મનોરંજન

5 વર્ષ બાદ સામે આવ્યું શ્રીદેવીના મૃત્યુનું સાચું કારણ, બોની કપૂરે ખુદ કબૂલાત કરી કે..

24 ફેબ્રુઆરી 2018નો એ દિવસ લોકો ક્યારેય ભૂલી નહી શકે. એ દિવસે બોલીવુડની ‘ચાંદની’ એ સદાયને માટે દુનિયાને અલવિદા કહી દીધું. શ્રીદેવીના કેટલાય ચાહકો હજુ પણ અભિનેત્રીના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. આ સમાચાર જ્યારે બહાર આવ્યા તે સમયે જ કેટલાક લોકોને આખી ઘટના જ એક અફવા લાગેલી.

ભારતથી દૂર દુબઇમાં કોણજાણે કેવા સંજોગોમાં ચાહકોના હૃદય પર રાજ કરનારી આ અભિનેત્રીએ અંતિમ શ્વાસ લીધા તે રહસ્ય 5 વર્ષ સુધી અકબંધ રહ્યું. સમગ્ર ઘટનામાં અભિનેત્રીના પરિવારજનો તરફથી પણ ક્યારેય કોઇ નિવેદન બહાર આવ્યું નથી. હવે શ્રીદેવીના મૃત્યુના 5 વર્ષ બાદ તેના પતિ બોની કપૂરે આખરે મૌન તોડ્યું છે અને તેના મોતનું સાચું કારણ આપવાનો પ્રયાસ કર્યો છે.

એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં બોની કપૂરે કહ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ એક અકસ્માત હતું. મેં આટલા વર્ષો એટલા માટે મૌન જાળવી રાખ્યું કારણકે મને સતત આ વિશે પૂછપરછ કરવામાં આવી હતી અને મેં સતત 48 કલાક આના પર વાત કરી હતી.

બોની કપૂરે જણાવ્યું,”અધિકારીઓએ મને કહ્યું હતું કે તેઓ મીડિયા પ્રેશરને કારણે મારી સાથે આવું વર્તન કરી રહ્યા છે. તેમને પણ ખ્યાલ આવી ગયો હતો કે આમાં કોઇ છેતરપિંડી નથી. મારા પર લગભગ તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા, લાઇ ડિટેક્ટર ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ બાદ રિપોર્ટમાં બહાર આવ્યું કે તેના મૃત્યુનું કારણ આકસ્મિક હતું.”

મૃત્યુના સમયે શ્રીદેવી ડાયેટ પર હતી, એવું જણાવતા બોની કપૂરે કહ્યું, “તે હંમેશા ડાયટ પર રહેતી. તેને સારું દેખાવું હતું. તે સ્ક્રીન પર હંમેશા યંગ દેખાવાના પ્રયાસો કરતી. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે કેટલાક કિસ્સામાં તેને બ્લેક આઉટના અનુભવ થતા, ત્યારે ડોક્ટરે તેને કહ્યું હતું કે તેને લો બીપીની સમસ્યા છે.”

“નાગાર્જુને પણ એક વખત કહ્યું હતું કે તે બાથરૂમમાં બેભાન થઇ ગઇ હતી. આ ખૂબ દુખદ હતું. નાગાર્જુન જ્યારે શ્રીદેવીના નિધન બાદ મારા ઘરે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે એક વખત શૂટિંગમાં આ જ રીતે શ્રીદેવી બાથરૂમમાં બેભાન થઇ ગઇ હતી અને તેમનો દાંત તૂટી ગયો હતો.” બોનીએ જણાવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button