એકસ્ટ્રા અફેર: મુંબઈ પછી માલેગાંવ: એનઆઈએ શું કામની? | મુંબઈ સમાચાર

એકસ્ટ્રા અફેર: મુંબઈ પછી માલેગાંવ: એનઆઈએ શું કામની?

  • ભરત ભારદ્વાજ

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવી ગયા અને ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યાં. મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના દિવસે 3 બોમ્બ ધડાકામાં 7નાં મોત થયેલાં ને 80 લોકો ઘાયલ થયેલા. શરૂઆતમાં બોમ્બ બ્લાસ્ટ આતંકવાદી સંગઠન સિમીએ કરાવ્યા હોવાનો દાવો કરાયેલો. કેટલાક મુસ્લિમો સામે શંકાની સોય તકાયેલી પણ તપાસ મહારાષ્ટ્રની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) પાસે ગઈ પછી જોરદાર ટ્વિસ્ટ આવેલો.

એટીએસ દ્વારા ધડાકો કરાયેલો કે, હિન્દુ જાગરણ મંચ અને અભિનવ ભારત નામનાં બે કટ્ટર હિંદુવાદી સંગઠનોએ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલા બોમ્બ ધડાકાનો બદલો લેવા બ્લાસ્ટ કરાવ્યા હતા. આ બ્લાસ્ટ કરવા વપરાયેલી મોટર સાઈકલ સુરતમાંથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ખરીદી હતી અને કર્નલ પુરોહિતને આપી હતી. આર્મીમાં કામ કરી ચૂકેલા કર્નલે બાઈકમાં બોમ્બ ફિટ કરીને આતંકવાદી કૃત્ય કરેલું એવો દાવો મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરાયેલો. એટીએસ દ્વારા ધડાધડ ધરપકડો કરીને સાધ્વી સહિતનાં લોકોને જેલભેગાં કરી દેવાયેલાં.

મુંબઈની ખાસ કોર્ટે 17 વર્ષ પછી આ આખી થિયરી જ બોગસ હોવાનો ચુકાદો આપી દીધો છે. વરસો પહેલાં જેસિકા લાલ મર્ડર કેસમાં માલેતુજારોના નબિરા સહિતના તમામ આરોપી નિર્દોષ છૂટી ગયા પછી એક અખબારે કાળજા સોંસરવો ઊતરી જાય એવો કટાક્ષ કરતું હેડિગ મારેલું કે, નો વન કિલ્ડ જેસિકા. મતલબ કે જેસિકાની હત્યા કોઈએ કરી જ નહોતી. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષ પછી આવેલા ચુકાદાએ એ જ સ્થિતિ લાવી દીધી છે. મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઈએએ જેમને આરોપી ગણાવીને 17 વર્ષ સુધી કેસ ચલાવ્યો, 9-10 વર્ષ જેલમાં રાખ્યાં એ બધાં દોષિત નથી એવું કોર્ટે કહી દીધું છે ને કોઈને સજા કરી નથી તેનો અર્થ એ જ થયો કે, માલેગાંવમાં કોઈએ બ્લાસ્ટ કર્યા નહોતા.

માલેગાંવ બ્લાસ્ટ કેસે એનઆઈએની વિશ્વસનીયતા સામે મોટા સવાલ પેદા કર્યા છે કેમ કે એક જ અઠવાડિયામાં આતંકવાદને લગતો આ બીજો એવો કેસ છે કે જેમાં તમામ આરોપી છૂટી ગયા છે. આ પહેલાં બોમ્બે હાઈ કોર્ટે 2006ના મુંબઈ ટે્રન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ છોડી મૂકેલા. આ કેસમાં મકોકા સ્પેશિયલ કોર્ટના 5 આરોપીને ફાંસી અને 7 આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી પણ હાઈ કોર્ટના જસ્ટિસ અનિલ એસ કિલોર અને શ્યામ સી ચાંડકની ખાસ બેન્ચે ફરિયાદ પક્ષના કેટલાક સાક્ષીઓની વિશ્વસનીયતા અને કેટલાક આરોપીની ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ (TIP) સામે સવાલ કરીને તમામ આરોપીને બાઈજજત બરી કરી દીધા.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : અમેરિકા સામે લડવા નક્કર સ્ટ્રેટેજી, મજબૂત ટીમ જોઈએ

