'શોલે'ની ગોલ્ડન જ્યુબિલી: બીયરની બોટલ અને સીટીઓથી શોલેના આઇકોનિક સંગીતની સફર! | મુંબઈ સમાચાર

‘શોલે’ની ગોલ્ડન જ્યુબિલી: બીયરની બોટલ અને સીટીઓથી શોલેના આઇકોનિક સંગીતની સફર!

બ્લોકબસ્ટર ‘શોલે’ની રિલીઝને 50 વર્ષ વીતી ગયા છે અને તેની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ વખતે આપણે આર. ડી. બર્મનના કાલાતીત સંગીત વિશે વાત કરીશું. ભારતીય સૂરો સાથે પશ્ચિમી સંગીતનું મિશ્રણ કરીને અને બીયર બોટલ જેવા અનોખા સંગીતનાં સાધનોનો ઉપયોગ કરીને તેમણે એવો જાદુ સર્જ્યો, જે આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરે છે.

પ્રખ્યાત સંગીતકાર આર.ડી. બર્મનને એક વિચિત્ર આદત હતી. ગીતની ધૂન બનાવ્યા બાદ જ્યારે તેઓ ગાયકો માટે પ્રેક્ટિસ ગીતો રેકોર્ડ કરતા, ત્યારે તેઓ ઘણીવાર તેમાં કામચલાઉ શબ્દો જેમાં ફક્ત ગણગણાટભર્યા શબ્દો તો ક્યારેક અપશબ્દો ફિટ કરી દેતા. આવી વિચિત્રતાઓ છતાં, પંચમ તરીકે જાણીતા બર્મને હિન્દી અને બંગાળી સિનેમાને કેટલાક અદ્ભુત ગીતો આપ્યા છે. પરંતુ ‘શોલે’ના સંગીતમાં કરેલા પ્રયોગો અદભુત હતા. નારિયેળના કાચલાં અને બીયરની બોટલો જેવી વસ્તુઓનો સંગીતનાં સાધનો તરીકે ઉપયોગ કરીને તેમણે ભારતીય અને પશ્ચિમી સંગીતને તેમની ધૂનમાં સુંદર રીતે ભેળવી દીધા હતા, પરિણામ સ્વરૂપ એવું સંગીત બન્યું જેણે શોલેને સિનેમેટિક ગાથામાં પરિવર્તિત કરી દીધી.

આ પણ વાંચો: Sholay: 50 વર્ષ પછી પણ સુપરહિટ, જાણો ‘શોલે’ના શૂટિંગ દરમિયાન થયેલા અજાણ્યા કિસ્સાઓ વિશે

રાગ-એ-બેતરતીબ

‘શોલે’ના પહેલા 25 મિનિટ લોખંડ, ઘોડાની ખરીનો અવાજ, સીટી અને ગોળીબારના અવાજોથી બનેલ સૂર છે. ટ્રેનની સીટી, પૈડાંનો ખડખડાટ અને ખખડધજ અવાજ ચિત્ર સાથે મળીને દ્રશ્યને સંપૂર્ણ બનાવે છે. એન્જિનમાંથી નીકળતી વરાળનો અવાજ, અને ચંબલના કોતરોમાંથી સીટીનો અવાજ સંભળાય છે જે ફિલ્મની રોમાંચક સફરની ઘોષણા જેવી લાગે છે. ગિટાર અને સીટીના સૂર યુરોપિયન ફિલ્મોમાં તો સાંભળવા મળતી પણ પંચમદાએ ‘શોલે’માં તેનો એવો ઉપયોગ કર્યો કે ઠાકુર, ગબ્બર, બસંતી, જય-વીરુ કે અન્ય કોઈપણ પાત્ર જેટલી એ ધૂનો પણ લોકમાનસમાં જડાઈ ગઈ.

