સિનેમાઘરોમાં સિતારે જમીન પર ફિલ્મનો દબદબો યથાવત, કાજોલની ‘મા’ ફિલ્મે પણ પક્કડ જમાવી

મુંબઈઃ આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ હવે 100 કરોડની કમાણી વાળી ફિલ્મોના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. શનિવારે દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. ‘સિતારે જમીન પર’ ફિલ્મ માટે શનિવારે વધારે સફળ રહ્યો છે. આમિર ખાનની આ ભાવુક કહાણી લોકોને ખૂબ જ પસંદ આવી છે. જેથી આ ફિલ્મ શનિવારે 100 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. જે આમિર ખાન માટે ખૂશીની વાત છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી, અને આમિર ખાનની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.
આમિર ખાને ફરી સાબિત કર્યું કે તે ખરેખર મિસ્ટર પરફેક્શનિસ્ટ છે
આમિર ખાનને તેની છેલ્લી બે ફિલ્મમાં કઈ ખાસ સફળતા મળી નહોતી. કારણ કે, લાલ સિંહ ચડ્ડા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ ‘સિતારે જમીન પર’ ફિલ્મે આમિર ખાનને સફળતા અપાવી છે. પહેલા તો ફિલ્મની કમાણીમાં ઘટાડો આવ્યો હતો. પરંતુ ફરી કમાણીમાં રફ્તાર પડી પકડી અને શનિવારે ધૂમ કમાણી કરી છે. આમિર ખાને ફરી સાબિત કર્યું કે તે ખરેખર મિસ્ટર પરફેક્શનિસ્ટ છે. આ ફિલ્મ 20 જૂને રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે 10.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આમિરની ફિલ્મનું કુલ નેટ કલેક્શન 108.30 કરોડ રૂપિયા થયું
સિતાર જમીન પર ફિલ્મે શનિવારે નવમા દિવસે 12.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું કુલ નેટ કલેક્શન 108.30 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મ સુપરહિટના ટેગ માટે દાવેદાર બની ગઈ છે. આવતીકાલે રવિવારની રજાથી તેને ઘણો ફાયદો થશે. ફિલ્મ ‘સિતાર જમીન પર’ એ બીજા દિવસ એટલે કે શનિવારથી જ પોતાની સાચી ચમક બતાવવાનું શરૂ કરી દીધું અને ત્રીજા દિવસે એટલે કે રવિવારે રેકોર્ડ કમાણી કરી. ફિલ્મનું પહેલા અઠવાડિયાનું કલેક્શન 88.9 કરોડ રૂપિયા હતું. ગઈકાલે શુક્રવારે ‘સિતાર જમીન પર’ એ 6.65 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. શનિવારે તેની કમાણીમાં વધુ વધારો થયો જેમાં 12.75 કરોડ રૂપિયા છાપી લીધા હતા.
80થી 100 કરોડ રૂપિયા બની છે આમિરની ‘સિતારે જમીન પર’ ફિલ્મ
આમિર ખાનની આ ફિલ્મનું બજેટ 80થી 100 કરોડ રૂપિયા હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું હતું. જે બજેટ ફિલ્મે નીકાળી લીધું છે. કાલે શનિવારે 12.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, આજે રવિવારે પણ સારી એવી કમાણી થયા તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જેનેલિયા દેશમુખ આમિર ખાનની સામે જોવા મળી રહી છે. ફિલ્મમાં દિવ્યાંગોની કહાણી દર્શાવવામાં આવી હોવાથી આ ફિલ્મને લોકો વધારે પસંદ કરી રહ્યાં છે.
કાજોલની ફિલ્મ ‘મા’ ફિલ્મે શનિવારે 6 કરોડ રૂપિયાની કમાણી કરી
‘સિતારે જમીન પર’ ફિલ્મને ટક્કર આપવા માટે કાજોલની ‘મા’ ફિલ્મ પણ 27મી જૂને બોક્સ ઓફિસ પર રિલીઝ છે. પહેલા દિવસે ‘મા’ ફિલ્મે 4.65 કરોડની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મને વીકેન્ડનો સારો લાભ મળ્યો છે. કાજોલની ફિલ્મ ‘મા’ ફિલ્મે બીજા જ દિવસે એટલે કે શનિવારે 6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યારે સુધીમાં ‘મા’ ફિલ્મે 10.65 કરોડનો વેપાર કરી લીધો છે. આમિરની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી હોવા છતાં પણ કાજોલની ફિલ્મ પોતાની પક્કડ સારી એવી જમાવી રાખી છે.
આ પણ વાંચો…કાજોલની મા ફિલ્મ પહેલા જ દિવસે સિતારે જમીન પર સામે ઝાંખી પડી, વખાણ થયા પરંતુ કમાણી નિરાશાજનક