એકસ્ટ્રા અફેર: આપણાથી ક્લાઉડ સીડિંગ પણ સફળતાથી થતું નથી! | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: આપણાથી ક્લાઉડ સીડિંગ પણ સફળતાથી થતું નથી!

– ભરત ભારદ્વાજ

આપણા દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી ટાણે જ પ્રદૂષણ વધવાની મોંકાણ મંડાય છે ને પ્રદૂષણને નાથવા માટે નક્કર પગલાં લેવાના બદલે બુદ્ધિનું પ્રદર્શન કરવાની હોડ પણ શરૂ થઈ જાય છે. દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા ને કેજરીવાલની પિન ઓડ-ઈવન પર ચોંટી ગયેલી એટલે  પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે એવું જાહેર થાય એ સાથે જ કેજરીવાલ ઓડ-ઈવનનો તમાશો શરૂ કરી દેતા.

કેજરીવાલની ઓડ-ઈવન ફોર્મ્યુલા જગજાહેર હતી તેથી તેના વિશે ઝાઝું કહેવાની જરૂર નથી પણ લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે એવું કહેવાય છે તેથી બે લીટીમાં ઓડ-ઈવન ફોર્મ્યુલા સમજાવી દઈએ. કેજરીવાલની ‘ઓડ-ઈવન’ કાર ફોર્મ્યુલા પ્રમાણે એક દિવસ રોડ પર એકી નંબર ધરાવતી કારો બહાર કાઢી શકાતી અને બીજા દિવસે માત્ર બેકી નંબરો ધરાવતી કારો જ બહાર કાઢી શકાતી. 

દિલ્હીનાં લોકોએ ‘ઓડ-ઈવન’ કાર ફોર્મ્યુલા સહિતના તાયફાઓથી કંટાળીને કેજરીવાલને ઘરભેગા કરી દીધા ને ભાજપને સત્તા સોંપી પણ રેખા ગુપ્તાની ભાજપ સરકારે પણ બુદ્ધિનું પ્રદર્શન કરવાની પરંપરા જાળવી છે. રેખા ગુપ્તા સરકારે પ્રદૂષણને નાથવા માટે ક્લાઉડ સીડીંગનો સહારો લઈને બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું. વિજ્ઞાનીઓ કહી ચૂક્યા છે કે, ક્લાઉડ સીડીંગથી વરસાદ પડે તેના કારણે કામચાઉ રીતે પ્રદૂષણ ઘટે છે પણ કાયમી ઘટતું નથી. 

કૃત્રિમ વરસાદ પડે તેના કારણે થોડોક સમય રાહત લાગે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ઉમેરાવાની પ્રક્રિયા ચાલુ જ હોય તેથી સ્થિતિ પાછી એ જ થઈ જાય તેથી પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ સારો રસ્તો નથી છતાં દિલ્હી સરકારે એ રસ્તો અપનાવ્યો. બીજું બુદ્ધિનું પ્રદર્શન એ કરાયું કે, વિજ્ઞાનીઓ નવેમ્બર મહિના અને ફેબ્રુઆરીથી મે દરમિયાનના સમયને ક્લાઉડ સીડિંગ માટે શ્રેષ્ઠ માને છે ત્યારે દિલ્હી સરકારે હરખપદૂડી થઈને ઓક્ટોબરમાં જ ક્લાઉડ સીડીંગનો તાયફો માંડી દીધો. 

આ બુદ્ધિના પ્રદર્શનમાં પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થઈ ગયો કેમ કે 1.30 કરોડ રૂપિયાનું આંધણ કર્યા પછી વરસાદ જ ના વરસ્યો. વરસાદ ના વરસ્યો તેનું કારણ અણઘડ આયોજન છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) કાનપુરના વિજ્ઞાનીઓની દેખરેખ હેઠળ ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરાયેલો. બે વાર વિમાન મોકલીને વાદળો ઝડપથી બંધાય એ માટેની પ્રક્રિયા કરાયેલી પણ વરસાદ ના પડતાં વગર પાણીએ સવા કરોડ રૂપિયાથી વધારે ધોવાઈ ગયા. 

ક્લાઉડ સીડીંગ બહુ સામાન્ય પ્રક્રિયા છે પણ એ પણ આપણે સફળતાપૂર્વક ના કરી શકીએ તેના પરથી જ આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં ક્યાં ઊભા છીએ તેનો અંદાજ આવી જાય. ક્લાઉડ સીડિંગ હેઠળ હવામાં રહેલા ભેજને વાદળોમાં ફેરવીને કૃત્રિમ વરસાદ વરસાવાય છે. ક્લાઉડ સીડિંગ અંતર્ગત વિમાનમાંથી આકાશમાં સિલ્વર આયોડાઈડનો છંટકાવ કરવામાં આવે છે તેથી વાદળાં બંધાવાની પ્રક્રિયા ઝડપી બને છે.  

સિલ્વર આયોડાઈડ હવાના સંપર્કમાં આવે પછી ભેજને ખેંચવા માંડે છે અને તેને બરફના કણ બનાવી દે છે. બરફ હવામાં ઝડપથી ગતિ ના કરી શકે તેથી જમીન તરફ જાય છે ને પાણીના રૂપમાં નીચે પડે છે. આ બહુ સામાન્ય પ્રયોગ છે અને યુએઈ જેવા દુનિયાના ટચૂકડા દેશો પણ ક્લાઉડ સીડિંગમાં સો ટકા સફળતા મેળવે છે. મતલબ કે, જેટલી વાર પ્રયત્ન કરે એટલલી વાર સફળ થાય છે ને વરસાદ પડે જ છે. તેની સામે આપણે બે વાર પ્રયત્ન કર્યા ને બંને વાર નિષ્ફળ ગયા. 