આવો સાઉન્ડ તૈયાર કરવો એ કોઈ નાનીસૂની સિદ્ધિ નહોતી. દિગ્દર્શક રમેશ સિપ્પીએ ફિલ્મ માટે સ્ટીરિયોફોનિક અવાજની માંગ કરી હતી, જે તે સમયે દુર્લભ હતો. તેઓ દર્શકોને ચિત્રો અને સંગીતના મિશ્રણથી વણાયેલા એક અદ્ભુત અનુભવમાં ડૂબાડવા માંગતા હતા. ‘શોલે’ના શાનદાર એક્શન સાથે મેળ ખાતો સાઉન્ડ બનાવવા માટે તેમણે 50-60 વાદ્યોનું એક વિશાળ ઓર્કેસ્ટ્રા બનાવ્યું. તેમાં સંતૂર પર શિવકુમાર શર્મા, ગિટાર પર ભૂપિન્દર સિંહ, સેક્સોફોન અને વાંસળી પર મનોહારી સિંહ અને સિન્થેસાઇઝર પર કેરસી લોર્ડ જેવા દિગ્ગજોનો સમાવેશ થતો હતો. આ સંગીતમાં દરેક વાદ્ય, દરેક સૂર પ્રતિષ્ઠિત બની ગયો. રાધા (જયા ભાદુરી) ને દીવો ઓલવતા જોતી વખતે જય તેના હાર્મોનિકા પર – ભાનુ ગુપ્તા દ્વારા વગાડવામાં આવતી ઉદાસ ધૂન કોણ ભૂલી શકે?

આ પણ વાંચો: શોલેની ગોલ્ડન જ્યુબિલી: 50 વર્ષ પછી પણ ‘ગબ્બર’ કેમ ભૂલાતો નથી?

શોલે ફિલ્મના જય અને વીરુ (અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર) બાઇક પર 'યે દોસ્તી' ગીત ગાતા હોય તેવું દ્રશ્ય.

જય-વીરુના પરિચય આપતા પહેલા સીન જેમાં ટ્રેન પર ડાકુઓ હુમલો કરે છે, ત્યારે આપેલું બેકગ્રાઉન્ડ સંગીત બ્રાસ વાદ્યો, તબલા, તંતુવાદ્યો ગતિ અને અરાજકતાનું વાતાવરણ આબેહૂબ ઉભું કરે છે. ગોળીબારની તીવ્રતા વધારવા માટે બર્મન ઘોડાઓ અને ટ્રેનના લયને બ્રાસ, ઢોલ અને ગિટાર સાથે મેચ કરે છે. ગીતોમાં પણ એવી જ મહેનત. એ દોસ્તી હમ નહીં તોડેંગે…ગીત પૂરું કરવા માટે ત્રણ અઠવાડિયાની મહેનત હતી, તેમાં વાગતા વાયોલિને ગીતને અલગ ચાર્મ આપ્યો હતો. ગબ્બરની એન્ટ્રીના સંગીતનો સ્કોર સ્ક્રીન પર ભયાનક અને લાર્જર ધેન લાઈફ ઇમેજ ઘડવાનો એક માસ્ટરક્લાસ છે.

ગબ્બરના પટ્ટાના ઢસડાવવાનો અવાજ, ગબ્બરના બૂટનો કચડાટ, અને તેનો ચહેરો સ્ક્રિન પર આવતાજ ગિટારના સૂર આજે પણ લોકો યાદ કરે છે. રમેશ સિપ્પીને શરૂઆતથી જ વિશ્વાસ હતો કે બર્મનનું સંગીત ખૂબ જ સફળ થશે. તેમણે ફિલ્મના અધિકારો એ જમાનામાં 5 લાખ રૂપિયામાં વેચ્યા હતા, જે પોલિડોર દ્વારા ખરીદવામાં આવ્યા હતા. લોન્ચ થયાના છ વર્ષ પછી પણ શોલે સાઉન્ડટ્રેક સૌથી વધુ વેચાતું સાઉન્ડટ્રેક હતું. અમેરિકન રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ વેચાતા મ્યુઝિક આલ્બમને પ્લેટિનમ ડિસ્ક એનાયત કરે છે.

આ પણ વાંચો: 43 વર્ષ પહેલાં ‘શોલે’ને ધૂળ ચટાવનાર મિથુન ચક્રવર્તીની ફિલ્મ, જેને 100 કરોડ કર્યો હતો વકરો, શું તમે નામ જાણો છો?

‘શોલે’નો સાઉન્ડટ્રેક ભારતીય સિનેમાનું પહેલું આલ્બમ હતું, જેને પ્લેટિનમ ડિસ્ક મળી હતી. કેબ્રે મ્યુઝિક વાળું ગીત મહેબુબા મહેબુબા બનાવવા તેમણે અડધી ભરેલી બિયરની બાટલીઓનો ઉપયોગ કર્યો હતો. સંગીતમાં આવા પ્રયોગો જેટલા આર. ડી. બર્મને કર્યાં છે, તેવા તેમની પહેલા કોઈએ કર્યાં નહોતા. હકીકત એ છે કે પાંચમના સંગીતે ભારતીય ફિલ્મોમાં સંગીતની દિશા બદલી નાખી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button