આ અજ્ઞાનીને કોણ સમજાવે કે જાવેદ અખ્તર કેવા બલિદાનીઓના પરિવારમાંથી આવે છે

મુંબઈ: જ્યારે પણ બોલીવૂડના કોઈ મુસ્લિમ કલાકાર કે ગાયક દેશભક્તિને લઈને કોઈ વાત કરે છે, ત્યારે કેટલાક ટ્રોલર તેઓને પાકિસ્તાન ચાલ્યા જવાની વાત કરે છે. પરંતુ બોલીવૂડમાં એવા કેટલાક કલાકારો છે, જે આવા ટ્રોલરને જડબાતોડ જવાબ આપે છે. તાજેતરમાં યોજાયેલા સ્વતંત્રતા દિવસ પર આવી જ એક ઘટના સામે આવી છે. જે જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર સાથે જોડાયેલી છે.

જાવેદ અખ્તરે કરી સ્વતંત્રતા દિવસની પોસ્ટ
ભારતના 79માં સ્વતંત્રતા દિવસ પર જાવેર અખ્તરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શુભેચ્છાઓ પાઠવતી પોસ્ટ કરી હતી. દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા જાવેદ અખ્તરે લખ્યું હતું કે, “મારા ભારતીય ભાઈ-બહેનોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. એ ન ભૂલવું જોઈએ કે, આ સ્વતંત્રતા આપણને તૈયાર થાળીમાં મળી ન હતી. આજે આપણે એવા લોકોને યાદ કરવા જોઈએ, જેઓ આપણને આઝાદી અપાવવા માટે જેલમાં ગયા હતા અને ફાંસીએ ચડ્યા હતા. આવો, આ અમૂલ્ય ભેટ ક્યારેય ન ખોવાઈ જાય, એ આપણે સુનિશ્ચિત કરીએ.”
યુઝર્સની કોમેન્ટનો આપ્યો જડબાતોડ જવાબ
જાવેદ અખ્તરની આ પોસ્ટમાં એક યુઝર્સે કોમેન્ટ કરી હતી કે, “તમારો સ્વતંત્રતા દિવસ તો 14 ઓગસ્ટ છે.” યુઝર્સની આ કોમેન્ટથી જાવેદ અખ્તર ભડક્યા હતા. તેમણે યુઝર્સને એવો જોરદાર જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ હતી.
જાવેદ અખ્તરે યુઝર્સની કોમેન્ટના જવાબમાં લખ્યું હતું કે, “બેટા જ્યારે તમારા બાપ-દાદા અંગ્રેજોના તળવા ચાટી રહ્યા હતા, ત્યારે મારા વડીલો દેશની આઝાદી માટે કાલા પાનીમાં મરી રહ્યા હતા. પોતાની ઓકાતમાં રહો.”
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પરદાદાએ લીધો ભાગ
ઉલ્લેખનીય છે કે, જાવેદ અખ્તરના પરિવારે છેલ્લી ચાર પેઢીથી કવિ તરીકેની ઓળખ કાયમ રાખી છે. તેમના પરદાદા ફઝલ-એ-હક ખૈરાબાદી(1797-1861) એક પ્રસિદ્ધ ભારતીય ઇસ્લામી વિદ્વાન, કવિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમણે બ્રિટિશ સરકારનો વિરોધ કર્યો હતો. જેથી તેમને કાલા પાનીની સજા કરવામાં આવી હતી. જ્યાં તેમનું નિધન થયું હતું. અંગ્રેજો શાસન દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓને અંદમાનની જેલમાં કાલા પાનીની સજા માટે મોકલવામાં આવતા હતા. જ્યાં ચારેબાજુ દરિયો હતો.
આપણ વાંચો: આ બિહારી બાળકોની વ્યથાથી સોનૂ સૂદનું હૃદયતો પિગળ્યું, પણ સરકાર શું કરે છે?