મુંબઈ લોકલ ટે્રનના સાત કોચમાં 11 જુલાઈ, 2006ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 189 લોકો માર્યા ગયાં હતાં અને 824 લોકો ઘાયલ થયા હતા. ભારતમાં બનેલી આતંકવાદની સૌથી મોટી ઘટનાઓમાંથી એક 2006ના મુંબઈ બ્લાસ્ટના 19 વર્ષ પછી તમામ આરોપી છૂટી ગયા એ એનઆઈએ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય. આ શરમકથા ઓછી હોય તેમ માલેગાંવમાં પણ એ જ ચુકાદાનું પુનરાવર્તન થયું છે એ જોતાં એનઆઈએએ તપાસના નામે નાટકો જ કર્યાં છે એ સ્પષ્ટ છે.

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તો શરમજનક વાત પાછી એ છે કે, એનઆઈએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિતનાં આરોપીઓને બચાવવા માટે 10 વર્ષથી મથતી હતી પણ એ પહેલાં એનઆઈએએ જ સાધ્વી પ્રજ્ઞા સહિતના આરોપીઓને 4 વર્ષ જેલમાં ગોંધી રાખેલાં. કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 2011માં આ કેસ એનઆઈએને સોંપાયેલો. એ વખતે એનઆઈએએ એ લોકો આતંકવાદી હોય એ પ્રકારનું વર્તન તેમની સાથે કરેલું. કૉંગ્રેસના નેતાઓને રાજી રાખવા માટે એનઆઈએએ પ્રજ્ઞા સહિતના આરોપીઓ પર આતંકવાદીનું લેબલ ચિપકાવી દીધું ને કેન્દ્રમાં સત્તાપરિવર્તન થયું એ સાથે જ એ લેબલ હટાવવાની મથામણ એનઆઈએએ શરૂ કરી દીધેલી.

લોકસભાની 2014ની ચૂંટણી પછી એનઆઈએએ 2015માં આરોપનામું દાખલ કર્યું તેમાં સાધ્વી પ્રજ્ઞાનું નામ આરોપીઓમાંથી કાઢી નાખ્યું હતું કેમ કે સાધ્વી પ્રજ્ઞા ભાજપનાં સાંસદ બની ચૂક્યાં હતાં. સાધ્વી પ્રજ્ઞા સિવાય પ્રવીણ ટક્કલકી ઉર્ફે પ્રવીણ મુતાલિક ઉર્ફે પ્રદીપ વી. નાઈક અને બીજા બે લોકોને પણ આરોપી નહોતા બતાવાયા. કર્નલ પ્રસાદ પુરોહિત સહિતના બીજા આરોપીઓ સામેના મકોકાની કલમો દૂર કરીને અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન્સ) એક્ટ હેઠળ આરાપો મુકાયા હતા. એનઆઈએએ એ વખતે જ સાધ્વી પ્રજ્ઞા સહિત 4ને ક્લીન ચીટ આપી દીધેલી પણ સુપ્રીમ કોર્ટના ફરમાનના કારણે કેસ ચલાવવો પડેલો.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ શિબુ સોરેન અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનો પર્યાય

