એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ચીનનું નવું સંગઠન, વૈશ્વિક સ્તરે ચીનની તાકાત વધી

-ભરત ભારદ્વાજ

દુનિયામાં સર્વોપરિતાનાં સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે અને એક સમયે દુનિયાનાં જમાદાર મનાતા અમેરિકાની સર્વોપરિતાના દિવસો ખતમ થઈ ગયા છે. એક સમય હતો જ્યારે આખી દુનિયા અમેરિકાના ઈશારે નાચતી હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અમેરિકા કહે એ રીતે જ વર્તતી હતી, પણ ધીરે ધીરે અમેરિકા નબળું પડતું જાય છે અને ચીન તેનું સ્થાન લેવા થનગની રહ્યું છે. ચીને આર્થિક મોરચે તો અમેરિકાને હંફાવી દીધું જ છે પણ વર્ચસ્વના મામલે પણ અમેરિકાનો વિકલ્પ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેના ભાગરૂપે હમણાં ચીને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મેડિએશન (IOMed)ની સ્થાપના કરી છે.

અત્યારે ભારતમાં ઓપરેશન સિંદૂર છવાયેલું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડોનલ્ડ ટ્રમ્પની હરકતો ચર્ચામાં છે તેથી ચીને બનાવેલા આ સંગઠન તરફ કોઈનું ધ્યાન ગયું નથી પણ આ સંગઠનના વિચારને મળેલા પ્રતિસાદને જોતાં ભવિષ્યમાં ચીનને દુનિયાના ફોજદાર તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. હોંગકોંગમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મેડિએશન (IOMed)ની સ્થાપના માટેના કરારની ઔપચારિક જાહેરાત કરી ત્યારે 85 દેશો અને 20 જેટલાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના 400 જેટલા પ્રતિનિધી હાજર હતા.

આ 85 દેશો પૈકી 33 દેશોના પ્રતિનિધિ તો તરત જ હસ્તાક્ષર કરીને અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મેડિએશન (IOMed)ના સ્થાપક સભ્ય બની ગયા. અમેરિકા અને યુરોપના દેશો આ સંગઠનમાં ન જોડાય એ કહેવાની જરૂર નથી તેથી મોટા ભાગના સભ્ય દેશો આફ્રિકાના છે પણ એશિયામાંથી પણ સંખ્યાબંધ દેશો સ્થાપક સભ્યો બન્યા છે. ચીન ઉપરાંત ઇન્ડોનેશિયા, હોંગકોંગ, પાકિસ્તાન, બેલારુસ, ક્યુબા અને કંબોડિયા જેવા દેશો તેના સ્થાપક સભ્ય છે.

અત્યારે કરાયેલી જાહેરાત પ્રમાણે, આ સંગઠનનું હેડ ક્વાર્ટર હોંગકોંગમાં હશે. ચીને આ સંગઠન માટે હોંગકોંગને આગળ કર્યું છે અને હોંગકોંગ સરકારના વડા જોન લીએ જાહેરાત કરી છે કે તેમની સરકાર IOMED ને તમામ શક્ય સહાય પૂરી પાડશે જેથી સંગઠન ઝડપી અને વિશ્વસનીય ઉકેલ લાવી શકે. પશ્ર્ચિમી મીડિયા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મેડિએશન (IOMed) ને ઈન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટિસ (ICJ) અને પરમેનન્ટ કોર્ટ ફોર આર્બિટ્રેશન (PCA) જેવી સંસ્થાઓનો વિકલ્પ ગણાવે છે, પણ ચીનના સરકારી વાજિંત્ર એવા ગ્લોબલ ટાઇમ્સ અખબારના કહેવા પ્રમાણે, આ સંગઠન મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોનું નિરાકરણ લાવનારું વિશ્વનું પ્રથમ ઈન્ટર-ગવર્નમેન્ટ લીગલ ઓર્ગેનાઈઝેશન છે. ચીને આ સંગઠન યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરશે એવો સધિયારો આપ્યો છે, પણ ચીનની વાત પર કેટલો ભરોસો કરવો એ સવાલ છે.

આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર: ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું નથી, આગાહી કરાઈ છે…

સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત પ્રમાણે સભ્ય દેશો તેમજ અન્ય દેશોના નાગરિકો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠનો આ સંગઠનમાં કેસ દાખલ કરી શકે છે, પણ આ સંગઠનનો ઉદ્દેશ ફક્ત મધ્યસ્થી દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવાનો છે. આ સંગઠન દ્વારા કરાનારાં સમાધાન સ્વૈચ્છિક હશે, કોઈ પક્ષ સંમત ન થાય તો કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.

કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરાય ત્યારે આ પ્રકારના દાવા કરાતા હોય છે. યુનાઈટેડ નેશન્સથી માંડીને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સુધીની સંસ્થાઓની શરૂઆત આવા કહેવાતા શુભ ઉદ્દેશોથી જ કરાઈ હતી, પણ પછી તેના પર તાકાતવર દેશો હાવી થઈ જતા હોય છે. જે દેશ વધારે ફંડ આપે તેનું ચાલતું હોય છે ને તેના ઈશારે આ સંગઠનો ચાલતાં હોય છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મેડિએશન (IOMed)માં ચીન મોટો ભા છે તેથી તેનું જ ચાલશે એ કહેવાની જરૂર નથી.

આ વાત સામી ભીંતે લખાયેલી છે તેથી તેના વિશે ચર્ચા કરવાનો મતલબ નથી, પણ આ પ્રકારનાં સંગઠનો ઊભાં કરીને ચીન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેની વાત કરવી જરૂરી છે. ચીન આ સંગઠનો દ્વારા દુનિયામાં જૂથબંધી કરી રહ્યું છે અને અમેરિકા તથા યુરોપના દેશો સામે એક નવી જ ધરી બનાવી રહ્યું છે. ચીને રશિયા, સાઉદી અરેબિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા સહિતના યુરોપની બહારના દેશો સાથે આર્થિક સંબંધો ગાઢ બનાવીને એક ધરી રચી છે, પણ આ સંગઠન તેનાથી એક કદમ આગળ છે. ચીન પોતાની આર્થિક તાકાતનો ઉપયોગ દુનિયાના ગરીબ અને અલ્પ વિકસિત દેશોને પોતાની તરફ વાળવા કરી જ રહ્યું છે. હવે આ દેશો વચ્ચેના વિવાદોમાં મધ્યસ્થી બનીને ચીન તેમના નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકાએ વરસો લગી યુએન, વર્લ્ડ બૅંક, આઈએમએફ જેવી સંસ્થાઓ પર વર્ચસ્વ જમાવીને દુનિયા પર દાદાગીરી કરી એ જ કામ ભવિષ્યમાં ચીન આ સંગઠનના માધ્યમથી કરશે.

આ સંગઠનથી અમેરિકાની સર્વોપરિતાને મોટો ખતરો છે એ સ્પષ્ટ છે. ચીન લાંબા સમયથી ગ્લોબલ સાઉથની વાત કરીને દુનિયાના ગરીબ અને અલ્પ વિકસિત દેશોને પોતાની તરફ વાળવા પ્રયત્નશીલ છે. ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ સામાજિક-આર્થિક અને રાજકારણના સંદર્ભમાં દુનિયાના દેશોને વિભાજિત કરે છે. ગ્લોબલ નોર્થમાં ધનિક અને વિકસિત દેશો છે જ્યારે ગ્લોબલ સાઉથમાં મોટા ભાગના ગરીબ અને પછાત દેશો છે.

યુએન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)ની વ્યાખ્યા અનુસાર ગ્લોબલ સાઉથમાં આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન, ઇઝરાયેલ, જાપાન અને દક્ષિણ કોરિયા સિવાયના એશિયાના દેશો અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સિવાયના ઓશનિયાના દેશોનો સમાવેશ થાય છે. આ સંગઠન દ્વારા ચીનનો વિકાસશીલ દેશો અને ગ્લોબલ સાઉથમાં પ્રભાવ વધશે તેથી અમેરિકાનું વરસોનું વર્ચસ્વ તૂટશે.

ભારત માટે પણ આ સંગઠન ખતરો છે કેમ કે ચીનનો પ્રભાવ વધે એવી કોઈ પણ ઘટના ભારતના નુકસાનમાં જ હોય. આપણી પિન પાકિસ્તાન પર ચોંટેલી છે, પણ વાસ્તવમાં ભારત માટે મોટો ખતરો ચીન છે કેમ કે પાકિસ્તાન ભારત સામે કોઈ હૈસિયત નથી ધરાવતું, પણ ચીન ભારત કરતાં બધા મોરચે ચડિયાતું છે. ચીન અત્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશો મારફતે ભારત સામે પ્રોક્સી વોર ચલાવી જ રહ્યું છે તેથી ચીન તાકાતવર બનશે તો ભારત સામે ખતરો વધશે.

ભારતમાં એક વર્ગ આપણે ચીનને પછાડી દઈશું એવા ફાંકા મારે છે, પણ આપણામાં એ તાકાત નથી એ વાસ્તવિકતા છે. ચીનનો પ્રભાવ કેવો છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે, ચીનના નિમંત્રણથી દુનિયાના 85 દેશો ને 20 સંગઠનો હાજર થઈ ગયાં ને 33 દેશોએ ચીનની પહેલને સ્વીકારીને કરાર પર સહી કરી દીધી. આપણો કોઈ એવો પ્રભાવ નથી, પણ એ ચિંતાનો મુદ્દો નથી. ચિંતાનો મુદ્દો ચીન તાકાતવર બને પછી તેનો મુકાબલો કઈ રીતે કરવો એ છે ને એ દિશામાં સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.

આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર : સત્યપાલ મલિક સામે કાર્યવાહીમાં આટલો વિલંબ કેમ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button