એકસ્ટ્રા અફેરઃ સીસીટીવી બંધ, મધરાતે વાનની એન્ટ્રી ને પંચના લૂલા બચાવ

ભરત ભારદ્વાજ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પતી ગયું ને મંગળવારે બીજા તબક્કાનું મતદાન છે પણ એ પહેલાં રાષ્ટ્રીય જનતા દળે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ)માં ગરબડનો આક્ષેપ કરતાં કહેવાતી વોટ ચોરીનો મામલો પાછો ચગ્યો છે. આરજેડીએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો મૂકીને દાવો કર્યો છે કે, વૈશાલી જિલ્લાના હાજીપુરમાં વિવિધ વિધાનસભા મતવિસ્તારોના ઈવીએમ રખાયાં છે એ સ્ટ્રોંગ રૂમમાં વારાફરતી સીસીટીવી ફૂટેજ બંધ કરી દેવાયા હતા અને અડધી રાતે એક પિકઅપ વાન અંદર ઘૂસી હતી. આ વાન 15 મિનિટ પછી બહાર નિકળી હતી.
સમસ્તીપુર જિલ્લામાં તો સીસીટીવી લગભગ અડધો કલાક માટે બંધ થઈ ગયા હતા જ્યારે સમસ્તીપુરની મોહિઉદ્દીન નગર વિધાનસભા બેઠકનાં ઈવીએમ રખાયાં છે ત્યાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસ્યો હોવાનો આક્ષેપ પણ આરજેડીએ કર્યો છે. આરજેડીએ મોં-માથા વિનાના આક્ષેપો નથી કર્યા પણ બધા આક્ષેપોના સમર્થનમાં વીડિયો ફૂટેજ પણ સોશ્યલ મીડિયા પર મૂક્યા છે તેના કારણે આ આક્ષેપોની ગંભીરતા વધી જાય છે.
ચૂંટણી પંચે આરજેડીના હાજીપુરના સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં ચૂકના આક્ષેપોનો જવાબ આપ્યો છે અને રાબેતા મુજબ આરજેડીના આક્ષેપોને બોગસ ગણાવ્યા છે. બહુ મજાની વાત પાછી એ છે કે, ચૂંટણી પંચે સીસીટીવી બંધ થઈ ગયેલા એવું સ્વીકાર્યું છે અને કેમ્પસમાં પિકઅપ વાન આવેલી એવું પણ કબૂલ્યું છે ને છતાં રાષ્ટ્રીય જનતા દળના સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં ભંગનો આક્ષેપ કરતી સોશ્યલ મીડિયા પોસ્ટને ગેરમાર્ગે દોરનારી અને તથ્યો વગરની ગણાવીને ફગાવી દીધી છે.
ચૂંટણી પંચે જે ખુલાસો કર્યો છે એ પણ સાંભળવા જેવો છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે, દરેક મતવિસ્તારમાં સ્ટ્રોંગ રૂમના સીસીટીવી ફૂટેજના ફીડના ડિસ્પ્લે કંટ્રોલ રૂમમાં અને સ્ટ્રોંગ રૂમની નજીક રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રતિનિધિઓ માટે બનેલા એરિયામાં એમ બે સ્થળે લગાડાયા છે.
રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રતિનિધિઓ માટે બનેલા એરિયામાં હાજીપુર લોકસભા બેઠકના પાંચ વિધાનસભા મત વિસ્તારોમાંથી મહનાર બેઠકના સીસીટીવી ફૂટેજના ફીડ ડિસ્પ્લે સ્ક્રીન ઓટો ટાઇમઆઉટ થવાને કારણે થોડી વાર માટે બંધ થઈ ગયા હતા પણ તેને થોડી જ મિનિટોમાં ફરીથી ચાલુ કરાવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ કંટ્રોલ રૂમમાં લાગેલા મહનાર મતવિસ્તાર માટે સીસીટીવી ફૂટેજ ડિસ્પ્લે સ્ક્રીન કોઈપણ વિક્ષેપ વિના ચાલુ જ હતા.
આ જવાબ વાહિયાતપણાની ચરમસીમા જેવો છે. ભાજપ વિરોધી રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે, ઈવીએમ બદલી દેવામાં આવે છે અથવા તેમાં ગરબડ કરવામાં આવે છે. આ આક્ષેપો નિરાધાર છે એવું સાબિત થાય એ માટે જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઈવીએમ પર નજર રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પણ સીસીટીવી જ ના ચાલે તો આખી વ્યવસ્થાનો મતલબ શો ? સીસીટીવી કેટલી મિનિટો માટે બંધ રહ્યા તેની પણ કોઈ ચોખવટ કરાઈ નથી પણ ગરબડ કરવા કે ઈવીએમ બદલવા માટે એક-બે મિનિટ પણ પૂરતી હોય છે એ જોતાં આખી વ્યવસ્થા શંકાસ્પદ ગણાય.
ચૂંટણી પંચ કંટ્રોલ રૂમના સીસીટીવી ચાલુ હતા એવો દાવો કરે છે પણ તેનો મતલબ નથી. કંટ્રોલ રૂમના સીસીટીવીમાં સીન ફ્રીઝ કરી દેવાય ને ટાઈમર ચાલુ રહે એવી ગોઠવણ કરવી એ ડાબા હાથનો ખેલ છે. બીજું કે, કંટ્રોલ રૂમમાં નજર નાંખનારા તો તંત્રના જ લોકો છે ને એ લોકો પોતે ગરબડ કરી હોય તો થોડું સામેથી કબૂલવાના છે ?