આ નિષ્ફળતા પછી આઈઆઈટી કાનપુરના ડિરેક્ટર મણીન્દ્ર અગ્રવાલે જ્ઞાન પિરસ્યું છે કે, દિલ્હી ઉપરનાં વાદળોમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી ક્લાઉડ સીડિંગથી વરસાદ પડ્યો ન હતો. રવિવારે પ્રયોગ કરાયો ત્યારે ભેજનું પ્રમાણ લગભગ 15 ટકા હતું જ્યારે ક્લાઉડ સીડિંગ સફળ થવા માટે ભેજનું પ્રમાણ લગભગ 50 ટકા હોવું જોઈએ. 

આઈઆઈટી દેશની ટોચની સંસ્થા છે અને તેના વિજ્ઞાનીઓને પ્રયોગ કર્યા પછી ભેજનું પ્રમાણ ઓછું હતું એ વાતની ખબર પડે એ સ્થિતી કેટલી દયનિય કહેવાય ? આ સાયન્સ અને ટેકનોલોજીના જમાનામાં ભેજનું પ્રમાણ કેટલું છે એ ગણતરીની મિનિટોમાં જાણી શકાય ને આપણા મહાન સંશોધકોને પ્રયોગ કરતાં પહેલાં ભેજનું પ્રમાણ જોઈએ એટલું નથી આ વાતની ખબર જ નહોતી એ સાંભળીને હસવું કે રડવું એ જ ખબર પડતી નથી. 

અગ્રવાલ સાહેબે જ્ઞાન પિરસ્યું છે કે, વાદળનો પ્રકાર, તાપમાન, ભેજ અને પવન જેવાં અનેક પરિબળો પર વરસાદ પડશે કે નહીં તેનો આધાર હોય છે. આ વાત સાચી છે પણ આ બધાં ધારાધોરણોની ચકાસણી પહેલાં કેમ ના કરાઈ એ ખબર પડતી નથી. તેના કારણે પ્રજાની પરસેવાની કમાણીથી ભરાતી સરકારી તિજોરીમાંથી સવા કરોડ રૂપિયા હવામાં જ સિલ્વર આયોક્સાઈડની સાથે ઉડી ગયા તેના માટે કોણ જવાબદાર ? આ દેશમાં પ્રજાનાં નાણાં વેડફવા માટે કોઈને જવાબદાર ગણવામાં આવતા નથી ને લોકોમાં જવાબ માગવાની મર્દાનગી નથી તેથી અગ્રવાલ સાહેબ જેવા લોકો આવા વાહિયાત બચાવ કરી શકે છે. 

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ચીનનાં એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યો…

આ સ્થિતિ બદલાવાની નથી તેથી તેની પાછળ વિલાપ કરવાનો મતલબ નથી એટલે શાસકો દ્વારા કરાતા બુદ્ધિના પ્રદર્શનની વાત પર પાછા ફરીએ. ક્લાઉડ સીડિંગ સહિતનાં પગલાં બુદ્ધિનું પ્રદર્શન એટલે છે કે, એ પ્રદૂષણનો કાયમી ઉકેલ નથી. ક્લાઉડ સીડિંગ આભ ફાટ્યું છે ત્યારે થિગડું મારવા જેવી વાત છે ને ભાજપ સરકાર પણ પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના બદલે થાગડથિગડ કરી રહી છે. 

દિલ્હીમાં પ્રદૂષણ માટે સતત ઊડતી રહેતી ધૂળ અને વાહનોનો ધુમાડો જવાબદાર છે. દિલ્હીમાં આડેધડ બાંધકામો થઈ રહ્યાં છે તેથી ખોદકામ ચાલ્યા જ કરે છે અને ધૂળ ઉડ્યા જ કરે છે. તેના કારણે પ્રદૂષણ વધે છે અને  લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. દિલ્હીમાં અંદરના વિસ્તારોમાં અને આસપાસના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગો મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે. હજારોની સંખ્યામાં આવેલી નાની નાની ફેક્ટરીઓની જરીપુરાણી મશીનરીઓ રોજ ટનબંધ કાર્બન ડાયોક્સાઈડ ઓકે છે. 

દિલ્હીની આસપાસના વીજળી ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટ પણ પ્રદૂષણ વધારે છે કેમ કે તેમાં હજુય કોલસો વપરાય  છે.  દિલ્હીમાં વાહનોના કારણે વધતા પ્રદૂષણનો મામલો સૌથી ગંભીર છે.  દિલ્હીમાં રોજ નવાં 20 હજાર ખાનગી વાહનો ઉમેરાય છે તેથી સતત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યા કરે છે.   પ્રદૂષણ રોકવું હોય તો આ બધું રોકવું જોઈએ પણ ના કેજરીવાલ સરકારે કંઈ કર્યું ને નથી રેખા ગુપ્તા સરકાર કશું કરી રહી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સરકારમાં પગાર વધવાની સાથે એકાઉન્ટિબિલિટી પણ નક્કી થવી જોઈએ

                

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button