એકસ્ટ્રા અફેર: મુનીર, બિલાવલ પછી શાહબાઝ, ભારતને ધમકીઓથી કોઈ ફરક પડતો નથી | મુંબઈ સમાચાર

એકસ્ટ્રા અફેર: મુનીર, બિલાવલ પછી શાહબાઝ, ભારતને ધમકીઓથી કોઈ ફરક પડતો નથી

  • ભરત ભારદ્વાજ

પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર અને બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે ભારતને ધમકી આપી એ વાત તાજી છે ત્યાં હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ વરતાયા છે. શરીફે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા બદલ ભારતને સીધી ધમકી આપતાં કહ્યું છે કે, આપણો દુશ્મન એટલે કે ભારત પાકિસ્તાનના પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં. ભારતે પાકિસ્તાનને પાણી રોકવાની ધમકી આપી છે પણ ભારત પાકિસ્તાનનું પાણી રોકવાનો પ્રયત્ન પણ કરશે તો પાકિસ્તાન ભારતને કદી ના ભૂલાય એવો પાઠ ભણાવશે. સિંધુ નદીનું પાણી પાકિસ્તાનની લાઈફલાઈન છે અને આ જીવાદોરીને કાપવાની કોઈ કોશિશ સહન કરવામાં નહીં આવે. શરીફના કહેવા પ્રમાણે તો ભારત પાકિસ્તાન તરફ વહેતાં પાણીને રોકવાનો પ્રયાસ કરે તો એ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન પણ ગણાશે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ આ રીતે જ સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને સીધી યુદ્ધની ધમકી આપી હતી. બિલાવલે ડંફાશ મારી હતી કે, ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરે તો પાકિસ્તાન પાસે યુદ્ધ સિવાય બીજો વિકલ્પ રહેશે નહીં. બિલાવલે તો એમ પણ કહેલું કે, સિંધુ નદીનું પાણી રોકવાના મોદી સરકારનાં પગલાથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે અને આપણે એક થઈને આ આક્રમક નીતિઓનો જવાબ આપવો પડશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિમાં ત્રણ નદીઓ પાકિસ્તાનને ફાળે અને ત્રણ નદીઓ ભારતના ફાળે ગઈ છે પણ બિલાવલે ફિશિયારી મારી છે કે, પાકિસ્તાન તમામ 6 નદીનાં પાણી ખૂંચવી લેવા માટે લડવા સક્ષમ છે. બિલાવલ પહેલાં પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે પણ આવો જ લવારો કરતાં ધમકી આપી હતી કે, ભારત સિંધુ નદીના પાણી પર ડેમ બનાવશે તો પાકિસ્તાન 10 મિસાઈલ છોડીને આ બંધને ઉડાવી દેશે.

પહેલાં મુનીર, પછી બિલાવલ અને હવે શરીફે ભારતને ધમકીઓ આપવા માંડી તેનો અર્થ એ થયો કે, પાકિસ્તાને પાછું પોતાનું પોત પ્રકાશવા માંડ્યું છે. પાકિસ્તાનના શાસકો પાછા જાત પર આવી ગયા છે અને ભારત સામે ઝેર ઓકવાનો કાર્યક્રમ પાછો શરૂ કરી દીધો છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : અમેરિકા સામે લડવા નક્કર સ્ટ્રેટેજી, મજબૂત ટીમ જોઈએ

પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ બાવીસ એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો કરીને 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. તેના એક દિવસ પછી 24 એપ્રિલે ભારતે પાકિસ્તાન સાથેની 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ આતંકવાદી હુમલા સામે આખી દુનિયામાં થૂ થૂ થઈ ગયું હતું અને લોકો ફિટકાર વરસાવતાં હતાં તેથી પાકિસ્તાની નેતા બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી ગયા હતા પણ હવે ધીરે ધીરે લોકો પહલગામ હુમલાને ભૂલવા માંડ્યા છે એટલે પાકિસ્તાનીઓએ પોતાની જાત બતાવવા માંડી છે. પાકિસ્તાની નેતાઓની દુકાનો ભારતને ગાળો દેવા પર જ ચાલે છે. ભારત સામે ઝેર ઓકીને ભારત વિરોધી ઉન્માદ ઊભો કરવો એ પાકિસ્તાની નેતાગીરીની જીવાદોરી છે એટલે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પાકિસ્તાનીઓએ પાછો એ જ ધંધો માંડી દીધો છે.

