અર્થતંત્ર જબરદસ્ત છે તો રૂપિયો કેમ સતત તૂટે છે?

એકસ્ટ્રા અફેરઃભરત ભારદ્વાજ
આપણાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રવિવારે બજેટ રજૂ કરે એ પહેલાં ગુરૂવારે આર્થિક સર્વે રજૂ કર્યો અને રાબેતા મુજબ જ 2025-26ના આર્થિક સર્વેમાં કેન્દ્ર સરકારે જાતે જ પોતાની પીઠ થાબડી દીધી. આર્થિક સર્વેમાં એ વાત પર ભાર મુકાયો છે કે, દુનિયાભરમાં અત્યારે આર્થિક સ્થિતિ ડામાડોળ છે અને મોટા મોટા દેશોના ટાંટિયા ઢીલા થઈ ગયા છે ત્યારે ભારતીય અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું છે.
આ સર્વેમાં અંદાજ મુકાયો છે કે, 2026-27ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વિકાસદર 6.8 ટકા થી 7.2 ટકાની વચ્ચે રહેશે. રસપ્રદ વાત એ છે કે, સરકારે પોતે ચાલુ વર્ષનો જીડીપી વિકાસ દર 7.4 ટકા રહેશે એવો વરતારો મૂકેલો છે અને આવતા વરસે વિકાસદર ઘટવાનો છે છતાં સરકારે આ ઘટેલા વિકાસદરને મોટી સિદ્ધિ ગણાવી છે.
આર્થિક સર્વેક્ષણમાં દેશના અર્થતંત્રનું એકદમ ફૂલગુલાબી ચિત્ર રજૂ કરાયું છે પણ આ ચિત્ર વાસ્તવિકતા સાથે મેળ ખાતું નથી. મોંઘવારીથી માંડીને નિકાસ સુધીના મામલે ગંભીર સ્થિતિ છે છતાં આર્થિક વિકાસના દાવા કરાયા છે. મજાની વાત એ છે કે, એક તરફ આપણું અર્થતંત્ર જબરદસ્ત મજબૂત હોવાના દાવા કરાય છે ને બીજી તરફ આપણો રૂપિયો સતત તૂટતો જ જાય છે.
અત્યારે એક અમેરિકન ડૉલરનો ભાવ 92 રૂપિયા છે અને જે રીતે રૂપિયો ગગડી રહ્યો છે એ જોતાં બહુ જલદી સદી કરી નાંખે તો નવાઈ નહીં. એક વર્ષ પહેલાં એક ડૉલરનો ભાવ 86 ડૉલરની આસપાસ હતો એ જોતાં વરસમાં જ છ રૂપિયા વધી ગયા છે. ટકાવારીની રીતે જુઓ તો લગભગ સાત ટકા થયો. જે દેશનું અર્થતંત્ર એકદમ મજબૂત હોય તેના ચલણનું વરસમાં જ સાત ટકા ધોવાણ કઈ રીતે થાય?
રૂપિયો આમ તો લાંબા સમયથી તૂટી જ રહ્યો છે પણ વરસ પહેલાં ધોવાણમાં તેજી આવી ત્યારે ભક્તજનો કહેતા કે રૂપિયો તૂટી રહ્યો નથી પણ ડૉલર મજબૂત થઈ રહ્યો છે તેથી ડૉલર સામે રૂપિયાના ભાવ વધી રહ્યા છે. આપણાં માનનીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે પણ આ વાત કરેલી. આ વાત ગધેડાને તાવ આવી જાય એવી છે કેમ કે ડૉલર મજબૂત થાય કે રૂપિયો તૂટે, પરિણામ તો સરખું જ આવે ને? છરી તડબૂચ પર પડે કે તડબૂચ છરી પર પડે, કપાય તો તડબૂચ જ ને?
જો કે આ દલીલ પણ વાહિયાત જ છે કેમ કે રૂપિયા ખાલી ડૉલર સામે નહીં પણ યુકેના પાઉન્ડ અને યુરોપિયન યુનિયનના યુરો સામે પણ તૂટ્યો છે. વરસ પહેલાં એક પાઉન્ડનો ભાવ 107 રૂપિયા હતા અને અત્યારે 126 રૂપિયા છે. મતલબ કે, પાઉન્ડ 19 રૂપિયા મોંઘો થયો છે ને ટકાવારીની રીતે જોઈએ તો 15 ટકાથી વધારે તૂટ્યો છે. યુરો તો વરસ પહેલાં 90 રૂપિયા પર હતો ને અત્યારે 110 રૂપિયા પર છે એ જોતાં 20 રૂપિયા વધ્યો છે. ટકાવારીની રીતે રૂપિયો 20 ટકાથી વધારે તૂટ્યો કહેવાય.
