‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ ટપ્પુ પાછો ફરશે? અભિનેતાએ આપ્યું મોટું નિવેદન…

મુંબઈ: છેલ્લા 17 વર્ષથી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” (TMKOC)શો ભારતવાસીઓનો લોકપ્રિય ટેલિવિઝન શો બની રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ શોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઘણા કલાકારો આ શો છોડીને ચાલ્યા ગયા છે. જેમાં આ સીરિયલ સાથે શરૂઆતથી જોડાયેલા ભવ્ય ગાંધીનો પણ સમાવેશ થાય છે. ટપ્પુનું પાત્ર ભજવીને ભવ્ય ગાંધી ઘરે-ઘરે જાણીતો બની ગયો છે. જોકે, હવે ભવ્ય ગાંધીએ શોમાં પાછા ફરવા અંગે મોટું નિવેદન આપ્યું છે.
પૈસા માટે શો છોડવાની અફવા
ભવ્ય ગાંધી 2008માં એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો સાથે જોડાયો હતો. તારક મહેતાના લોકપ્રિય પાત્ર ‘ટપ્પુ’ની ભૂમિકા તેણે બખૂબી નિભાવી હતી. જોકે,2017માં તેણે શો છોડીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલ તે ગુજરાતી સિનેમામાં સક્રિય છે. તાજેતરમાં ભવ્ય ગાંધીએ લાંબા સમય પછી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છોડવાના કારણો અને તેની સંભવિત વાપસી અંગે મીડિયા સાથે વાત કરી છે.
ભવ્ય ગાંધીએ નાણાકીય કારણોસર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છોડ્યો એવી અફવા વહેતી થઈ હતી. જેની સ્પષ્ટતા કરતા ભવ્ય ગાંધીએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે “મેં ક્યારેય પૈસા માટે કામ કર્યું નથી. મેં પૈસા માટે શો પણ છોડ્યો નથી.”

મને કેટલી ફી મળતી, એની ખબર નથી
TMKOCના શો માટે શું તમને પ્રતિ એપિસોડ દસ હજાર રૂપિયા મળતા હતા? આ સવાલના જવાબમાં ભવ્ય ગાંધીએ જણાવ્યું કે, “ના, મને ખબર નથી કે શો માટે મને કેટલા પૈસા ચૂકવવા આવતા હતા. કારણ કે હું નાનો હતો. મારા માતા-પિતા બધું સંભાળતા હતા. મેં તેમને પૂછ્યું નથી કે મને એક શો માટે કેટલો પગાર મળ્યો હતો.”
જ્યારે ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે શોમાં પાછા ફરવા માંગે છે, તો તેણે સકારાત્મક જવાબ આપ્યો કે, “હા, કેમ નહીં? હું ચોક્કસપણે શોમાં પાછા જવા માંગુ છું. મારા જીવનમાં મને પૂર્ણતા મળશે.” ભવ્યના આ નિવેદનથી ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ભવ્ય ગાંધીના શો છોડ્યા પછી રાજ અનકટે ટપ્પુની ભૂમિકા ભજવી હતી, અને હાલમાં આ પાત્ર તેજસ્વી ભવાની ભજવી રહ્યા છે. ભવ્યએ એમ પણ કહ્યું કે નિર્માતા અસિત મોદી તેની પ્રતિભાને ઓળખનાર સૌપ્રથમ વ્યક્તિ હતા.
આ પણ વાંચો…It’s too hot: તારક મહેતા…ની આ કલાકારનો બિકની લૂક જોઈ યુઝર્સ કેમ ભડકી ગયા



