રશ્મિકા મંદાના અને શ્રદ્ધા દાસે ‘ફ્લાઈટ ક્રેશ’નો અનુભવ શેર કરીને લખ્યું કે…

મુંબઈ: આજના સમયમાં વિમાન તથા એરપોર્ટ પર ટેક્નિકલ ખામી અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. બોલીવુડની બે અભિનેત્રીઓએ પણ ફ્લાઇટ ક્રેશ થવાનો અનુભવ કર્યો હતો. બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રદ્ધા દાસે તાજેતરમાં એક ચોંકાવનારો અનુભવ યાદ કર્યો હતો. શ્રદ્ધાએ આ ઘટના ટોચની અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે શેર કરી હતી, જ્યારે તેમની મુંબઈથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ફ્લાઇટ ક્રેશ થતાં માંડ બચી અભિનેત્રી
ફિલ્મી મીડિયા સાથેની વાતચીતમાં શ્રદ્ધા દાસે 2024માં રશ્મિકા સાથેની તેની પ્રથમ મુલાકાતની વાત કરી હતી. આ મુલાકાત દરમિયાનની એક ઘટનાને પણ તેણે યાદ કરી હતી. તે ઘટના એક ડરામણો અનુભવ હતો. રશ્મિકા અને શ્રદ્ધા દાસ મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યા હતાં. ઉડાન દરમિયાન એર વિસ્તારાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ટેકનિકલ કારણોસર ફ્લાઇટને ટેકઓફના 30 મિનિટ પછી મુંબઈ પરત ફરીને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા
આમ બંને અભિનેત્રીઓ માંડ માંડ બચી ગઈ હતી. શ્રદ્ધાએ આગળ જણાવ્યું કે રશ્મિકા અને મને એક સમાન અનુભવ થયો હતો, જ્યાં અમારી ફ્લાઇટ લગભગ ક્રેશ થઈ ગઈ હતી. ત્યાં જ હું રશ્મિકાને મળી હતી. તે ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે.
ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનાના દિવસે રશ્મિકા મંદાનાએ પણ સોશિયલ મીડિયા પર શ્રદ્ધા દાસ સાથેનો એક ફોટો શેર કરીને પોસ્ટ લખી હતી: “તમારી માહિતી માટે, આજે અમે આ રીતે મૃત્યુથી માંડ માંડ બચી ગયા.”
શ્રદ્ધા દાસ અને રશ્મિકા મંદાનાની ફિલ્મી અપડેટ્સ
અભિનેત્રી હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ “ધ ગર્લફ્રેન્ડ”ને લઈને ચર્ચામાં છે, જેણે પહેલા દિવસે રૂ. 1.30 કરોડની કમાણી કરી હતી. અભિનેત્રી કોંકણા સેન શર્મા અભિનીત ક્રાઈમ થ્રિલર ફિલ્મ “સર્ચ: ધ નૈના મર્ડર કેસ”માં જોવા મળી હતી, જે Jio Hotstar પર રિલીઝ થઈ છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.



