‘શોલે’ના 50 વર્ષ: કટોકટીએ ક્લાઈમેક્સ પર કાતર ફેરવી, તેમ છતાં ફિલ્મ કેવી રીતે સુપરહીટ બની?

50 years of Sholay film: ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા 25 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, જે 21 માર્ચ 1977 સુધી ચાલુ રહી. જેને તાજેતરમાં 50 વર્ષ પૂરા થયા હતા.
આ કટોકટી દરમિયાન એક ફિલ્મ રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો હતો. કદાચ તમે ફિલ્મના નામનું અનુમાન લગાવી લીધું હશે. આ ફિલ્મનું નામ છે ‘શોલે’. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અમજદ ખાન, હેમા માલિની, જયા બચ્ચન અને સંજીવ કુમાર સહિતના અનેક સ્ટાર અભિનેતા-અભિનેત્રીઓને ફિલ્માવતી આ ફિલ્મ 15 ઓગસ્ટ 1975ના રોજ રિલીઝ થઈ હતી. પ્રિન્ટ મીડિયાની જેમ આ ફિલ્મ પર પણ કટોકટીની અસર પડી હતી. આ અસર કેવી રીતે પડી હતી? આવો જાણીએ.
શોલે ફિલ્મે બનાવ્યા અનેક રેકોર્ડ

રિલીઝ થયાના પહેલા અઠવાડિયામાં ‘શોલે’ ફિલ્મ ખાસ ચાલી ન હતી. પરંતુ ત્યારબાદ આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 3 કરોડમાં બનેલી આ ફિલ્મે એ સમયે 15.50 કરોડની કમાણઈ કરી હતી.
સમગ્ર વિશ્વમાં ‘શોલે’ ફિલ્મની 25 કરોડથી વધારે ટિકિટ વેચાઈ હતી. આ ફિલ્મે ભારતમાં 60 ગોલ્ડન જ્યુબલીનો રેકોર્ડ બનાવ્યો હતો. 100થી વધુ સિનેમાઘરોમાં સિલ્વર જ્યુબલી ઉજવવામાં આવી હોય, એવી ‘શોલે’ ફિલ્મ પ્રથમ હતી.
સલીમ-જાવેદની જોડીએ ‘શોલે’ ફિલ્મની પટકથા અને સંવાદ લખ્યા હતા. સલીમ-જાવેદે લખેલા સંવાદોને આજે પણ લોકો યાદ કરે છે. ગબ્બરનો ‘કિતને આદમી થે’ તથા મેક મોહનનો ‘દો થે સરકાર’ જેવા સંવાદો આજે પણ લોકોને યાદ છે.
સલીમ-જાવેદની જોડી પૈકીના જાવેદ અખ્તરના દીકરા ફરહાન અખ્તરે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ઈન્ટરવ્યુ આપ્યું હતું. પોતાના ઈન્ટરવ્યુમાં ફરહાન અખ્તરે કટોકટી દરમિયાન સરકાર દ્વારા ‘શોલે’ ફિલ્મમાં કરવામાં આવેલા હસ્તક્ષેપ અંગે વાત કરી હતી.
આપણ વાંચો: `શોલે’ની આ અનોખી સિદ્ધિ વિશે જાણો છો?
સરકારે ફિલ્મનો ક્લાઈમેક્સ બદલાવ્યો

ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે, “શોલે તમારા પર ગાઢ પ્રભાવ પાડે છે. તેના તમામ પાત્રો રસપ્રદ હતા. એવું નથી કે માત્ર જય અને વીરૂ જ રોમાંચક હતા. જેલર, સૂરમા ભોપાલી, ગબ્બર અને બસંતી સહિતના તમામ પાત્રો સરસ હતા.
ફિલ્મનું ડિરેક્શન પણ શાનદાર હતું. ફિલ્મના સીન એ વિચારવા માટે મજબૂર કરી દે છે કે, તેનું શૂટિંગ કેવી રીતે થયું હશે? એ સમયે કોઈ વીએફએક્સ પણ ન હતા. તેમ છતાં સિનેમાઘરોમાં ફિલ્મને નિહાળવાનો અનુભવ અદ્ભૂત હતો.”
ફરહાન અખ્તરે આગળ જણાવ્યું કે, “સલીમ-જાવેલી ફિલ્મના ક્લાઈમેક્સમાં જય-વીરૂં ગબ્બરને મારી નાખે છે, એવું લખ્યું હતું. પરંતુ કટોકટીના કારણે તેમને ક્લાઈમેક્સ બદલવો પડ્યો હતો. જેમાં ઠાકુર ગબ્બરને પોતાના પગ વડે કચળીને મારે છે અને અંતે પોલીસ તેની ધરપકડ કરે છે. મારા પિતા અને સલીમ સાહેબને આ ફિલ્મનો સીન બદલવો પડ્યો હતો.”
‘શોલે’ની સ્ટોરી પર આધારિત બે ફિલ્મો
ઉલ્લેખનીય છે કે, ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવા અંગે રમેશ સિપ્પીએ પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડ મને ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવા માટે મજબૂર કર્યો હતો.
સેન્સર બોર્ડને ફિલ્મના ક્લાઈમેક્સના ઘણા સીનને લઈને વાંધો હતો. તેથી મને કહેવામાં આવ્યું કે, તમારે ક્લાઈમેક્સ બદલવો પડશે. હું રાજી ન હતો. પરંતુ ફિલ્મ રિલીઝ કરવા માટે મને આવું કરવું પડ્યું.
ઉલ્લેખનીય છે કે, ‘શોલે’ ફિલ્મના રિલીઝ થયાના 22 વર્ષ બાદ માલેગાંવના નાસિર નામના ડિરેક્ટરે ‘માલેગાંવ કી શોલે’ નામની ફિલ્મ હતી. જે ‘શોલે’ ફિલ્મનું પેરોડી વર્ઝન હતું. આ સિવાય ‘શોલે’ ફિલ્મના રિલીઝ થયાના 32 વર્ષ બાદ રામ ગોપાલ વર્માએ 2007માં ‘આગ’ ફિલ્મ બનાવી હતી. જે ઓરિજનલ ‘શોલે’ ફિલ્મ પર આધારિત હતી.
જોકે, આ ફિલ્મની ખૂબ ટીકા થઈ હતી. કોપિરાઈટના ઉલ્લંઘનને લઈને રામગોપાલ વર્માને દિલ્હી હાઈકોર્ટે દંડ પણ ફટકાર્યો હતો. આગામી 15 ઓગસ્ટના રોજ આ ફિલ્મને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ ફિલ્મ નિહાળીને તેની યાદો તાજી કરવી જોઈએ.