વાયનાડ: કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એક તરફ, ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે અને ઘણા બેઘર બન્યા છે. આ ભયાનક ભૂસ્ખલન બાદ છેલ્લા અઠવાડિયાથી રેસ્ક્યુ ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કુદરતના આ પ્રલયને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. કેરળ સરકાર દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ઘણા સ્ટાર્સે વાયનાડ પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો છે.
હવે વાયનાડ પીડિતો માટે મદદનો હાથ લંબાવનારાઓમાં સાઉથ સિનેમાના વધુ એક સુપરસ્ટારનું નામ જોડાયું છે. દક્ષિણ સિનેમાની પુષ્પા એટલે કે અલ્લુ અર્જુને પણ વાયનાડ પીડિતો માટે કેરળના સીએમ રિલીફ ફંડમાં પૈસા દાનમાં આપ્યા છે. અલ્લુ અર્જુને આ બાબતે એક પોસ્ટ પણ શેર કરી છે, જેમાં તેણે આ અંગેની માહિતી આપી છે અને વાયનાડ પીડિતો માટે સંવેદના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : વાયનાડ મુલાકાત અંગે કરેલી પોસ્ટ બાદ શશિ થરૂર ટ્રોલ થયા, આ રીતે આપ્યો જવાબ
અલ્લુ અર્જુને તેની પોસ્ટમાં લખ્યું છે- ‘વાયનાડમાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. કેરળ હંમેશા મને ખૂબ પ્રેમ કરે છે, અને હું પુનર્વસન કાર્યમાં મદદ કરવા માટે કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપવા માંગુ છું. તમારી સલામતી અને શક્તિ માટે ભગવાનને પ્રાર્થના .
અગાઉ મેગાસ્ટાર મોહનલાલે પણ શનિવારે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લીધી હતી. સેનાના યુનિફોર્મમાં સજ્જ મોહનલાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પહેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમને 2009માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલની પદવી એનાયત કરવામાં આવી હતી. મામૂટી અને તેમના પુત્ર દુલકર સલમાને રૂ. 35 લાખનું દાન આપ્યું હતું, ફહાદ ફસીલ અને નઝરિયા નાઝીમે રૂ. 25 લાખ અને સૂર્યા અને તેમની પત્ની જ્યોતિકાએ રૂ. 35 લાખનું દાન આપ્યું હતું. અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ પણ 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
હાલ વાઇનાડમાં બચાવ કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના, NDRF અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ વિભાગ સહિતની બચાવ ટીમ કેરળના વાયનાડમાં ધરાશાયી થયેલી ઈમારતોમાં ફસાયેલા લોકોને શોધવા માટે ખૂબ જ જહેમતથી કામ કરી રહી છે.