ક્રિસમસ પર કાર્તિક-અનન્યાનું કમબેક ફ્લોપ: ‘તું મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું બોક્સ ઓફિસ પર સુરસુરિયું!

મુંબઈ: આજના સમયમાં બેસતું વર્ષ, ઈદ અને ક્રિસમસ જેવા તહેવારો પર ફિલ્મો રિલીઝ કરવાનું ચલણ વધ્યું છે. ભૂતકાળમાં આ તહેવારો પર રિલીઝ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું છે. પરંતુ તાજેતરમાં ક્રિસમસ પર રિલીઝ થયેલી ‘તું મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ ફિલ્મને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો નથી. એવું તેના બોક્સ ઓફિસ કલેક્શન પરથી જણાઈ રહ્યું છે.

8 લાખનો આંકડો પણ પાર ન કરી શકી ફિલ્મ
2019માં ‘પતિ પત્ની ઔર વો’ જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ફરી એકવાર ફિલ્મી પડદે એકસાથે જોવા મળ્યા છે. ફિલ્મમાં નીના ગુપ્તા જેવા કલાકારોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મ રિલીઝ પહેલા તેના ગીતો પણ લોકપ્રિય બન્યા હતા. પરંતુ આ ફિલ્મ ફિલ્મીરસિકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહી છે.

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેના ભારે પ્રમોશન બાદ 25 ડિસેમ્બર, 2025ને ક્રિસમસ જેવા તહેવારના દિવસે થિયેટરમાં રિલીઝ થયેલી ‘તું મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ ફિલ્મે પહેલા દિવસે માત્ર 7.50 લાખ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મીની કમાણીનો આંકડો ફિલ્મના મેકર્સ માટે નિરાશાજનક રહ્યો છે.
ત્રીજા અઠવાડિયે પણ ‘ધુરંધર’ની શાનદાર કમાણી
સમીર વિદ્વંસના ડિરેક્શનમાં અંદાજીત 90 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘તું મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર નબળી સાબિત થઈ છે. વીકેન્ડમાં આ ફિલ્મની કમાણી વધશે એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. જોકે, ત્રીજા અઠવાડિયાએ પણ બોક્સ ઓફિસ પર’ધુરંધર’ ફિલ્મનો જાદુ યથાવત રહ્યો છે. ક્રિસમસના દિવસે ‘ધુરંધર’ ફિલ્મે 26 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી.