સાધ્વી પ્રજ્ઞા સહિતના આરોપીઓ રાજકીય કિન્નાખોરીનો ભોગ બનેલાં અને કૉંગ્રેસે ભગવા ટેરરની થિયરીને સાચી સાબિત કરવા તેમને ફિટ કરી દીધેલાં એવા આક્ષેપો હિંદુવાદી સંગઠનો વરસોથી કરતાં હતાં. આ આક્ષેપો સાચા હોય તો એનઆઈએ 4 વર્ષ સુધી કેમ તેમને આતંકવાદી ગણીને તપાસ કર્યા કરતી હતી ? એ વખતે રાજકીય દબાણ હેઠળ એનઆઈએ વર્તી હોય તો 2015માં પ્રજ્ઞા સહિતનાં આરોપીઓને ક્લીન ચીટ આપ્યા પછી ખરા આરોપીઓ કોણ છે એ શોધવામાં એનઆઈએએ કેમ રસ ના બતાવ્યો ? સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કે કર્નલ પુરોહિત માલેગાંવ બ્લાસ્ટના આરોપીઓ નથી તો આ બ્લાસ્ટ કોણે કરાવ્યા ? 10 વર્ષમાં એનઆઈએ માલેગાંવ બ્લાસ્ટના સાચા આરોપીઓને કેમ શોધી ના શકી ?

એનઆઈએ આતંકવાદ સામે લડવા માટે બનાવાયેલી એજન્સી છે પણ આતંકવાદના બે મોટા કેસોમાં એનઆઈએ આરોપીઓને સજા નથી કરાવી શકી. તેનું કારણ એ કે, એનઆઈએ પણ ઈડી અને સીબીઆઈ સહિતની કેન્દ્ર સરકારના તાબા હેઠળની બીજી એજન્સીઓની જેમ રાજકીય ઈશારે વર્તતો પોપટ બની ગઈ છે. એનઆઈએને આતંકવાદ સામે લડવામાં નહીં પણ રાજકારણીઓને સાચવવામાં રસ છે. એનઆઈએના અધિકારીઓને દૂધ અને દહીં બંનેમાં પગ રાખીને પોતાનાં હિતો સાચવવામાં રસ છે. 2006ના મુંબઈ બ્લાસ્ટ કેસના તમામ આરોપી મુસ્લિમ હતા ને માલેગાંવ બ્લાસ્ટ કેસના તમામ આરોપી હિંદુ હતા. બંને કેસમાં આરોપીઓ છૂટી ગયા તેમાં ક્યા રાજકીય આકાઓ ખુશ થયા એ કહેવાની જરૂર નથી પણ એનઆઈએએ બંનેને સાચવી લીધા છે.

માલેગાંવ બ્લાસ્ટના કેસના ચુકાદાએ બીજા પણ સવાલો પેદા કર્યા છે. ભારતમાં પહેલાં આતંકવાદની ઘટના બને તેમાં પાકિસ્તાનનાં પીઠ્ઠુ આતંકવાદી સંગઠનો સામેલ હોય અને જે પણ પકડાય એ મોટા ભાગે મુસ્લિમો જ હોય એવું બનતું. માલેગાંવ કેસમાં હિન્દુઓની ધરપકડ કરાતાં એ પરંપરા તૂટી પછી કૉંગ્રેસના દિગ્વિજયસિંહ સહિતના નેતાઓએ હિન્દુ ટેરર શબ્દ રમતો મૂકેલો. સવાલ એ છે કે, મુસ્લિમોને રાજી કરવા હિંદુઓને આતંકવાદી સાબિત કરવા માટે કૉંગ્રેસે રાજકીય ષડયંત્ર ઘડેલું ? બીજું એ કે, આ કેસમાં મોટા ભાગના આરોપી વરસો સુધી જેલમાં રહ્યા હતા. એ બધા નિર્દોષ છૂટતાં તેમને ખોટા ગોંધી રાખીને અત્યાચાર કરાયેલા એ સ્પષ્ટ છે. તેના માટે દોષિતો સામે પગલાં લેવાશે?

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : મોહમ્મદ સિરાજ: 24 કલાકમાં વિલનમાંથી સુપરહીરો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button