
આખો દેશ કાલે હારના ગમમાં ડૂબી ગયો હતો અને હવે ધીરે ધીરે દેશવાસીઓ આ ગમને ભૂલાવીને પોતાના રોજિંદા જીવનમાં આગળ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો હાર માટે જાત જાતના કારણો આપી રહ્યા છે અને લોકો પર દોષનું ટોપલું ઢોળી રહ્યા છે.

હેડિંગ વાંચીને તમને પણ એ જાણવાની તાલાવેલી તો થઈ જ ગઈ હશે કે આખરે ટીમ ઈન્ડિયાની હાર માટે આખરે કોણ જવાબદાર છે અને સોશિયલ મીડિયા પર લોકોએ આ વ્યક્તિને ટીમ ઈન્ડિયાની હારનું કારણ ગણાવીને તેને ખરી ખોટી સંભળાવવામાં કઈ જ બાકી નથી રાખ્યું. આવો જોઈએ કોણ છે એ વ્યક્તિ અને લોકોએ એને શું-શું સંભળાવ્યું છે-
આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન જ છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવીને વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો છે. જોકે, જેવું ભારત મેચ હાર્યું એટલે તરત જ લોકોએ સોશિયલ મીડિયા પર બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

આ આખી વાત ત્યાંથી શરૂ થઈ હતી કે જ્યારે બિગ બીએ રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘કુછ ભી તો નહીં’. બસ આ પોસ્ટ વાંચીને લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો.

નેટિઝન્સે બિગ બીની આ પોસ્ટ પર કમેન્ટ્સ કરવાનું અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે સૌથી પહેલાં તો સર તમે તમારા ઘરનું ટીવી બંધ કરી દો… જ્યારે બીજા એક જણે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે તમે ખુદ જ કહ્યું હતું કે જ્યારે જ્યારે પણ તમે મેચ જુઓ છો તો ઈન્ડિયા હારી જાય છે તો પછી તમારે વર્લ્ડકપની ફાઈનલ વખતે આવું રિસ્ક નહોતું લેવું જોઈતું સર…

ત્રીજા એક યુઝરે તો રીતસરનું ધમકાવતા લખ્યું હતું કે અહીંયા ટીમ ઈન્ડિયા હારી રહી છે અને તમે કહો છો કે કુછ ભી તો નહીં… બીજા એક યુઝરે બિગ બીની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે તો પછી કંઈ પણ ન બોલશો સર, હારી ગયા ને.