ભારતને આ ધમકીઓથી કોઈ ફરક પડતો નથી કેમ કે ભારતે જે નિર્ણય લેવાનો હતો એ લઈ લીધો છે ને પાકિસ્તાન ગમે તેટલા ધમપછાડા કરે એ નિર્ણય બદલાવાનો નથી. ભારતે સિંધુ જળ સંધિને પાકિસ્તાનને પોતે શું કરી શકે છે તેનો અહેસાસ કરાવી જ દીધો છે ને સંધિ ફોક કરીને ભારતે કશું ખોટું કર્યું નથી. પાકિસ્તાન ભારતમાં લોહીની નદીઓ વહેવડાવે અને આપણે પાકિસ્તાનમાં પાણી વહેવા દઈને સાવ નપાણિયા સાબિત થઈએ એ શક્ય નથી એ જોતાં મોદી સરકારનું સિંધુ જળ સંધિ રદ કરવાનું પગલું એકદમ સાચું છે તેમાં મીનમેખ નથી. ભારતે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, આ નિર્ણય અફર છે ને પાકિસ્તાન તૂટીને ત્રણ થઈ જાય તો પણ બદલાવાનો નથી.

આ ધમકીઓ પાકિસ્તાનના નેતાઓની હલકી અને ભારત વિરોધી માનસિકતાનો પરચો છે. આ માનસિકતાના કારણે પાકિસ્તાનના નેતા ભારતે સિંધુ જળ સંધિ રદ કરવાનું પગલું કેમ ભરવું પડ્યું તેની વાત જ કરતા નથી ને બીજી પારાયણ કર્યા કરે છે. ભારતે પાકિસ્તાનનું નાક કેમ દબાવવું પડ્યું તેની વાત કરવાના બદલે પાકિસ્તાનના નેતા બીજી બધી માથાકૂટો કર્યા કરે છે.

સિંધુ જળ સંધિ 1960માં થયેલી ને વર્લ્ડ બેંકે તેમાં મધ્યસ્થી કરેલી. ભારત આટલાં વરસોથી સિંધુ જળ સંધિનો અમલ કરતું જ હતું. સિંધુ સહિતની પારાયણ નદીઓનાં પાણી પર પાકિસ્તાન નભે છે તેથી પાણી બંધ કરીશું તો પાકિસ્તાન તરસ્યું મરી જશે તેની ભારતને ખબર હતી તેથી માનવતાને ખાતર પણ ભારત અત્યાર લગી સિંધુ જળ સંધિનો અમલ કર્યા કરતું હતું પણ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે ભારતની ધીરજ ખૂટી ગઈ એટલે ભારતે આકરા થવું પડ્યું.

આ ધમકીઓ પાકિસ્તાનના રાજકારણીઓ કે આર્મીને પ્રજાની કશી પડી નથી પણ પોતાનો અહમ સંતોષવામાં જ રસ છે તેનો પણ પુરાવો છે. સિંધુ સહિતની નદીઓનાં પાણી રોકવાથી પોતાની જનતા તરફડીને મરવાની છે એ વાતની ખબર હોવા છતાં આ સ્થિતિને કઈ રીતે ટાળી શકાય તેની ચિંતા કરવાના બદલે એ લખોટાઓ ધમકીઓ આપે છે. બાકી પ્રજાની ચિંતા હોય તો આતંકવાદ બંધ ના કરાવે? પાકિસ્તાની પીઠ્ઠુઓ ભારતમાં આતંકવાદ ના ફેલાવે તો પાકિસ્તાન દુનિયાના ક્યા ખૂણામાં સબડે છે તેની ભારતને કંઈ પડી નથી. ભારતને પાકિસ્તાન સાથે નાહવા-નિચોવવાના સંબંધો રાખવામાં પણ રસ નથી પણ પાકિસ્તાને આતંકવાદ જ બંધ કરવો નથી.

પાકિસ્તાનના નેતા ભારત પર આક્રમણની ધમકી આપે છે એ જોઈને ખરેખર હસવું આવે છે. પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવે છે એ સાચું પણ એ સિવાય લશ્કરી મોરચે પાકિસ્તાન અને ભારતની કોઈ સરખામણી શક્ય જ નથી. લશ્કરી તાકાતની રીતે પાકિસ્તાન કરતાં ભારત અનેકગણું ચડિયાતું છે. ભારતે પોતાની લશ્કરી તાકાતનો પરચો પાકિસ્તાનને અનેક વાર આપ્યો છે પણ પાકિસ્તાન પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવામાં માને છે તેથી ભારતને લશ્કરી પછડાટ આપવાનાં સપનાં દિવસે પણ જોયા કરે છે. પાકિસ્તાન પોતાનાં પરમાણુ શસ્ત્રો પર મુશ્તાક છે પણ પરમાણુ શસ્ત્રો ભારત પાસે પણ છે. પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોથી ભારતને નુકસાન કરી શકે તેના કરતાં અનેક ગણું વધારે નુકસાન ભારત પાકિસ્તાનને કરી શકે છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : મોહમ્મદ સિરાજ: 24 કલાકમાં વિલનમાંથી સુપરહીરો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button