વિદ્યા બાલન નહીં, આ બોલીવુડ ક્વિન હતી ‘ધ ડર્ટી પિક્ચર’ની પહેલી પસંદ…

મુંબઈઃ બોલીવુડની જાણીતી વિદ્યા બાલન એક ઉમદા બોલીવુડ અભિનેત્રી છે. તે દરેક પાત્રને એટલો બખૂબી ભજવે છે કે તેનો અભિનય ચાહકોના હૃદયને સ્પર્શી જાય છે. તેણે “ધ ડર્ટી પિક્ચર” માં પણ આવી જ કમાલ કરી હતી. તે ફિલ્મમાં ‘સિલ્ક’ના રોલમાં એટલી ડૂબી ગઈ હતી કે આજે પણ દર્શકો આ ફિલ્મમાં તેના અભિનયના વખાણ કરતા થાકતા નથી.
પણ જો અમે તમને કહીએ કે “ધ ડર્ટી પિક્ચર”ના નિર્માતાઓ વિદ્યા બાલનને તેમાં કાસ્ટ કરવા માંગતા નહોતા, તેના બદલે કોઈ બીજી અભિનેત્રીને લેવા માંગતા હતા તો શું તમે માનશો? ચાલો જાણીએ કે વિદ્યા પહેલા કઈ અભિનેત્રીને આ ભૂમિકા ઓફર કરવામાં આવી હતી.

“ધ ડર્ટી પિક્ચર” 2011માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક અભિનેત્રીના વાસ્તવિક જીવન પર આધારિત હતી. નિર્માતાઓએ શરૂઆતમાં બોલીવુડની ક્વિન ગણાતી કંગના રનૌતને મુખ્ય ભૂમિકા ઓફર કરી હતી. કંગનાએ પોતે એક વખત ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે મને આ ભૂમિકા ન કરવાનો કોઈ અફસોસ નથી. આ એક અદ્ભુત ફિલ્મ છે. પણ મને નથી લાગતું કે હું તેને વિદ્યા બાલન કરતાં વધુ સારી રીતે ભજવી શકી હોત.
“ધ ડર્ટી પિક્ચર”માં વિદ્યા બાલન, ઇમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર જેવા સ્ટાર્સે અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં અભિનેત્રી સિલ્ક સ્મિથાની વાર્તા દર્શાવવામાં આવી હતી. આશરે 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર 117 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એટલું જ નહીં, આ ફિલ્મ વિદ્યા બાલનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે.
વિદ્યા બાલનની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ “દો ઔર દો પ્યાર”માં જોવા મળી હતી. કંગના રનૌત છેલ્લે “ઇમર્જન્સી”માં જોવા મળી હતી, જેમાં તેણે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો…માધુરી દીક્ષિત સાથે પર્ફોર્મ કરતી વખતે લપસ્યો વિદ્યા બાલનનો પગ તો….