Happy Birthday: ઈન્ડસ્ટ્રીમાં ‘ગોડફાધર’ વિના ‘અન્ના’એ બોલીવુડમાં કઈ રીતે નામ કમાવ્યું, જાણો સંઘર્ષ?
મુંબઈમાં જ્યાં પિતાએ કામ કર્યું એ જ હોટેલ ખરીદીને પિતાના સન્માનમાં વધારો કર્યો હતો…

મુંબઈ: છેલ્લા ત્રણ દાયકાથી બોલીવુડ અને ટોલીવુડની ફિલ્મોમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપનાર અભિનેતા સુનિલ શેટ્ટીનો આજે 64મો જન્મદિવસ છે. 11 ઓગસ્ટ 1961ના રોજ કર્ણાટકના મેંગલોર જિલ્લાના મુલ્કી શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલ સુનિલ શેટ્ટીનો શરૂઆતમાં ફિલ્મો સાથે કોઈ સંબંધ નહોતો, પરંતુ તેના પિતા વીરપ્પા શેટ્ટી કામ માટે મુંબઈ આવ્યા હતા. ત્યાં સુધી સુનિલ શેટ્ટીમાં અભિનયના અંકુર ફૂટ્યા હતા. સાઉથના પરિવારે મુંબઈમાં આવ્યા પછી ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ જાતના અનુભવ યા ‘ગોડફાધર’ વિના મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર તરીકે નામ કમાવવામાં અન્ના ફેમ સુનિલ શેટ્ટીને કઈ રીતે સફળતા મળી એ પણ આજના દિવસે જાણીએ.
પિતાના સંઘર્ષે આપી સુનિલ શેટ્ટીને પ્રેરણા

પિતા વીરપ્પા શેટ્ટીએ મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી એક નાની હોટેલમાં વેઈટર તરીકે કામ શરૂ કર્યું હતું. અહીં તેઓ ટેબલ સાફ કરવું, ડિશ ધોવી, ગ્રાહકોને ભોજન પીરસવું વગેરે જેવા કામ કરતા હતા. પોતાના સંતાનોના પાલનપોષણ માટે તેઓ દિવસ-રાત સખત મહેનત કરતા હતા. સુનિલ શેટ્ટીએ પિતાનો આ સંઘર્ષ બહું નજીકથી જોયો હતો. તેથી બાળ સુનિલે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કંઈક મોટું કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું. જુહુમાં ઘણી ફિલ્મોના શૂટિંગ થતા હતા. જેને જોવાનો સુનિલ શેટ્ટીને બાળપણમાં મોકો મળતો હતો. ધીમે ધીમે સુનિલ શેટ્ટીનું મન અભિનય તરફ વળ્યું હતું.
આ પણ વાંચો: શું આથીયા શેટ્ટી અને કેએલ રાહુલ બનશે પેરેન્ટ્સ, સુનિલ શેટ્ટીએ આપી મોટી હિન્ટ
‘બલવાન’થી ફિલ્મી પડદે પદાર્પણ કર્યું

1992માં આવેલી ‘બલવાન’ ફિલ્મથી સુનિલ શેટ્ટીએ અભિનેતા તરીકે ફિલ્મી પડદે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં દિવ્યા ભારતી તેની અભિનેત્રી હતી. 1993માં તેણે આયશા ઝુલ્કા સાથે ‘વક્ત હમારા હૈ’ નામની ફિલ્મ કરી હતી. 1994માં સુનિલ શેટ્ટીની ‘ગોપી કિશન’, ‘અંત’, ‘મોહરા’, ‘દિલવાલે’ એમ કુલ ચાર ફિલ્મ રિલીઝ થઈ હતી. ‘ગોપી કિશન’ ફિલ્મમાં પહેલીવાર સુનિલ શેટ્ટીનો ડબલ રોલનો અવતાર જોવા મળ્યો હતો. ‘મોહરા’ ફિલ્મે સુનિલ શેટ્ટીને મેઇન સ્ટ્રીમનો અભિનેતા બનાવ્યો હતો. ત્યાર બાદ સુનિલ શેટ્ટીએ ક્યારેય પાછું વળીને જોયું ન હતું.
‘ધડકન’નો વિલન આજે સૌને યાદ