આંતરરાષ્ટ્રીય સ્તરે જે ચલણોમાં વધારે પ્રમાણમાં વ્યાપાર થાય છે એ ચલણો સામે રૂપિયો સાવ લબડી ગયો છતાં આર્થિક સર્વેક્ષણમાં અર્થતંત્ર મજબૂત હોવાની વધાઈ ખવાતી હોય તેનો અર્થ શો? આપણી સરકાર અને સરકારી ચમચા જીડીપીમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે એવું ચિત્ર રજૂ કરે છે એ પણ ભ્રામક છે. દુનિયાના બીજા દેશોમાં વસતી ઘટતી જાય છે જ્યારે આપણી વસતી સતત વધતી જાય છે. આ વધતી વસતીની જરૂરીયાતોને પૂરી કરવા માટે વર્ક ફોર્સ પણ વધે છે તેથી જીડીપી ના વધે? આપણી વસતી વરસે 10 ટકાના દરે વધે છે ને જીડીપી સાત ટકાના દરે વધે તો ખુશ થવા જેવું શું?
ભારતમાં જીડીપીનો દર બે અલગ અલગ રીતે નક્કી કરાય છે. પહેલી પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓના આંકડા ગણતરીમાં લેવાય છે જ્યારે બીજી પદ્ધતિમાં બજાર ભાવે થતો ખર્ચ ધ્યાનમાં લેવાય છે. એ પછી જાતજાતની ગણતરીઓ થાય છે ને છેવટે નોમિનલ જીડીપી નક્કી કરાય છે. આર્થિક પ્રવૃત્તિઓમાં ફેક્ટર કોસ્ટ મુખ્ય આધાર છે. આઠ અલગ અલગ ક્ષેત્રોમાં થતું કુલ ટર્નઓવર ગણતરીમાં લેવાય છે. આ ટર્નઓવર સતત વધવાનું કેમ કે મોંઘવારી વધે છે. બીજી પદ્ધતિમાં ગણતરીમાં લેવાતો ખર્ચ પણ વધવાનો કેમ કે વસતી વધી રહી છે.
આ સંજોગોમાં જીડીપી વધે તેમાં બહુ હરખાવા જેવું નથી. હરખ તો ત્યારે થાય કે જ્યારે આપણી નિકાસ વધે ને આયાત ઘટે કેમ કે કોઈ પણ દેશનું અર્થતંત્ર મજબૂત છે તેની મુખ્ય નિશાની વ્યાપાર ખાધ છે. વ્યાપાર ખાધનો મતલબ છે આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત. જે દેશની વ્યાપાર ખાધ ઝીરો હોય એ દેશનું અર્થતંત્ર સારું કહેવાય પણ જે દેશની નિકાસ આયાત કરતાં વધારે હોય તેનું અર્થતંત્ર જબરદસ્ત કહેવાય. ભારતની નિકાસ આયાત કરતાં વધારે નથી ને વ્યાપાર ખાધ પણ ઝીરો નથી તો આ દેશનું અર્થતંત્ર જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું છે એવું કઈ રીતે કહેવાય ?
આર્થિક સર્વેમાં કરાયેલા બીજા દાવાઓ પર પણ નજર નાંખવા જેવી છે. સર્વેમાં દાવો કરાયો છે કે, દેશમાં મોંઘવારી ઘટી છે. આ વાત માન્યામાં આવતી નથી પણ સરકારી આંકડા કહે છે કે, એપ્રિલ અને ડિસેમ્બર 2025 દરમિયાન છૂટક ફુગાવો સરેરાશ 1.7 ટકા થઈ ગયો છે. શાકભાજી અને કઠોળના ભાવમાં ઘટાડાના કારણે હાલમાં અત્યાર સુધીનો સૌથી નીચો મોંઘવારી દર છે એવું સરકાર કહેશે.
સરકારે તો એવો દાવો પણ કર્યો છે કે, વિશ્વના અન્ય મોટા દેશોની સરખામણીમાં ભારતે મોંઘવારીને નિયંત્રિત કરવામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા પરનો બોજ ઓછો થયો છે. આ વાત સાથે સહમત થનાર કાં મૂરખ હોય કાં અંધભક્ત હોય. બીજા પણ આવા ઘણા દાવા કરાયા છે અને તેમાંથી મોટા ભાગના ગળે ઊતરે એવા જ નથી.
સરકાર દાવા કરે છે એમ દેશનું અર્થતંત્ર જબરદસ્ત છે જ નહીં પણ બધું ઢંકાયેલું રહે છે કેમ કે મૂળે આ દેશની પ્રજા સહનશીલ છે. આપણે ત્યાં તકલીફો સહન કરવાનો મહિમા એટલો કરાયો કે, પ્રજાને એવું લાગે છે કે, સહન કરવામાં જ જીવન સાર્થક છે. આ કારણે લોકો ખેંચતાણ કરીને પણ ચલાવ્યા કરે છે.
બીજું એ કે, ભારત આજે પણ ગામડાંમાં વસે છે અને ગ્રામીણ ભારતનું પોતાનું આગવું આર્થિક મોડલ છે. આ મોડલમાં જરૂરીયાતો પણ ઓછી છે અને સ્થાનિક સ્તરે મોટા ભાગની ચીજો મળી રહે છે તેથી લોકો બહુ મહત્ત્વાકાંક્ષી બન્યા વિના શાંતિથી જીવ્યા કરે છે.


