સાત વર્ષ જૂની ઈચ્છા પૂરી કરવા માટે ફિલ્મમાં રામ ચરણે કોને કાસ્ટ કરી?

મુંબઈ: સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની એક સાત વર્ષ જૂની ઇચ્છા છે અને તેનો સંબંધ છે બોલિવૂડની બેબ્સ જાહન્વી કપૂરની સાથે. હવે ચિરંજીવીની આ ઇચ્છા તેનો પુત્ર તેમ જ સાઉથનો મેગાસ્ટાર રામ ચરણ પૂરી કરવા જઇ રહ્યો છે. ચિરંજીવીએ પોતાની આ ઇચ્છા વિશે સાત વર્ષ પહેલા વાત કરી હતી, જે ટૂંક સમયમાં પુત્ર રામ ચરણ દ્વારા પૂરી કરવામાં આવી શકે.
રામ ચરણ ફિલ્મ આરઆરઆર રિલીઝ થતાની સાથે જ હવે પેન ઇન્ડિયા સ્ટાર બની ગયો છે. આ ફિલ્મ બાદ મોટા મોટા ડાયરેક્ટર તેની સાથે કામ કરવા તલપાપડ થઇ રહ્યા હતા. હવે આવા જ એક ડાયરેક્ટરના પ્રોજેક્ટમાં રામ ચરણ કામ કરે એવી શક્યતા છે. આરસી16 નામના આ પ્રોજેક્ટનું ટાઇટલ હજી સુધી નક્કી નથી થયું, પરંતુ રામ ચરણ સાથે આ ફિલ્મમાં જાહન્વી કપૂરને કાસ્ટ કરવાની શક્યતા છે.
જોકે, આ ફિલ્મ એનાઉન્સ થતાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ચિરંજીવીની ફિલ્મ ‘કૈદી નંબર 150’નો હોવાનું કહેવાઇ રહ્યું છે. આ વીડિયોમાં રામ ચરણ અને તેના પિતા ચિરંજીવી જોવા મળે છે. સાથે સાથે રામ ચરણની ભત્રીજી નિહારીકા કોનિડેયા પણ આ વીડિયોમાં તેમની સાથે દેખાય છે.
વીડિયોમાં નિહારિકા રામચરણને પૂછે છે કે તમારા પિતા એવી કઇ ફિલ્મ છે, જેની રિમેક બનાવવા માગે છે? તેનો જવાબ આપતા ચિરંજીવી કહે છે કે હું ‘ગેંગ લીડર’ ફિલ્મની રિમેક બનાવવાનું પસંદ કરીશ. રામ ચરણ આ ફિલ્મની રિમેક બનાવે એવું હું ઇચ્છું છું. આ ફિલ્મમાં શ્રીદેવી લીડ રોલમાં હોય છે.
ત્યાર બાદ નિહારીકા પૂછે છે કે તમે રામ ચરણની સાથે ઓપોઝિટ લીડમાં કોને કામ કરતા જોવાનું પસંદ કરશો. જેના જવાબમાં ચિરંજીવી હસતા હસતા કહે છે કે શ્રી દેવીની દીકરી છે ને. ચિરંજીવીનો ઇશારો જાહન્વી કપૂર તરફ હોય છે. જોકે, સાત વર્ષ બાદ આખરે તેમની રામ ચરણ અને જાહન્વી કપૂર સાથે કામ કરે, તે ઇચ્છા પૂરી થશે તેવું લાગી રહ્યું છે