મનોરંજન

સાઉથ સ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન’ સંકટમાં: સેન્સર બોર્ડે અટકાવી, જાણો વિવાદ?

મુંબઈ: દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા થલાપતિ વિજયે જાહેર કર્યું છે કે ‘જના નાયકન’ તેની અભિનય કારકિર્દીની છેલ્લી ફિલ્મ હશે, ત્યાર બાદ તેઓ સંપૂર્ણપણે રાજકારણમાં ઝંપલાવશે. નવમી જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ માટે ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે, પરંતુ રિલીઝના ગણતરીના કલાકો બાકી હોવા છતાં હજુ સુધી સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી. આ સ્થિતિને કારણે ફિલ્મના મેકર્સની મુશ્કેલીઓ વધી ગઈ છે અને મામલો હવે હાઈકોર્ટના દરવાજે પહોંચ્યો છે.

આ વિવાદ પાછળનું મુખ્ય કારણ ફિલ્મની સ્ટોરી અને વિજયની રાજકીય સફર હોવાનું મનાય છે. ફિલ્મનો ટ્રેલર દર્શાવે છે કે વિજયનો કિરદાર સામાન્ય જનતાને ભ્રષ્ટાચાર સામે લડવા અને સરકારને સવાલો પૂછવા માટે પ્રેરિત કરે છે. વિરોધીઓનો આરોપ છે કે વિજય ‘એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ’ ફિલ્મો દ્વારા પોતાની ‘જનતાના હીરો’ વાળી છબી બનાવી રહ્યા છે, જેનો સીધો લાભ તેઓ આગામી ચૂંટણીઓમાં રાજકીય રીતે મેળવવા માંગે છે. આ કારણોસર સેન્સર બોર્ડે સર્ટિફિકેટ અટકાવી રાખ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ફિલ્મના પ્રોડક્શન હાઉસે મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી કરી છે કે સેન્સર બોર્ડ ગેરવાજબી રીતે સર્ટિફિકેટ રોકી રહ્યું છે, જેના કારણે તેમને કરોડોનું નુકસાન થઈ શકે છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટના ન્યાયાધીશ સંકેત આપ્યો છે કે આ મામલે અંતિમ સુનાવણી 9 જાન્યુઆરીની સવારે જ સંભળાવવામાં આવી શકે છે. આ અનિશ્ચિતતાને કારણે અત્યાર સુધી ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ પૂર્ણ રીતે શરૂ થઈ શક્યું નથી.

તમિલનાડુમાં સિનેમાને સીડી બનાવીને રાજકારણમાં સફળ થવાની પરંપરા રહી છે. વિજયે અગાઉ પણ ‘કથ્થી’, ‘મર્સલ’ અને ‘સરકાર’ જેવી ફિલ્મો દ્વારા સામાજિક અને રાજકીય મુદ્દાઓ ઉઠાવ્યા છે. ‘જના નાયકન’ તેમની જનતાના નેતા તરીકેની ઈમેજને વધુ મજબૂત કરે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે 9 જાન્યુઆરીએ આ ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચે છે કે પછી ચાહકોએ વધુ રાહ જોવી પડશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button