ધર્મેન્દ્રની એક ભૂલ: જ્યારે ‘શોલે’ના શૂટિંગમાં અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં મુકાયો!

મુંબઈ: બોલીવુડની એવરગ્રીન અને આઇકોનિક ફિલ્મ ‘શોલે’ને રિલીઝ થયે આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. આ સુવર્ણ અવસરની ઉજવણી કરવા માટે મેકર્સ દ્વારા આ ફિલ્મને ફરી એકવાર અત્યાધુનિક 4K ટેક્નોલોજી અને તેના ઓરિજનલ ક્લાઇમેક્સ સાથે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પીએ શૂટિંગ દરમિયાનના કેટલાક એવા કિસ્સાઓ શેર કર્યા હતા, જે આજ સુધી દુનિયાથી અજાણ હતા. આ કિસ્સાઓમાં એક એવી ઘટના પણ છે, જેમાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં મુકાયો હતો.
ફિલ્મના ક્લાઇમેક્સના શૂટિંગ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી હતી. રમેશ સિપ્પીએ જણાવ્યું કે, એક દ્રશ્યમાં ધર્મેન્દ્ર (વીરુ)એ બંદૂક લોડ કરવાની હતી, પરંતુ તેમણે ઉત્સાહમાં આવીને અચાનક ફાયર કરી દીધું. આશ્ચર્યની વાત એ હતી કે બંદૂકમાં અસલી ગોળી હતી. અમિતાભ બચ્ચન (જય) તે સમયે ખીણની ઉપરના ભાગે ઊભા હતા અને આ ગોળી તેમના કાનની એકદમ નજીકથી પસાર થઈ ગઈ હતી. જો ગોળી સહેજ પણ આડી-અવળી ગઈ હોત તો મોટી હોનારત સર્જાઈ હોત, પરંતુ સદનસીબે અમિતાભ બચ્ચનનો આબાદ બચાવ થયો હતો.

આ અચાનક થયેલા ફાયરિંગથી સેટ પર હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ફિલ્મના એક્શન કેમેરામેન જિમ એલન આ ઘટનાથી એટલા ગભરાઈ ગયા અને ગુસ્સે થયા કે તેમણે શૂટિંગ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો કલાકારો આ પ્રકારે જોખમી વર્તન કરશે તો તેઓ કામ નહીં કરે. વાતાવરણ ગંભીર બની જતાં તે દિવસનું શૂટિંગ કેન્સલ રાખવું પડ્યું હતું ત્યાર બાદ રમેશ સિપ્પીએ ધર્મેન્દ્રને સમજાવ્યા હતા કે અભિનયના જોશમાં હોશ ખોવા જોઈએ નહીં.
પોતાની ભૂલનો અહેસાસ થતાં જ ધર્મેન્દ્રએ તરત જ અમિતાભ બચ્ચન અને કેમેરામેન જિમ એલન પાસે માફી માંગી હતી. જોકે આ ઘટના જાણી જોઈને કરવામાં આવી નહોતી, પરંતુ તે શૂટિંગના ઈતિહાસની સૌથી ભયાનક ક્ષણમાંની એક બની ગઈ હતી. આજે જ્યારે ફિલ્મ 50 વર્ષ પૂરા કરી રહી છે ત્યારે સંજીવ કુમાર અને અમજદ ખાન જેવા દિગ્ગજ કલાકારો આપણી વચ્ચે નથી, પરંતુ રમેશ સિપ્પીએ શેર કરેલી આ યાદોએ ફરી એકવાર ચાહકોને એ સુવર્ણ યુગની યાદ અપાવી દીધી છે.



