‘હનુમાન’ની જેમ તેજા સજ્જાની ‘મિરાઈ’ ફિલ્મ સફળ થશે? જાણો આ ફિલ્મની ખાસ વાત

Mirai Movie Review: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજે સાયન્સ-ફિક્શન તથા માઈથોલોજિકલ ફેન્ટેસી ફિલ્મ રિલીઝ થઈ છે. જેનું નામ ‘મિરાઈ’ છે. ‘હનુમાન’ ફિલ્મ બાદ તેજા સજ્જાએ આ ફિલ્મથી થિયેટરમાં વાપસી કરી છે. એડવેન્ચર અને એક્શનથી ભરપૂર આ ફિલ્મને નેટિઝન્સથી ખૂબ પસંદ કરી રહ્યા છે. આવો જાણીએ આ ફિલ્મમાં શું ખાસ છે.
‘મિરાઈ’ની સ્ટોરીમાં શું ખાસ છે?
‘મિરાઈ’ ફિલ્મ કાર્તિક ગટ્ટામણેનીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેજા સજ્જાની સાથે મંચુ મનોજ લીડ રોલમાં છે. તેમની સાથે રિતિકા નાયક, જગપતિ બાબુ અને શ્રિયા સરન પણ સહાયક રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં પ્રભાસનો પણ કેમિઓ રોલ જોવા મળ્યો છે. ફિલ્મમાં બંને લીડ એક્ટર્સની મજબૂત એક્શન અને તીવ્ર ભાવનાત્મક મુકાબલો જોઈને દર્શકો ઉત્સાહિત થઈને થિયેટર્સની બહાર નીકળી રહ્યા છે.

‘મિરાઈ’ એ કલિંગ યુદ્ધ પછી સમ્રાટ અશોકને થયેલા પસ્તાવા પર આધારિત પૌરાણિક કથાને દર્શાવતી ફિલ્મ છે. આ કથા અનુસાર, સમ્રાટ અશોકે દૈવી જ્ઞાનથી ભરપૂર નવ પવિત્ર ગ્રંથોની રચના કરી હતી. ‘મિરાઈ’ એક નિડર યોદ્ધા છે, જે આ નવ પવિત્ર ગ્રંથોની રક્ષા કરે છે. પરંતુ એક કાળી શક્તિ આ ગ્રંથો પર નિયંત્રણ મેળવવા માંગે છે. જેની આ સંઘર્ષગાથા છે. ફિલ્મમાં એક તરફ જુસ્સો અને પરંપરા તો બીજી તરફ શક્તિ અને પડકાર જોવા મળે છે. જોકે, આ ફિલ્મ માત્ર ‘મિરાઈ’ના યુદ્ધ અને બહાદુરી વિશે જ નથી, પરંતુ વારસાની રક્ષા, શ્રદ્ધા અને બલિદાનનું મહત્ત્વ પણ દર્શાવે છે.

દરેક ઉંમરના લોકોએ જોવા જેવી ફિલ્મ
એક્સ પર ‘મિરાઈ’ ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે. થિએટરમાં આ ફિલ્મ જોઈને આવેલા યુઝર્સ એક્સ પર તેના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, સિનેમેટોગ્રાફી સહિતના અનેક પાસાઓની પ્રશંસા કરી રહ્યા છે. દર્શકો જણાવી રહ્યા છે કે, ફિલ્મના ટ્રેલર બાદ અમારી જે અપેક્ષાઓ હતી, તે પૂરી થઈ છે. એક યુઝર્સે એક્સ પર જણાવ્યું કે, “પરિવાર, બાળપણ અને પ્રેમ અને બંધનના મહત્વને સુંદર રીતે ‘મિરાઈ’ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે. જે હૃદયસ્પર્શી છે. ફિલ્મના અદભુત દ્રશ્યો અને ઇમોશનલ સ્ટોરી દર્શકોને આનંદિત કરનારી તથા પ્રેરણાત્મક છે. દરેક ઉંમરના લોકો આ ફિલ્મ જોઈ શકે છે.”

અન્ય એક યુઝર્સે X પર લખ્યું કે, “શાનદાર ફિલ્મ, તેજા સજ્જાની સફળતા ચરમસીમાએ પહોંચી રહી છે. પ્રભાસનો વોઇસઓવર અદ્ભુત છે. ફિલ્મના સેકન્ડ હાફમાં ઘણી બધી ઉચ્ચ ક્ષણો છે જે તેને જોવા યોગ્ય બનાવે છે, તેને થિયેટરોમાં જુઓ.”
4 કરોડથી વધુની કમાણી
ઉલ્લેખનીય છે કે, સીનેહબ નામના ફિલ્મ ક્રિટીકે ‘મિરાઈ’ ફિલ્મને 4 સ્ટાર આપ્યા છે. અંદાજીત 50 કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ અત્યાર સુધી તમામ ભાષાઓમાં મળીને કુલ 4 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. જો તમે પણ એક્શન, સાયન્સ-ફિક્શન અને પૌરાણિક કથાના મિશ્રણવાળી ફિલ્મ જોવા માંગતા હોવ તો ‘મિરાઈ’ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
આ પણ વાંચો…BAAGHI-4: રિવ્યુ લખવા જેવી પણ ફિલ્મ નથી, છતાં લખ્યો છે