‘Coolie’ film review: રજનીકાંત સાથે ઉદયનિધિ સ્ટાલિને નિહાળી ફિલ્મ, શું આપી પ્રતિક્રિયા?

ચેન્નઈ: સ્વતંત્રતા દિવસ પહેલા સાઉથની ફિલ્મોમાં સુપર સ્ટાર તરીકે ઓળખાતા રજનીકાંત પોતાની એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. 14 ઓગસ્ટે રજનીકાંતની ફિલ્મ ‘કૂલી’ રિલીઝ થશે, જેમાં રજનીકાંત સિવાય નાગાર્જુન, આમિર ખાન, ઉપેન્દ્ર, સત્યરાજ, શ્રુતિ હસન જેવા અભિનેતાઓ પણ જોવા મળશે.
આ ફિલ્મ કેવી હશે? ફિલ્મનું ટ્રેલર જોઈને ફિલ્મ સમીક્ષકો પોતાનું અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે હવે દક્ષિણની ફિલ્મોના અભિનેતા અને તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાને ‘કૂલી’ ફિલ્મનો રિવ્યુ આપ્યો છે.
ઉદયનિધિ સ્ટાલિને નિહાળી ફિલ્મ
તમિલનાડુ ખાતે આજે ‘કૂલી’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મ નિહાળવા માટે તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ અભિનેતા ઉદયનિધિ સ્ટાલિન પણ હાજર રહ્યા હતા. ઉદયનિધિ સ્ટાલિને રજનીકાંત સાથે ‘કુલી’ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ ઉદયનિધિ સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફિલ્મનો રિવ્યૂ આપ્યો હતો.
ઉદયનિધિ સ્ટાલિને એક્સ પર લખ્યું હતું કે, “અમારા સુપરસ્ટાર રજનીકાંતસરને ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ આપતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી તેમની ફિલ્મ આવતીકાલે રિલીઝ થનારી તેમની ‘કૂલી’ ફિલ્મ જોવાનો મોકો મળ્યો. દમદાર અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ જોઈને મજા આવી અને મને વિશ્વાસ છે કે તે દુનિયાભરના દર્શકોના દિલ જીતી લેશે. ફિલ્મની સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ.”
એડવાન્સ બુકિંગ 75 કરોડને પાર પહોંચ્યું
‘કૂલી’ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે. દક્ષિણના પ્રખ્યાત નિર્દેશક લોકેશ કનાગરાજે પહેલીવાર રજનીકાંત સાથે કામ કર્યું છે. જોકે, ‘કૂલી’ ફિલ્મ સાથે ‘વોર 2’ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. રિતિક રોશન અને જુનિયર એનટીઆરની આ એક્શન ડ્રામાથી ભરપૂર ફિલ્મ પણ ‘કૂલી’ ફિલ્મને ટક્કર આપવાની છે. જોકે ‘કૂલી’નું એડવાન્સ બુકિંગ અત્યાર સુધીમાં 75 કરોડનો આંકડો વટાવી ચૂક્યું છે.
આ પણ વાંચો…રજનીકાંતનો વટ જોયોઃ coolie ફિલ્મની એડવાન્સ બુકિંગ સારી થઈ તો પોતાનો ચાર્જ પણ વધારી દીધો…