ચૂંટણી પંચે હાજીપુરમાં સ્ટ્રોંગ રૂમમાં પિકઅપ વાનના આવવા-જવાના આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. પંચના કહેવા પ્રમાણે, હાજીપુરમાં અડધી રાતે આવેલી પિકઅપ વાન સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત જવાનોનો બેડિંગ, ભોજન વગેરે સામાન લઈને અંદર ગઈ હતી અને 15 મિનિટમાં પાછી આવી ગઈ હતી.
સ્ટ્રોંગ રૂમ વાહનની એન્ટ્રી અને એક્ઝિટનો રેકોર્ડ કોલેજ કેમ્પસના મેઇન ગેટ પર તહેનાત સિક્યોરિટી ગાર્ડ્સના રજિસ્ટરમાં નોંધાયો છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે, હાજીપુર સ્ટ્રોંગ રૂમ કોલેજ કેમ્પસમાં બનાવવામાં આવેલો છે અને તેની ત્રણ-સ્તરીય સુરક્ષા કરવામાં આવી છે તેથી કોઈ ગરબડનો સવાલ જ નથી.
પંચનો આ જવાબ પણ શંકાસ્પદ છે કેમ કે સુરક્ષા જવાનોના સામાનની વ્યવસ્થા અચાનક અડધી રાતે કરવી પડે એ વાત જ ગળે ઊતરે એવી નથી. ઈવીએમ રાખવા માટેનો સ્ટ્રોંગ રૂમ ક્યાં હશે એ પહેલેથી નક્કી હોય છે. આ સ્ટ્રોંગ રૂમમાં કેટલા અને ક્યાં ક્યાં જવાનો તૈનાત હશે એ પણ પહેલાંથી નક્કી હોય છે તેથી તેમના રહેવા-જમવાની વ્યવસ્થા પહેલેથી કરી જ દેવાતી હોય છે. તેના માટે અડધી રાત્રે વાન ના મોકલવી પડે, સિવાય કે એ વ્યવસ્થા જાણી જોઈને ના કરાઈ હોય.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારતમાં નાગરિકતા માટે ચોક્કસ સિસ્ટમ જ નથી
ચૂંટણી પંચે હાજીપુર અંગે ગળે ના ઊતરે એવા જવાબો આપ્યા જ્યારે સમસ્તીપુરમાં શું થયું તેનો તો ફોડ જ નથી પાડ્યો. ચૂંટણી પંચ સાચું બોલે છે કે નહીં એ ખબર નથી કેમ કે ચૂંટણી પંચની કોઈ વિશ્વસનીયતા નથી. ચૂંટણી પંચ સત્તામાં બેઠેલા લોકોના તળવાં ચાટે છે અને તેમને જીતાડવાના કાવાદાવામાં ભાગીદાર છે એવા આક્ષેપો થાય છે.
આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે આ આક્ષેપો સાચા લાગે કેમ કે તેનાથી બીજું કશું ભલે સાબિત ના થાય પણ એક વાત તો સાબિત થાય જ છે કે, ચૂંટણી પંચ એકદમ શંકાથી પર રહે એ રીતે ચૂંટણી કરાવવામાં નિષ્ફળ ગયું છે. ચોક્કસ ભાગના સીસીટીવી બંધ થઈ જાય કે સ્ટ્રોંગ રૂમમાં અડધી રાત્રે વાહન જાય તેના કારણે શંકા પેદા થાય જ.
ચૂંટણી પંચનું કામ જ આ પ્રકારની નાની પણ શંકા પેદા ના થાય અને સો ટકા નિષ્પક્ષ તથા આક્ષેપરહિત ચૂંટણી કરાવવાનું છે. ચૂંટણી પંચ એ નથી કરાવી શકતું એ સ્પષ્ટ છે. લોકશાહીમાં ચૂંટણી સંપૂર્ણ નિષ્પક્ષ અને શંકાથી પર હોવી જોઈએ પણ પંચ તેની એ જવાબદારી નિભાવી નથી શકતું તેના કારણે ચૂંટણી પંચ શંકાના દાયરામાં છે.
આઘાત તો એ જોઈને લાગે કે, ચૂંટણી પંચ શંકાસ્પદ હરકતોનો બેશરમ બનીને બચાવ કરે છે અને હાથ ખંખેરી નાખે છે. શંકા થાય એવી ઘટનાઓ બની તેના માટે જવાબદારો સામે પગલાં લેવાની વાત તો છોડો પણ આવી ઘટના કેમ બની તેનો ખુલાસો કરવાની પણ પંચ તસદી નથી લેતું. આમ થયું, તેમ થયું એવા ઉભડક ખુલાસા કરીને આ વાતનો વીંટો વાળી દેવાય છે.
આ વલણ દેશની લોકશાહી માટે ખતરનાક છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સુપ્રીમનો આદેશ સારો પણ રખડતાં ઢોરને રાખવાં ક્યાં?


