નવી દિલ્હી: ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અરજી એકદમ વાહિયાત છે. આ અગાઉ બોમ્બે હાઈ કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી હતી ત્યાર બાદ ફરી સુપ્રીમ કોર્ટે અરજી કરી હતી.
બીજી બાજુ હાઈ કોર્ટે પણ એ જ દલીલ કરતા આદેશ આપ્યો હતો કે દેશભક્ત હોવા માટે પડોશી રાષ્ટ્ર સાથે દુશ્મનીભર્યો વ્યવહાર કરવાનું જરુરી નથી. જસ્ટિસ સુનિલ બી શુકરે અને જસ્ટિસ ફિરદોશ પી પુનાવાલાની ડિવિઝન બેંચ ફૈઝ અનવર કુરેશી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં બોમ્બે હાઈ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે એ સમજવું જોઈએ કે દેશભક્ત બનવા માટે વિદેશમાં રહેતા લોકો તેમાંય વળી ખાસ કરીને પડોશી દેશના લોકો સાથે દુશ્મનાવટ રાખવાની જરૂર નથી. સાચો દેશભક્ત એ વ્યક્તિ છે જે નિઃસ્વાર્થ છે, જે પોતાના દેશને સમર્પિત છે, જે તે દિલથી સારો છે.
એવી કોઇ પણ પ્રવૃત્તિઓ જેના કારણે રાષ્ટ્રીય એકતા જળવાય, આપણી સંસ્કૃતિનો પ્રચાર થાય અને રાષ્ટ્રમાં શાંતિ, એકતા અને સદભાવના લાવે છે એ તમામ બાબતો તમારી દેશભક્તિ ઉજાગર કરે છે. દેશભક્તિ બતાવવા માટે આવી કોઇ અરજી કરવાની જરૂર નથી. વાસ્તવમાં આ અરજી સુનાવણીને પણ યોગ્ય નથી.