એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસને ટ્રમ્પ-પાકિસ્તાન સાચાં લાગે છે | મુંબઈ સમાચાર

એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસને ટ્રમ્પ-પાકિસ્તાન સાચાં લાગે છે

-ભરત ભારદ્વાજ

કૉંગ્રેસ હકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવાના બદલે પાણીમાંથી પોરા કાઢીને વાહિયાત મુદ્દા ઉઠાવવામાં માને છે તેથી છાસવારે એવી વાતો કર્યા કરે છે કે જે સાંભળીને કોંગ્રેસના નેતાઓની બુદ્ધિક્ષમતા સામે શંકા જાગે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરેલો એ મુદ્દે કૉંગ્રેસે કરેલા સવાલ તેનો તાજો પુરાવો છે. કૉંગ્રેસની લાંબા સમયથી પિન પહલગામ હુમલા પછી થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ પર અટકેલી છે. આ યુદ્ધ અંગે સાચી-ખોટી જે પણ વાતો આવે તેને પકડી લઈને કૉંગ્રેસ વાહિયાત સવાલો કરે છે અને આ વખતે પણ એવું જ થયું છે.

ભારતના હુમલાથી બઘવાયેલા પાકિસ્તાને નાકલીટી તાણીને યુદ્ધવિરામની આજીજી કરી પછી ભારતે યુધ્ધવિરામ સ્વીકારેલો પણ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કરેલો કે, પોતાના કહેવાથી યુદ્ધવિરામ અટક્યો છે. યોગાનુયોગ બે દિવસ પહેલાં ટ્રમ્પે પાછું આ જ વાજું વગાડ્યું એટલે કૉંગ્રેસ હરખપદૂડી થઈને કૂદી પડી છે. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે પણ કૉંગ્રેસ પાસે મોદી સરકારને ભીડાવવા નક્કર વ્યૂહરચના નથી એટલે કૉંગ્રેસે ભારત-પાકિસ્તાન યુદ્ધ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના દાવા અંગે કેન્દ્ર સરકારને ત્રણ સવાલ પૂછી નાંખ્યા છે.

કૉંગ્રેસનો પહેલો સવાલ એ છે કે, ટ્રમ્પે 24 વખત પોતે ભારત-પાકિસ્તાન યુધ્ધ રોક્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે તો ટ્રમ્પે ખરેખર યુદ્ધવિરામ કરાવ્યો હતો? બીજો સવાલ એ છે કે, ટ્રમ્પે ભારત સાથેનો વ્યાપાર બંધ કરવાની ધમકી આપીને યુદ્ધ બંધ કરાવ્યું હતું? ત્રીજો સવાલ એ છે કે, આ યુદ્ધમાં પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યાં હતાં એ કોનાં હતાં ? સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે ત્યારે કૉંગ્રેસે આ ત્રણેય સવાલો સંસદમાં ઉઠાવવાનું એલાન પણ કર્યું છે.

કૉંગ્રેસની માગણી એવી પણ છે કે, સંસદમાં વડા પ્રધાને પોતાનું મૌન તોડવું જોઈએ અને જવાબ આપવો જોઈએ. વિપક્ષો ખાસ ચર્ચા ઈચ્છે છે ને તેમાં જવાબ આપવા અમને કોઈ અવેજી બેટ્સમેન નથી જોઈતો પણ માત્ર ને માત્ર વડા પ્રધાને જ જવાબ આપવો પડશે. વિપક્ષ તરીકે કૉંગ્રેસ વડા પ્રધાન પાસે જવાબ માગી શકે પણ બીજું કોઈ કહે તેને સાચું માનીને જવાબ માગવો એ બુદ્ધિનું પ્રદર્શન છે.

કૉંગ્રેસના ત્રણેય સવાલો ટ્રમ્પના દાવાઓ પર આધારિત છે. ટ્રમ્પ યુદ્ધવિરામ થયો ત્યારથી એક જ વાજું વગાડ્યા કરે છે કે મારા કારણે યુદ્ધવિરામ થયો છે. પહલગામ આતંકી હુમલા પછી ભારતે 7 મેએ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો પણ બે દિવસમાં પાકિસ્તાન હાંફી જતાં 10 મેએ યુદ્ધવિરામ થયો હતો.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : બર્મિંગગમની જીત, રોહિત-વિરાટની ખોટ જરાય ના સાલી

ટ્રમ્પે સૌથી પહેલાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધવિરામની સોશ્યલ મીડિયા પર જાહેરાત કરેલી એ સાચું છે પણ અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓનું નેટવર્ક બહુ મોટું છે તેથી ટ્રમ્પને સત્તાવાર જાહેરાત પહેલાં ખબર પડી ગઈ હોય એ શક્ય છે. ભારત અને પાકિસ્તાન બંનેની આર્મીમાં કે સંરક્ષણ મંત્રાલયોમાં અમેરિકાના જાસૂસો છે જ તેથી ટ્રમ્પને યુદ્ધવિરામની આગોતરી જાણ થઈ આ એ મોટો ચમત્કાર નથી. સ્માર્ટ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને જશ ખાટી લીધો.

