
મુંબઈ: ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલના લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અગાઉ ૨૩ નવેમ્બરના રોજ તેઓના લગ્ન યોજાવાના હતા, પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમના લગ્ન 7 ડિસેમ્બરે થશે એવી અફવાઓ પણ વહેતી થઈ હતી. પરંતુ હવે પોતાના લગ્ન થશે કે નહીં તે અંગે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલે ખુલાસો કરીને તમામ પ્રકારની અટકળોનો અંત લાવી દીધો છે.
અમને આગળ વધવાની તક આપો
સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલે સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્ન અંગે મોટી જાહેરાત કરી છે, જેમાં તેમણે બંનેના પરિવારની પ્રાઇવસીનું સન્માન કરવાની અપીલ કરી છે. ખોટી અફવાઓ ફેલાવવાની તથા અજાણ્યા લોકોની વાતો દ્વારા કોઈને જજ નહીં કરવાની પણ વાત કરી છે.

સ્મૃતિ મંધાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખીને જણાવ્યું કે, “હું આ વાત અહીં જ પૂરી કરવા માંગુ છું. આપ સૌને પણ આવું કરવાની વિનંતી કરૂં છું. હું તમને વિનંતી કરૂં છું કે, આ સમયે બંને પરિવારોની પ્રાઇવેસીનો આદર કરો. અમને આગળ વધવાની તક આપો. મારું માનવું છે કે, સૌની પાસે એક ઘ્યેય હોય છે. મારા માટે તે હંમેશાં દેશને ટોપ લેવલે રિપ્રેઝન્ટ કરવાનો રહ્યો છે. મને આશા છે કે જ્યાં સુધી બની શકશે, ત્યાં સુધી હું ભારત માટે રમતી રહું અને ટ્રોફી જીતતી રહું અને મારું ધ્યાન હંમેશાં તેના પર રહેશે.”
હું પર્સનલ રિલેશનશિપમાંથી પાછળ હટી રહ્યો છું

પલાશ મુચ્છલે પણ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને જણાવ્યું કે, “મેં મારા જીવનમાં આગળ વધવાનો અને પર્સનલ રિલેશનશિપમાં પાછળ હટવાનો નિર્ણય લીધો છે. પાયાવિહોણી અફવાને લઈને જે લોકો મને ડરાવે છે, જે રીતે રિએક્ટ કરે છે, તે જોઈને મને બહુ તકલીફ થાય છે. આ મારા જીવનનો સૌથી કપરો તબક્કો હતો. હું તેનો હિંમતપૂર્વક સામનો કરીશ.
સામાજિક ધોરણે આપણે કોઈના અજાણ્યા સોર્સ દ્વારા કરવામાં આવેલી ચકાસ્યા વગરની વાતોના આધારે કોઈને જજ કરતા અટકવાનું શીખવું પડશે. આપણા શબ્દો કોઈને દુઃખ પહોંચાડી શકે છે, જ્યારે આપણા આ અંગે વિચારી રહ્યા હોઈએ છીએ, તે સમયે દુનિયાના ઘણા લોકો તેનું પરિણામ ભોગવી રહ્યા હોય છે, જે પણ ખોટા સમાચાર અને માનહાનિ કરતું કંટેન્ટ ફેલાવશે તેના વિરૂદ્ધ મારી ટીમ કડક પગલાં લેશે. અત્યારે કપરા સમયમાં જે લોકો મારી સાથે ઊભા રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર.”
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે તેઓ લગ્ન કરશે નહીં. બંને હવે પોતાના ધ્યેયોને પૂરા કરવામાં ધ્યાન આપશે અને પોતાના જીવનમાં આગળ વધશે.
આ પણ વાંચો…લગ્ન મોકૂફ રહ્યા પછીની સ્મૃતિ મંધાનાની પ્રથમ પોસ્ટઃ આંગળીમાં એન્ગેજમેન્ટ રિંગ…



