ખતરો છે તેથી ભારતે પણ સુદર્શન ચક્ર બનાવવું જ જોઈએ. ભારત આ પ્રોજેક્ટ 2035 સુધીમાં પૂરો કરવાનું છે ને આશા રાખીએ કે સમયસર આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય કેમ કે ભારત સામેની ઉગ્રતા વધી રહી છે.
મોદીએ યુવાઓને રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજનાની જાહેરાત કરી એ પણ મહત્ત્વની છે. આ યોજના હેઠળ મોદી સરકાર 1 લાખ કરોડ રૂપિયા વાપરવાની છે અને પહેલી વાર નોકરી કરનારા યુવાઓને 15 હજાર રૂપિયા આપશે. દેશના લગભગ સાડા ત્રણ કરોડ યુવાઓને આ સ્કીમનો લાભ મળશે. મતલબ કે સાડા ત્રણ કરોડ પરિવારોનું ભલું થશે.
આ સ્કીમ કરોડો પરિવારોને ફાયદો કરાવશે જ પણ યુવાઓને પણ બેકાર બેસી રહેવાના બદલે નોકરી કરવા માટે પ્રોત્સાહિત કરશે અને યુવાઓમાં કામ કરવાની આદત પણ પાડશે. તેનું કારણ એ કે, મોદી સરકાર કોઈ યુવાન નોકરીએ જોડાય કે તરત તેના હાથમાં 15 હજાર રૂપિયા પકડાવી દેવાની નથી પણ નોકરીના છ મહિના પૂરા થાય એટલે સાડા સાત હજાર રૂપિયાનો પહેલો હપ્તો આપશે ને વરસ પૂરું થાય એટલે સાડા સાત હજાર રૂપિયાનો બીજો હપ્તો આપશે.
મતલબ કે, સરકાર પાસેથી પૂરા 15 હજાર રૂપિયા જોઈતા હોય તો બાર મહિના નોકરી કરવી જ પડે. યુવાઓને નોકરી આપનારી કંપનીઓને પણ સરકાર સબસિડી અને ઈન્સેન્ટિવ્સ આપવાની છે તેથી કંપનીઓને પણ યુવાઓને નોકરી આપવામાં રસ પડશે.
ભારતમાં રોજગારીની સમસ્યા બહુ મોટી છે. આ સ્કીમના કારણે સમસ્યા થોડી હળવી થશે એવી આશા રાખી શકાય. મોદી સરકારે તાત્કાલિક રીતે આ સ્કીમનો અમલ શરૂ પણ કરી દીધો છે.
મોદીની જીએસટીના દરોમાં ઘટાડાની જાહેરાત સૌથી મહત્ત્વની છે કેમ કે તેનો ફાયદો દેશના દરેક પરિવારને મળશે. ભારતમાં સરકારી આંકડામાં મોંઘવારી દેખાતી નથી પણ ભાવો બેફામ વધ્યા છે અને સામાન્ય માણસનો મરો થઈ જ રહ્યો છે.
સરકારી આંકડામાં મોંઘવારીનો દર દોઢ-બે ટકા બતાવાય છે એ વાસ્તવિક નથી. વાસ્તવિક રીતે મોંઘવારી બહુ વધારે છે ને જીવનજરૂરી ચીજોની ખરીદી પણ સામાન્ય માણસની પહોંચની બહાર જતી રહી છે.
ભારતમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે પણ કોઈ સરકાર તેને નાથી શકતી નથી. સત્તામાં આવતાં પહેલાં દરેક પક્ષ મોંઘવારી નાથીને લોકોને રાહત આપવાની વાતો કરે છે પણ સત્તામાં આવ્યા પછી કશું કરતો નથી, મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ પણ એવો જ છે પણ મોડે મોડે પણ મોદી સરકાર મોંઘવારીને નાથવાની દિશામાં નક્કર પગલાં લેવાની દિશામાં આગળ વધતી હોય તો તેની પ્રશંસા કરવી જ જોઈએ.
મોદી સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના માળખામાં ત્રિસ્તરીય સુધારાની બ્લુ-પ્રિન્ટ બનાવી છે. તેના આધારે મોદીએ સ્વાતંત્ર્ય દિને વચન આપ્યું છે કે સામાન્ય ઉપયોગની વસ્તુઓ પરના કરમાં મોટા પાયે ઘટાડો કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે બનાવેલી બ્લુપ્રિન્ટ બે વધુ ચર્ચા માટે મંત્રીઓના ગ્રૂપ (જીઓએમ)ને મોકલવામાં આવી છે અને આવતા મહિને જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરીને દિવાળી પહેલાં તેનો અમલ કરીને લોકોને દિવાળીની ગિફ્ટ આપવાની મોદી સરકારની યોજના છે.
મોદી સરકારની બ્લુ-પ્રિન્ટમાં મહત્ત્વની ચીજો પર કર ઘટાડવા ઉપરાંત માળખાકીય સુધારા પણ કરાશે અને સ્ટાર્ટ અપ્સને વધારે પ્રોત્સાહન અપાશે. મોદી સરકાર ચોક્કસ ક્ષેત્રોમાં ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સુધારા કરવાની છે કે જેથી તેમના પરનો કરબોજ ઘટે અને આ ક્ષેત્રોમાં તેજી આવે. આ સિવાય સ્ટાર્ટ અપ્સ માટે ખાસ ડ્યૂટી સ્ટ્રક્ચર સહિતનાં પગલાં પણ ભરાશે તેથી તેમને પણ પ્રોત્સાહન મળશે.
ભારત માટે આ સુધારા જરૂરી છે કેમ કે અમેરિકાના ટૅરિફ પછી ભારતીય કંપનીઓને પડનારા ફટકાને સરભર કરવા માટે તેમને રાહતો આપવી જ પડે પણ સામાન્ય લોકોને રાહત મળશે એ મોટી વાત છે. મોદી સરકાર જીએસટી સ્ટ્રક્ચરમાં કેવા ફેરફાર કરશે એ ખબર નથી પણ જીવન જરૂરિયાતની ચીજો પર સરેરાશ પાંચેક ટકા પણ ઘટાડો કરે તો લોકોને બહુ મોટી રાહત મળશે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભારતે મુનિરની નહીં અમેરિકાની ચિંતા કરવાની જરૂર છે