પોતાના ફિલ્મી કરિયરમાં સુનિલ શેટ્ટીએ ‘સુરક્ષા’, ‘બોર્ડર’, ‘રક્ષક’, ‘ભાઈ’, ‘પૃથ્વી’, ‘કૃષ્ણ’, ‘હેરા ફેરી’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. 2000 માં આવેલી ફિલ્મ ‘ધડકન’માં તેણે ‘દેવ’નું ગ્રે શેડ પાત્ર ભજવ્યું હતું, જે સૌને આજે પણ યાદ છે. 2004માં આવેલી ‘મેં હૂં ના’ અને ‘રૂદ્રાક્ષ’ જેવી ફિલ્મોમાં સુનિલ શેટ્ટીએ વિલનની ભૂમિકા પણ ભજવી હતી. ‘ધડકન’ ફિલ્મમાં દેવના પાત્ર માટે સુનિલ શેટ્ટીને ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયકનો પુરસ્કાર પણ મળ્યો હતો. ‘હેરા ફેરી’ અને ‘ફિર હેરા ફેરી’ જેવી ફિલ્મોમાં સુનિલ શેટ્ટીના ભોળા સ્વભાવે દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. આમ, પોતાના કરિયરમાં સુનિલ શેટ્ટી તમામ પ્રકારના અભિનય કરી ચૂક્યો છે.
આ પણ વાંચો: હેરાફેરી 3: અક્ષય, સુનીલ કે પરેશ રાવલ? કોણે લીધી સૌથી વધુ ફી?
કલાકાર સાથે સફળ નિર્માતા

સુનિલ શેટ્ટીએ હિન્દી ઉપરાંત મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેતા હોવાની સાથોસાથ સુનિલ શેટ્ટી એક સફળ ફિલ્મ નિર્માતા પણ છે. તેણે ‘રક્ત’, ‘ખેલ’, ‘ભાગમ ભાગ’ અને ‘લૂટ’ જેવી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. તાજેતરમાં સુનિલ શેટ્ટીએ ‘ધારાવી બેંક'(2020) અને ‘હન્ટરઃ તૂટેગા નહીં, તોડેગા’ (2023) એમ બે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
પિતાના સન્માનમાં કર્યો વધારો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થયા બાદ સુનિલ શેટ્ટીએ એ હોટેલ ખરીદી લીધી, જેમાં તેના પિતા વીરપ્પા શેટ્ટી કામ કરતા હતા. 2013માં સુનિલ શેટ્ટીએ આ હોટેલમાં પોતાનો નવો ડેકોરેશન શોરૂમ શરૂ કર્યો હતો. જેના ઉદ્ધાટન સમારોહમાં સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ‘આ એ જ જગ્યા છે જ્યાં મારા પિતા, વીરપ્પા શેટ્ટી, વેઈટર તરીકે કામ કરતા હતા અને ડિશો સાફ કરતા હતા.’
આ પણ વાંચો: Aathiya Shettyએ આ રીતે વરસાવ્યું કેએલ રાહુલ પર પ્રેમ, સસરા સુનિલ શેટ્ટીએ પણ કહ્યું…
સંતાનોએ પણ ફિલ્મમાં ઝંપલાવ્યું

સુનીલ શેટ્ટી એક સફળ અભિનેતા તરીકે જ નામ સીમિત રહ્યું નથી. તે એક બિઝનેસ ટાયકૂન અને સામાજિક કાર્યકર પણ છે. તેના બે સંતાનમાં દીકરી આથિયા શેટ્ટી અને અહાન શેટ્ટી પણ બોલીવુડમાં ડેબ્યૂ કરીને પોતાની ફિલ્મી કરિયરની સફર શરૂ કરી ચૂક્યા છે.