Happy Birthday: પૈસા ન હતા એટલે પ્રેમ પણ છોડી ગયો, પણ હિંમત અકબંધ રાખી આ સિંગરે અને આજે…

સામાન્ય રીતે દરેક માણસના જીવનમાં નાના મોટા પડકારો આવતા રહે છે. ઘણી વખત એવું પણ બને તે માણસ હતાશ થઈ જાય છે. પરંતુ આ ખરાબ સમય ઘણી વખત માણસનો સમય ફેરવી નાખે છે. જીવનના સંઘર્ષમાંથી મળતી હતાશા સફળતાની સીડી બની જાય છે. એવું જ કઈક બન્યું હતું ગુરુ રંધાવા સાથે. જીવનમાં અનેક મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ અને અંગત જીવનની સમસ્યાઓનો સામનો કર્યો. ત્યાં સુધી કે તેની ગલફ્રેન્ડ પણ પૈસા ન હોવાના કારણે તેને છોડીને ચાલી ગઈ. તો પણ તેણે હાર ન માની. આજે તેને બોલીવૂડ અને પંજાબી સંગીત જગતમાં મોટું નામ બનાવી લીધું છે, તેના ચાહકો દેશના ખુણે ખુણામાં ફેલાયેલા છે.
ગુરુ રંધાવા 30 ઓગસ્ટના 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન તે તેના નવા ગીતોને લઈને પણ ચર્ચામાં છે, જેમાં કેટલાક વિવાદો પણ જોડાયેલા છે. ગુરુની સફળતાની સફર એક પ્રેરણાદાયી વાર્તા છે, જે દર્શાવે છે કે મહેનત અને નિશ્ચયથી કોઈપણ મુશ્કેલીઓને પાર કરી શકાય છે.

ગુરુ રંધાવાનો જન્મ 30 ઓગસ્ટ, 1991ના રોજ પંજાબના ગુરદાસપુરમાં ગુરશરનજોત સિંહ રંધાવા તરીકે થયો હતો. બાળપણથી જ તેને સંગીતનો શોખ હતો, અને તે શાળામાં સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુરદાસપુર અને પછી દિલ્હીમાં નાના સ્ટેજ શો અને લગ્નોમાં ગાઈને કરી હતી. આ સમય દરમિયાન તેણે અનેક પડકારોનો સામનો કર્યો, પરંતુ તેની લગનથી તે આગળ વધ્યો.
કારકિર્દીની શરૂઆત અને સફળતા
2012માં ગુરુએ શ્રીલંકન સિંગર અર્જુન સાથે ‘સેમ ગર્લ’ ગીત રિલીઝ કર્યું, પરંતુ તે ખાસ ચાલ્યું નહીં. 2013માં તેમનું પ્રથમ આલ્બમ ‘પેજ વન’ પણ ખાસ સફળ ન થયું. જોકે, 2015માં રેપર બોહેમિયા સાથેનું ગીત ‘પટોલા’એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો. એવું કહેવાય છે કે બોહેમિયાએ જ તેમને ‘ગુરુ’ નામ આપ્યું હતું. ત્યારબાદ ‘લાહોર’, ‘હાઈ રેટેડ ગબરૂ’, ‘સૂટ’, ‘બન જા રાની’ અને ‘સ્લોલી સ્લોલી’ જેવા હિટ ગીતોએ તેની ખ્યાતિ વધારી.
બોલીવૂડમાં પ્રવેશ અને નેટવર્થ
2017માં ગુરુએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો અને ‘હિન્દી મીડિયમ’, ‘તુમ્હારી સુલુ’, ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ અને ‘નવાબઝાદે’ જેવી ફિલ્મો માટે ગીતો ગાયા હતા. તેની અનોખી ગાયકી અને જાદુઈ અવાજથી તેણે યુવાનોના દિલમાં સ્થાન બનાવ્યું. તેના ગીતો ડાન્સ ફ્લોર પર લોકોને નાચવા પર મજબૂર કરી દે છે. અહેવાલો અનુસાર, ગુરુ રંધાવાની નેટવર્થ લગભગ ₹50 કરોડ છે, અને તે એક ગીતના લગભગ ₹20 લાખ કમાય છે.