TMKOCમાં દયાભાભી ક્યારે પાછા આવશે? અબ્દૂલે કર્યો ખુલાસો

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લાં કેટલાય સમયથી દયાભાભીની ખોટ વર્તાઈ રહી છે. જેઠાલાલના પત્ની દયાભાભીનું પાત્ર ભજવતા દિશા વાકાણીએ ગર્ભાવસ્થાના કારણે બ્રેક લીધા બાદ શોમાં પાછા ફર્યા નથી. શોના દર્શકો અનેકવાર દયાભાભી તરીકે જાણીતા બનેલા દિશા વાકાણીના કમબેકને લઈને જાત જાતની અટકળો લગાવી ચૂક્યા છે. ત્યારે હવે શોના એક એક્ટરે દિશા વાકાણીની શોમાં વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
દર્શકો દયાબેનને પણ યાદ કરી રહ્યા છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અબ્દૂલનું પાત્ર ભજવતા શરદ સંકલાએ દિશા વાકાણીના કમબેકને લઈને મોટો ખુલાસો કર્યો છે. મીડિયા સાથે વાત કરતા શરદ સંકલાએ જણાવ્યું હતું કે, “આ હવે શક્ય હોય, એવું મને લાગતું નથી. પરંતુ કશુ કહી શકાય તેમ નથી. એવું થઈ પણ શકે અને ન પણ થઈ શકે. મેં અગાઉ પણ કહ્યું હતું કે, કોઈ પણ એક્ટર શો છોડીને જાય, એવું અમારા પ્રોડ્યુસર ઇચ્છતા નથી.”
શરદ સંકલાએ આગળ જણાવ્યું કે, “દિશા વાકાણી આઠ વર્ષ પહેલા શો છોડી ચૂક્યા છે અને હજુ પણ શો સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. આ વાતને આઠ વર્ષ વિતી ગયા છે. લોકો હજુ પણ શો જોઈ રહ્યા છે. છેલ્લા 8 વર્ષોથી દર્શકો દયાબેનને પણ યાદ કરી રહ્યા છે. જેનાથી એ ખબર પડે છે કે, દર્શકો હજુ પણ તેમની વાટ જોઈ રહ્યા છે. અસિત કુમાર મોદી પણ તેમની વાટ જોઈ રહ્યા છે. જો તેઓ શોમાં પાછા આવશે તો તે શાનદાર વાત હશે અને જો પાછા નહીં ફરે તો પછી બીજો કોઈ રસ્તો શોધવો પડશે.”
ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણીએ સપ્ટેમ્બર 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો હતો. માતા બન્યા બાદ તેઓ પોતાના ઘર-સંસારમાં વ્યસ્ત થઈ ગયા છે. જેથી તેઓ શોમાં પાછા ફરવા વિશે હાલ વિચારી રહ્યા નથી, એવું સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.
આ પણ વાંચો…TMKOC લવર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, બાપુજી ઉર્ફે ચંપકચાચા થયા ગુમ, મળ્યા એવી હાલતમાં કે…



