દક્ષિણના અભિનેતાઓએ વાયનાડ ભૂસ્ખલનના અસરગ્રસ્ત પરિવારો માટે સહાયનો ધોધ વહાવ્યો

કેરળના વાયનાડમાં 29 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ હતી. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું, જેમાં અત્યાર સુધીમાં 365 લોકોના મૃત્યુ થયા છે અને 206 લોકો હજુ પણ ગુમ છે, અહીં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, ગુમ થયેલા લોકો માટે સર્ચ ઓપરેશન પણ જારી છે, આ સ્થિતિમાં હવે સેલિબ્રિટીઝ પણ પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે અને કેરળના મુખ્યપ્રધાન રાહત ફંડમાં દાન કરી રહ્યા છે. આ લિસ્ટમાં સાઉથના મોટા કલાકારોના નામ પણ સામે આવ્યા છે.
ચિરંજીવી અને રામ ચરણે કેરળમાં ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડને તેમનો ટેકો દર્શાવ્યો છે. પિતા-પુત્રની જોડીએ રાજ્યમાં રાહત કાર્યમાં મદદ કરવા માટે સામૂહિક રીતે કેરળ સીએમ રિલીફ ફંડમાં રૂ. 1 કરોડનું દાન કર્યું છે. ચિરંજીવીએ વિનાશક ઘટનાથી પ્રભાવિત લોકો માટે તેમની પ્રાર્થના પણ શેર કરી. ચિરંજીવીના ભત્રીજા, અભિનેતા અલ્લુ અર્જુને પણ જાહેરાત કરી હતી કે તેણે કેરળમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે રૂ. 25 લાખનું દાન આપ્યું છે. તેમણે લખ્યું, “વાયનાડમાં તાજેતરના ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. કેરળએ હંમેશા મને ખૂબ પ્રેમ આપ્યો છે, અને હું પુનર્વસન કાર્યને સમર્થન આપવા માટે કેરળના સીએમ રિલીફ ફંડમાં રૂ. 25 લાખનું દાન કરીને મારું કામ કરવા માંગુ છું. તમારી સુરક્ષા અને શક્તિ માટે પ્રાર્થના.”
આ પણ વાંચો :વાયનાડની મદદ માટે અલ્લુ અર્જુને લંબાવ્યો હાથ : CM રિલીફ ફંડના લાખો રૂપિયાનુ કર્યુ દાન
દક્ષિણના જાણીતા અભિનેતા અને પ્રાદેશિક આર્મીના લેફ્ટનન્ટ કર્નલ મોહનલાલ પણ પીડિતોની મદદ માટે વાયનાડ પહોંચી ગયા હતા. તેઓ આર્મી યુનિફોર્મ પહેરીને બચાવ કાર્યમાં જોડાયા છે. તેમણે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. લોકોને મદદ કરવાની સાથે અભિનેતાએ રાહત ફંડમાં ત્રણ કરોડ રૂપિયાની રકમ દાન કરવાની પણ જાહેરાત કરી છે.
તમિલ સ્ટાર વિક્રમ એ ૨૦ લાખની રકમ દાનમાં આપી છે જ્યોતિકા કાર્તી અને સૂર્યાએ 50 લાખ રૂપિયા નો દાન આપવાની જાહેરાત કરી છે રશ્મિકા મંદન્નાએ દસ લાખ રૂપિયા અને મલયાલમ અભિનેતા ફહાદ ફેસીલે મુખ્યપ્રધાન રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
આ ઉપરાંત અભિનેતા સુરૈયા અને વિક્રમ, મામૂટી, દુલકર સલમાન, નયનથારા અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવને પણ કેરળને દાન આપ્યું છે. મામૂટીએ તેમના પુત્ર અભિનેતા દુલ્કેર સલમાન સાથે રૂ. 35 લાખનું દાન આપ્યું હતું. મામૂટીનું ચેરિટેબલ ટ્રસ્ટ પણ પીડિતોની મદદ કરવામાં લાગેલું છે અને તેઓ લોકોને રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી રહ્યા છે.