
મુંબઈઃ ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અને પોતાની ગ્લેમરસ ઇમેજથી ચર્ચામાં આવેલી તનુશ્રી દત્તા છેલ્લા ઘણા સમયથી ઝાક્ઝમાળભરી દુનિયાથી દૂર અજ્ઞાત જીવન જીવી રહી છે. જોકે, તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે રડતી અને કહેતી જોવા મળી રહી છે કે તેના જ ઘરમાં તેના પર અત્યાચાર થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે, પરંતુ એના અંગે નાની બહેનની ચૂપકીદી અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે તો જાણીએ સમગ્ર મામલો શું છે.
તનુશ્રી દત્તાએ 2018માં બોલિવૂડમાં મી-ટૂ ચળવળ શરૂ કરી હતી, જેના કારણે ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. તનુશ્રીએ એક વીડિયો શેર કરીને ફરી એક વાર સનસનાટી મચાવી દીધી છે. તેણે રડતાં રડતાં મદદ માટે વિનંતી કરી છે. તેણે કહ્યું કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પોતાના ઘરમાં જ તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
લોહીના સંબંધ પર પ્રશ્નો ઉભા થયા
અભિનેત્રીએ લોકો પાસેથી મદદ માંગી છે અને કહ્યું છે કે વધારે મોડું ન થાય. તનુશ્રીના આ વીડિયોએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. ઉપરાંત, અભિનેત્રીના લોહીના સંબંધો પણ તપાસના દાયરામાં આવ્યા છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ટીવી અને બોલિવૂડ અભિનેત્રી ઇશિતા દત્તા તનુશ્રીની નાની બહેન છે અને વત્સલ સેઠ તેનો બનેવી છે.

ઇશિતાએ તેની મોટી બહેનની જેમ અભિનયને કારકિર્દી તરીકે પસંદ કર્યું. તનુશ્રી 41 વર્ષની ઉંમરે પણ હજુ અપરિણીત છે. હવે લોકો વિચારી રહ્યા છે કે જો તનુશ્રી આટલી મુશ્કેલીમાં છે તો તેને બહારના લોકો પાસે કેમ મદદ માંગવી પડે છે. તેની બહેન ઈશિતા દત્તા અને તેનો બનેવી વત્સલ સેઠ ક્યાં છે. જો અભિનેત્રી પર અત્યાચાર થઈ રહ્યો છે તો આ લોકો કેમ ચૂપ છે. તેની બહેન, બનેવી કેમ કોઈ પગલાં નથી લઈ રહ્યા? કેટલાક લોકો કહે છે કે ઈશિતાએ મુશ્કેલ સમયમાં તેની બહેનને એકલી છોડી દીધી છે. તો, કેટલાક લોકો કહે છે કે જો ઈશિતા ઇચ્છતી હોત, તો તે તેની બહેનને પોતાની સાથે રાખી શકી હોત, પણ તે તેની બહેનને કેમ મદદ નથી કરી રહી?
તનુશ્રી અને ઇશિતા વચ્ચે બધું બરાબર છે
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એવું પણ પૂછી રહ્યા છે કે શું ઇશિતા અને તનુશ્રી વચ્ચે બધું બરાબર નથી. શું બંને વચ્ચે કોઈ મનદુઃખ છે? પરંતુ એવું નથી જેવું લોકો વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તનુશ્રી અને ઈશિતા વચ્ચે ખૂબ પ્રેમ છે. તનુશ્રી ઈશિતાના બેબી શાવરમાં પણ જોવા મળી હતી. તે સમયે, તે તેની બહેન પર ખૂબ પ્રેમ વરસાવતી જોવા મળી હતી.
આ પણ વાંચો…Viral Video: તનુશ્રી દત્તાએ ફરી નાના પાટેકર સહિત બોલીવૂડ સામે કર્યા ગંભીર આક્ષેપો