70-80ના દાયકાની આ દિગ્ગજ ગાયિકા અને અભિનેત્રીનું 71 વર્ષની વયે અવસાન: બ્રેકઅપ બાદ લીધો હતો મોટો નિર્ણય

મુંબઈ: 2025ના અંતમાં બોલિવૂડમાંથી એક પછી એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં અસરાની, પંકજ ધીર જેવા પીઢ અભિનેતાઓ સ્વર્ગવાસ પામ્યા છે. ત્યારે હવે નવેમ્બર મહિનાની શરૂઆતમાં 70-80ના દાયકાના પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે અવસાન થયું છે. લાંબા સમયથી બીમાર હોવાને કારણે તેમની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના મૃત્યુના સમાચારથી બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ફિલ્મજગતમાં સુલક્ષણા પંડિતની કારકિર્દી
1954માં મુંબઈના એક સંગીત પરિવારમાં સુલક્ષણા પંડિતનો જન્મ થયો હતો. તે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા જસરાજના ભત્રીજી હતા. તેમને ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ હતા. સુલક્ષણા પંડિતે માત્ર નવ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને 1967માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તકદીર’માં લતા મંગેશકર સાથે પહેલું ગીત ગાયું હતું. પોતાની કારકિર્દી દરમિયાન, તેમણે 79થી વધુ ફિલ્મોમાં પોતાનો મંત્રમુગ્ધ કરતો અવાજ આપ્યો હતો.
1975ની ફિલ્મ સંકલ્પના ગીત “તુ હી સાગર હૈ તુ હી કિનારા” માટે તેમને ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સુલક્ષણા પંડિત માત્ર એક પ્રતિભાશાળી ગાયિકા જ નહીં, પણ એક કુશળ અભિનેત્રી પણ હતી. તેમણે 30થી વધુ ફિલ્મોમાં શક્તિશાળી પાત્રો ભજવ્યા હતા, જેમાં 1988ની ફિલ્મ દો વક્ત કી રોટીમાં ભજવેલું ગંગાનું પાત્ર પ્રશંસા પામ્યું હતું. જોકે, 1996ની ફિલ્મ ખામોશી ધ મ્યુઝિકલમાં ગીતોને અવાજ આપ્યા બાદ તેમણે ફિલ્મ ઉદ્યોગથી અંતર બનાવી લીધું હતું.
સંજીવ કુમારના મૃત્યુથી લાગ્યો આઘાત
સુલક્ષણા પંડિતનું અંગત જીવન દુઃખદ પ્રેમ કહાણીથી ઘેરાયેલું હતું. 1975માં, ‘ઉલઝન’ ફિલ્મના સેટ પર તેમને અભિનેતા સંજીવ કુમાર સાથે પ્રેમ થયો હતો. તેમણે સંજીવને પ્રપોઝ કર્યું, પરંતુ સંજીવે હેમા માલિની સાથે પ્રેમમાં હોવાને કારણે તેમનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. એક તરફ સંજીવ કુમાર હેમા માલિની સાથે લગ્ન કરી શક્યા નહીં, તો બીજી તરફ સુલક્ષણાએ સંજીવ કુમાર સિવાય અન્ય કોઈને એટલો પ્રેમ ન કર્યો. અંતે તેમનું હૃદય તૂટી ગયું અને તેમણે કુંવારા રહેવાનો નિર્ણય લીધો હતો.
6 નવેમ્બર, 1985 ના રોજ, સંજીવ કુમારનું હૃદયરોગના હુમલાથી માત્ર 47 વર્ષની વયે અવસાન થયું હતું. સંજીવ કુમારના મૃત્યુના સમાચાર સુલક્ષણા માટે ભયંકર આઘાત સમાન હતા. તે ઊંડા ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા.



