એકસ્ટ્રા અફેર : રાધાકૃષ્ણનને ટેકો આપશે તો કૉંગ્રેસ ઉજળી લાગશે

- ભરત ભારદ્વાજ
જગદીપ ધનખડે ખાલી કરેલા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ અંતે પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા અને બીજાં બધાં નામ કોરાણે મૂકીને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન પર કળશ ઢોળી દીધો. રવિવારે મળેલી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રાધાકૃષ્ણનના નામની પસંદગી કરીને નરેન્દ્ર મોદીએ લોકોને આશ્ચર્યમાં મૂકવાની પરંપરા જાળવી કેમ કે રાધાકૃષ્ણનના નામની ચર્ચા ક્યાંય હતી જ નહીં. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરિફ મોહમ્મદ ખાન સહિતનાં નામો ચર્ચાતાં હતાં પણ રાધાકૃષ્ણન પિક્ચરમાં જ નહોતા તેથી રવિવારે સાંજે રાધાકૃષ્ણનના નામની જાહેરાત થઈ પછી મીડિયાએ પણ તેમના બાયો-ડેટા તાત્કાલલિક શોધવો પડે એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી.
દેશના બીજા નંબરનો સર્વોચ્ચ બંધારણીય હોદ્દા એવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાધાકૃષ્ણન યોગ્ય પસંદગી છે તેમાં બેમત નથી. ભાજપે વચ્ચેના સમયગાળામાં સત્યપાલ મલિક અને જગદીપ ધનખડ જેવા તકસાધુઓને પસંદ કરીને ભાજપના પાયાના પથ્થરોની અવગણના કરવા માંડી હતી. તેના કારણે ભાજપની વિચારધારાના ચુસ્ત સમર્થકોમાં પણ નારાજગી હતી. રાધાકૃષ્ણનની પસંદગીથી એ નારાજગી દૂર થશે કેમ કે રાધાકૃષ્ણન ભાજપના પાયાના પથ્થરોમાંથી જ એક નથી પણ ભાજપની વિચારધારાને ચુસ્ત રીતે વળગી રહેલા ને સત્તાને બદલે સિદ્ધાંતોને મહત્ત્વ આપનારા નેતા છે.
રાધાકૃષ્ણન ભાજપના જ્યાં ચણા પણ નથી આવતા એવા તામિલનાડુમાંથી આવે છે. રાધાકૃષ્ણને ધાર્યું હોત તો દ્રવિડીયન વિચારધારા ધરાવતા કોઈ પણ પક્ષમાં જોડાઈને સત્તા ભોગવી શક્યા હોત પણ તેના બદલે એ આજીવન ભાજપ સાથે રહ્યા છે. રાધાકૃષ્ણન 1998 અને 1999માં કોઈમ્બતુર બેઠક પરથી લોકસભામાં ચૂંટાઈને પોતે જનસમર્થન ધરાવતા નેતા છે એ સાબિત કરી ચૂક્યા છે. આ સંજોગોમાં તામિલનાડુની બે મુખ્ય પાર્ટીઓ ડીએમકે અને એઆઈડીએમકેમાંથી કોઈનો પણ હાથ પકડીને પ્રધાનપદ મેળવવું તેમના માટે સરળ હતું પણ રાધાકૃષ્ણને એ રસ્તો કદી પસંદ ના કર્યો.
રાધાકૃષ્ણન આખી જિંદગી તમિલનાડુ જેવા હળાહળ હિંદી વિરોધી માનસિકતા ધરાવતા રાજ્યમાં હિંદીના તરફદાર ભાજપનો પ્રસાર કરવા મથતા રહ્યા. ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન ઉર્ફે સી.પી. રાધાકૃષ્ણન 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયા પછી સંઘની રાજકીય પાંખ જનસંઘમાં જોડાયા હતા. રાધાકૃષ્ણન 1974માં ભારતીય જન સંઘની તામિલનાડુ રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા પછી આજીવન ભાજપ સાથે જ જોડાયેલા રહ્યા છે.
રાધાકૃષ્ણન તામિલનાડુમાં ભાજપના પ્રમુખ પણ બન્યા છે. તામિલનાડુ ભાજપ પ્રમુખ તરીકે તેમણે 19 હજાર કિમી લાંબી રથયાત્રા કાઢી હતી. રાધાકૃષ્ણ સંસદીય પરંપરાના જાણકાર છે અને બીબીએની ડિગ્રી ધરાવે છે તેથી સુશિક્ષિત પણ છે.
કૉંગ્રેસ સહિતના વિપક્ષો કોને ઉમેદવાર બનાવે છે એ ખબર નથી પણ ખરેખર વિપક્ષોએ ઉમેદવાર ના ઊભો રાખવો જોઈએ. લોકશાહીમાં સ્પર્ધા જરૂરી છે પણ કેટલાક હોદ્દા માટે સ્પર્ધા નિવારીને ખેલદિલી ચોક્કસ બતાવી શકાય. ઉપરાષ્ટ્રપતિપદ એવો જ હોદ્દો છે કેમ કે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જીતનારા દેશના ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત રાજ્યસભાના ચેરપર્સન તરીકેની જવાબદારી પણ નિભાવે છે.
