‘ધ રાજાસાબ’ ફિલ્મના સ્ક્રીનિંગમાં ફેન્સે લગાવી આગ: યુઝર્સે સિવિક સેન્સ પર ઉઠાવ્યા સવાલ

ભૂવનેશ્વર: બે વર્ષના બ્રેક બાદ પ્રભાસ ફરીથી ફિલ્મી પડદે જોવા મળ્યો છે. પ્રભાસની ‘ધ રાજાસાબ’ ફિલ્મ થિએેટરમાં રિલીજ થઈ ચૂકી છે. પહેલા દિવસે આ ફિલ્મને પ્રભાસના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સાહ એટલી હદે વધી ગયો હતો કે, ઓડિસાના એક થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન ફેન્સે આગ લગાવી દીધી હતી.
દર્શકોએ આગ ઠારી, જાનહાનિ નહીં
ઓડિશાના અશોક થિએટરમાં પ્રભાસની ‘ધ રાજાસાબ’ ફિલ્મનું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઓડિયન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આવા સમયે કેટલાક ઉત્સાહી લોકો થિએટરના પડદા પાસે કન્ફેટી સળગાવી રહ્યા હતા. પડદા આગળ બીજા રંગીન કાગળનો ઢગલો હતો. જેને આગ પકડી હતી. પરંતુ થિએટરમાં હાજર લોકોએ મોડું કર્યા વગર આગને ઠારી દીધી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તમારામાં સિવિક સેન્સ જેવું કશુ છે કે નહીં
એક યુઝરે કોમેન્ટ કરીને લોકોની સિવિક સેન્સ પર સવાલ ઉઠાવતા લખ્યુ હતું કે, ઓ મુર્ખાઓ, તમે ફક્ત એના માટે 200, 500 અથવા 1000 રૂપિયાની ટિકિટ લીધી છે, તમને એવું લાગે છે કે, જ્યારે તમે થિએટર સળગાવી દેશો, ત્યારે અમે ઉભા થઈને જોતા રહીશું? મુર્ખાઓ, તમારામાં સિવિક સેન્સ જેવું કશુ છે કે નહીં? હું પણ પ્રભાસનો ચાહક છું! પરંતુ આવી હલકી હરકતો શા માટે?
બીજા એક યુઝરે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, “આ પ્રભાસના ફેન્સની મેચ્યોરિટી છે. હું ડાર્લિંગની વાત નથી કરી રહ્યો, હું ફેન્સની વાત કરી રહ્યો છું. તમારે આવું કરવું ન્હોતું જોઈતું. કૃપયા સમજદાર વડીલો જેવું વર્તન કરો. આ તમારું ઘર નથી, આ બહુ ખોટું છે. તમારું આ પ્રકારનું વર્તન પ્રભાસનું નામ ખરાબ કરી રહ્યું છે.” ત્રીજા એક ફેન્સે લખ્યું કે, “આ બધા પર પ્રતિબંધ લાદવો જોઈએ. આ ભયાનક છે. જેનાથી જીવનું જોખમ છે.”
ઉલ્લેખનીય છે કે, ‘ધ રાજાસાબ’ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. આ ફિલ્મે ‘ધુરંધર’ ફિલ્મને પણ ફિક્કી પાડી દીધી છે. ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ‘ધ રાજાસાહબ’ ફિલ્મે પહેલાં દિવસે 15.34 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ પણ વાંચો…બોક્સઓફિસ પર પ્રભાસનો દબદબો: ‘ધ રાજાસાબ’ સામે ‘ધુરંધર’ ફિક્કી પડી, જાણો કેટલી કમાણી કરી