ટ્રમ્પ એ પછી સતત આ વાત કહ્યા કરે છે. છેલ્લે ટ્રમ્પે શનિવારે વાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન ફરી એ જ રેકર્ડ વગાડી અને કૉંગ્રેસે એ વાતને પકડી લીધી. આ વાતચીત દરમિયાન ટ્રમ્પે પાંચ ફાઈટર જેટ તૂટ્યાં હોવાનો પણ દાવો કર્યો. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાને પણ આવો જ દાવો કર્યો છે. 7 મેએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સંસદમાં દાવો કરેલો કે, અમે ભારતના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો તેમાં ભારતના પાંચ ફાઈટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા. આ પાંચ વિમાનમાં ત્રણ રાફેલ હતાં.

પાકિસ્તાને પછીથી આંકડો સુધારીને છ ભારતીય વિમાનને તોડી પાડવાનો દાવો કરવાનું શરૂ કર્યું. 11 જુલાઈએ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને મીડિયા સામે બોલતાં કહેલું કે, ભારતે યુદ્ધમાં પોતાનાં છ ફાઇટર જેટ ગુમાવ્યાં છે તેની કબૂલાત કરી લેવી જોઈએ. અલી ખાનનો દાવો હતો કે, ભારતે કાલ્પનિક વાર્તાઓ કરવાને બદલે સ્વીકારવું જોઈએ કે તેનાં છ ફાઈટર પ્લેનને તોડી પાડવામાં આવ્યાં હતાં અને અન્ય લશ્કરી ઠેકાણાંને ગંભીર નુકસાન થયું હતું.

ભારતે પોતાનું કોઈ વિમાન તૂટ્યું નથી એવો દાવો કર્યો છે. ટ્રમ્પે પણ કોનાં ફાઈટર જેટ તોડી પડાયાં તેનો ઉલ્લેખ કર્યો નથી પણ એ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે એ સ્પષ્ટ છે. કૉંગ્રેસ ટ્રમ્પ અને પાકિસ્તાનના દાવા સાચા હોવાનું માનીને સરકારને સવાલ કરી રહી છે.

ટ્રમ્પ રાજા હરિશ્ર્ચંદ્રના અવતાર નથી કે સાચું જ બોલતા હોય. મહાલબાડ ટ્રમ્પનો ઈતિહાસ જ જૂઠાણાંથી ભરેલો છે પણ કોંગ્રેસને એ માણસ સાચો લાગે છે એ આઘાતજનક કહેવાય. પાકિસ્તાનના શાસકો તો ટ્રમ્પથી પણ ચાર ચાસણી ચડે એવા છે તેથી એ બોલે તેમાં સત્ય કેટલું હોય એ મોટો સવાલ હોય છતાં કૉંગ્રેસને તેની વાત પણ સાચી લાગી રહી છે.

કૉંગ્રેસ મોદી સરકારને સવાલો કરી રહી છે પણ એક બેઝિક મુદ્દાને અવગણી રહી છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે. યુદ્ધમાં પાંચ ભારતીય વિમાનને તોડી પાડ્યાં હતાં. પાકિસ્તાને આ વિમાન ક્યાં તોડી પાડ્યાં તેની કોઈ વિગતો આપી નથી કે કોઈ પુરાવા આપ્યા નથી. ભારતનાં વિમાનો પાકિસ્તાનમાં ઘૂસ્યાં ત્યારે તેમને તોડી પડાયાં હોય તો તેનો કાટમાળ પાકિસ્તાનમાં જ પડ્યો હોય. ભારતનાં ફાઈટર જેટનો કાટમાળ પાકિસ્તાનમાં પડે ને પાકિસ્તાન એવી તક ચૂકે ખરું ?

મીડિયામાં ને સોશ્યલ મીડિયામાં તેના ફોટા ક્યારનાય ફરતા થઈ ગયા હોત. પાકિસ્તાન આર્મીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વટભેર પુરાવા સાથે આ વાત કરી હોત પણ એવું કશું થયું નથી તેનો મતલબ એ કે, પાકિસ્તાન ટાઢા પહોરનાં ગપ્પાં હાંકે છે. પાકિસ્તાને ભારતમાં ઘૂસીને ભારતનાં વિમાનો તોડી પાડ્યાં હોય ને તેનો કાટમાળ ભારતમાં પડ્યો હોય તો એ વાત પણ છૂપી ના રહે. ભારતમાં મીડિયાએ વિશ્વસનિયતા ગુમાવી દીધી છે પણ સોશ્યલ મીડિયા ઝાલ્યું રહેતા નથી એ જોતાં આ વાત છુપાવી જ ના શકાય.

કૉંગ્રેસે ટ્રમ્પની વ્યાપાર અટકાવી દેવાની ધમકીનો ઉલ્લેખ કર્યો છે પણ ટ્રમ્પ આવી ધમકી આપવાની સ્થિતિમાં જ નથી. ટ્રમ્પ ભારત સાથે ટ્રેડ ડીલ કરવા હવાતિયાં મારી રહ્યા છે છતાં કૉંગ્રેસને તેમની આ વાત સાચી લાગતી હોય તો ભગવાન જ કૉંગ્રેસને બચાવે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભાજપ સરકારે ભ્રષ્ટાચારી રોબર્ટને 11 વર્ષમાં કશું ના કર્યું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button