ઝુબિન ગર્ગના મૃત્યુ માટે કોણ જવાબદાર? બે લોકો સામે નોંધાઈ FIR

દિસપુર: ફિલ્મ ગેંગસ્ટરના યા અલી અહેમ અલી ગીતની ખૂબ જ જાણીતા થયેલા મૂળ આસામના બોલીવૂડ સિંગર ઝુબિન ગર્ગનું સિંગાપોર ખાતે મોત થતા દેશના સંગીતજગતમાં શોકનો માહોલ ફેલાયો છે. ઝુબિન ગર્ગ નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં ભાગ લેવા સિંગાપોર ગયા હતા. જ્યાં 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સ્કૂબા ડાઈવિંગ દરમિયાન તેમનું મોત થયું હતું. હવે તેમના મૃત્યુને લઈને બે લોકો સામે આસમ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઝુબિન ગર્ગના મૃત્યુ માટે કોણ જવાબદાર
દરેક જાણીતી હસ્તીઓની જેમ ઝુબિન ગર્ગનો પણ સિદ્ધાર્થ સરમા નામનો એક મેનેજર છે. જે તેમની ઇવેન્ટ્સ અને બિઝનેસ કમિટમેન્ટ્સનું ધ્યાન રાખે છે. તાજેતરમાં ઝુબિન ગર્ગ સિંગાપુર ખાતે જે નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં પોતાનું પર્ફોમન્સ આપવાના હતા. આ ફેસ્ટિવલનું આયોજન શ્યામકાનુ મહંતે કર્યું હતું. આ બંને વ્યક્તિઓ સામે આસામના મોરીગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
સિદ્ધાર્થ સરમા અને શ્યામકાનુ મહંત સામે આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે જુબીન ગર્ગને પર્ફોમન્સ કરવાના બહાને વિદેશ લઈ ગયા હતા. બંનેનો હેતુ તેની હત્યા કરવાનો હતો. તેમણે ઝુબિનને લાઈફ જેકેટ વગર પાણીમાં કૂદવા દીધો. જેથી તેમના પર બેદરકારીનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
આસામના મુખ્ય પ્રધાને આપ્યો આદેશ
જુબીન ગર્ગના મૃત્યુને કારણે તેમની પત્ની સૈકિયા સહિતનો તમામ પરિવાર શોકાતૂર છે. આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ પણ ઝુબિન ગર્ગના મૃત્યુને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેની મૃત્યુને લઈને તપાસનો આદેશ આપ્યો છે. તેમણે એક્સ પર લખ્યું હતું કે, “આપણા પ્રિય ઝુબિન ગર્ગના દુર્ભાગ્યપૂર્ણ અને અકાળ અવસાનના સંબંધમાં શ્યામકાનુ મહંત અને સિદ્ધાર્થ સરમા વિરૂદ્ધ ઘણી FIR દાખલ કરવામાં આવી છે. મે આસામના ડીજીપીને તમામ FIR સીઆઈડીને સોંપીને તેની ઊંડી તપાસ માટે એક એકત્રિત કેસ નોંધવાનો અનુરોધ કર્યો છે.”
ઉલ્લેખનીય છે કે, સિંગાપોર ખાતે નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં 20 અને 21 સપ્ટેમ્બરના રોજ ઝુબિન ગર્ગના શૉ થવાના હતા, પરંતુ હવે આજે તેમના મૃતદેહનો આસામ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચો…ઝુબિન ગર્ગના મોત પર આસામ આખું શોકમાંઃ લોકો રસ્તા પર રડતા નજરે ચડ્યા