સંસદનું ઉપલું ગૃહ મનાતા રાજ્યસભાના ચેરપર્સન તરીકે ઉપરાષ્ટ્રપતિ પક્ષાપક્ષીથી પર રહીને વર્તે એવી અપેક્ષા રખાય છે ત્યારે તેમની પસંદગી પણ પક્ષાપક્ષીથી પર રહીને બિનહરીફ થાય તો સારું લાગે. ઉપરાષ્ટ્રપતિપદે બેસનારી વ્યક્તિ રાજકીય હોય છે તેથી પોતાના પક્ષનું થોડું ઘણું તો ખેંચે જ પણ એકદમ પક્ષપાત ના કરે એ માટેનો માહોલ બનાવવા બધા પક્ષો તેમને ટેકો આપે તો એક સ્વસ્થ પરંપરા પડે.
કૉંગ્રેસ સહિતના વિપક્ષો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર ઊભો રાખીને કોઈ કાંદા નથી કાઢવાના એ જોતાં પણ ચૂંટણીના બદલે સર્વસંમતિથી ઉપરાષ્ટ્રપતિ નક્કી થાય તો વિપક્ષોની પણ બાંધી મુઠ્ઠી રહી જાય. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની ઇલેક્ટોરલ કોલેજમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ચૂંટાયેલા અને નોમિનેટેડ સભ્યો (સાંસદો) હોય છે. રાજ્યસભામાં 233 ચૂંટાયેલા સાંસદ અને 12 નોમિનેટેડ સાંસદ હોય છે જ્યારે લોકસભામાં 543 સાંસદો હોય છે. આમ કુલ 788 મતદાન કરી શકે છે. અત્યારે રાજ્યસભામાં પાંચ બેઠકો અને લોકસભામાં એક બેઠક ખાલી છે તેથી ઇલેક્ટોરલ કોલેજના સભ્યોની સંખ્યા 782 છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે સાદી બહુમતી જોઈતી હોય છે તેથ રાધાકૃષ્ણનને જીતવા માટે 391 સાંસદના મતની જરૂર પડે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : અમેરિકા સામે લડવા નક્કર સ્ટ્રેટેજી, મજબૂત ટીમ જોઈએ
અત્યારે લોકસભામાં કુલ સાંસદો 542 છે અને તેમાંથી 293 સાંસદો એનડીએના છે. રાજ્યસભામાં 245 સાંસદો છે. તેમાંથી એનડીએ પાસે 129 સાંસદો છે. આમ એનડીએ પાસે 422 સભ્ય મત છે. બહુમતી માટે જરૂરી 391 સાંસદ કરતાં એનડીએ પાસે 31 મત વધારે હોવાથી રાધાકૃષ્ણન સરળતાથી જીતી જશે તેથી કૉંગ્રેસ સહિતના વિપક્ષો ઊમેદવાર ઊભો રાખે તો પણ ચૂંટણી લડ્યા એટલો સંતોષ મેળવવાથી વધારે કંઈ મળવાનું નથી. આ સંતોષ મેળવવાના બદલે વિપક્ષો રાધાકૃષ્ણન સામે ઉમેદવાર નહીં ઊભો રાખવાની ખેલદિલી બતાવશે તો તેમનું પણ ગૌરવ જળવાશે.
છેલ્લે ઓગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી થઈ ત્યારે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ સામે કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ માર્ગારેટ આલ્વાને ઉભાં રાખ્યાં હતાં. ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે બહુ વગોવાયેલા ને બંધારણની ઐસીતૈસી કરીને વર્તેલા તેથી તેમની સામે સૈદ્ધાંતિક વિરોધ તરીકે પણ ઉમેદવાર ઊભો રાખવામાં કશું ખોટું નહોતું. સી.પી. રાધાકૃષ્ણનનો રેકોર્ડ સ્વચ્છ છે અને ધનખડની જેમ ચાપલૂસી કરીને આગળ આવ્યા નથી પણ જનતામાંથી આગળ આવેલા ઉમેદવાર છે. વધારે મહત્ત્વની વાત એ છે કે, રાધાકૃષ્ણન વાજપેયી સ્કૂલના વિદ્યાર્થી છે તેથી સત્તાને સર્વોપરી માનવાની માનસિકતા નથી. વાજપેયી વિરોધીઓને પણ માન આપવામાં માનતા ને સૌજન્યપૂર્ણ રીતે વર્તતા. વાજપેયીના પ્રભાવ હેઠળ તૈયાર થયેલી ભાજપની એ પેઢીમાં પણ એ સૌજન્યશીલતા હતી તેથી રાધાકૃષ્ણનને વિપક્ષોએ ટેકો આપવો જોઈએ. કૉંગ્રેસે રાધાકૃષ્ણ પર વધુ એક સંઘીનું લેબલ લગાવી દીધું છે પણ સંઘી સંઘીમાં ફરક હોય છે. સંઘી તો વાજપેયી પણ હતા ને કૉંગ્રેસ પોતે તેમનાં ઓવારણાં લેતાં થાકતી નથી ત્યારે રાધાકૃષ્ણનને પણ કૉંગ્રેસે સ્વીકારવા જોઈએ.
વાજપેયી સ્કૂના વેંકૈયાહા નાયડુ તટસ્થ ઉપરાષ્ટ્રપતિ સાબિત થયા હતા અને પોતાના હોદ્દાનું ગૌરવ જાળવીને વિદાય થયા હતા એ જોતાં કૉંગ્રેસે વાજપેયી સ્કૂલના વધુ એક વિદ્યાર્થીને ટેકો આપવો જોઈએ. કૉંગ્રેસ ટેકો નહીં આપે તો પણ રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તો બનવાના જ છે પણ ટેકો આપીને કૉંગ્રેસ પોતે પણ ઉજળી દેખાશે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભારતે મુનિરની નહીં અમેરિકાની ચિંતા કરવાની જરૂર છે