દસ વર્ષ બાદ ‘ભાભીજી’ની વાપસી, કેમ મુંબઈની ભીડમાં શિલ્પાને લાગે છે ગભરામણ?

મુંબઈ: ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શિંદેએ લાંબા સમય બાદ ફરી એકવાર નાના પડદે ધમાકેદાર વાપસી કરી છે. ‘ભાભીજી ઘર પર હૈ’ ના મેકર્સ સાથેના વર્ષો જૂના વિવાદનો અંત લાવીને શિલ્પા ફરીથી ‘અંગૂરી ભાભી’ ના આઇકોનિક પાત્રમાં જોવા મળી રહી છે.
ફેન્સ તેના 2.0 વર્ઝનને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, પરંતુ પડદા પર હસતી દેખાતી શિલ્પા માટે રિયલ લાઈફમાં મુંબઈની લાઈફસ્ટાઈલ સાથે તાલમેલ બેસાડવો થોડો પડકારજનક સાબિત થઈ રહ્યો છે.
મુંબઈના શોરબકોરથી દૂર શિલ્પા મહારાષ્ટ્રના કર્જતમાં શાંત જીવન જીવી રહી હતી. પરંતુ શોમાં વાપસી કરવાને કારણે તેણે મુંબઈ આવવું પડ્યું છે. એક ઈન્ટરવ્યુમાં શિલ્પાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે મુંબઈમાં તેની પાસે પોતાની કોઈ પ્રોપર્ટી નથી. તે હાલમાં કાં તો હોટલમાં રહે છે અથવા ભાડાના મકાનમાં રહીને કામ ચલાવે છે. આસિફ શેખના એક ફોન કોલ બાદ તેણે તરત જ શો માટે હા પાડી દીધી હતી, પરંતુ હવે તેને શહેરની ભાગદોડવાળી જિંદગીમાં એડજસ્ટ થવામાં મુશ્કેલી પડી રહી છે.
શિલ્પા શિંદેએ જણાવ્યું કે કર્જતમાં તે પ્રકૃતિની નજીક અને શાંતિપૂર્ણ જીવન જીવતી હતી, જે તેને મુંબઈમાં નથી મળી રહ્યું. તેણે લોકડાઉન દરમિયાન કર્જતમાં જમીન ખરીદી હતી જ્યાં તે ઓર્ગેનિક ખેતી કરે છે અને ત્યાં તેનો એક આલીશાન બંગલો પણ છે. તે નદી કિનારે એક વિન્ટેજ રિસોર્ટ પણ બનાવી રહી છે. શિલ્પાના મતે, મુંબઈમાં હવે તેને ગૂંગળામણ જેવું અનુભવાય છે કારણ કે તે શહેરની ભીડભાડથી સંપૂર્ણપણે ટેવાઈ ગઈ હતી, પરંતુ કામની જરૂરિયાત મુજબ તેણે હાલમાં ગામડાનું જીવન હોલ્ડ પર રાખ્યું છે.
ભલે શિલ્પાને મુંબઈના ટ્રાફિક અને ભીડથી તકલીફ હોય, પરંતુ ‘ભાભીજી ઘર પર હૈ’ના સેટ પર તે ખૂબ જ એન્જોય કરી રહી છે. તેણે લગભગ 10 વર્ષ બાદ આ શોમાં વાપસી કરી છે અને શુભાંગી અત્રેની જગ્યા લીધી છે. શિલ્પાએ સ્પષ્ટ કર્યું છે કે તે ભવિષ્યમાં કાયમી ધોરણે કર્જતમાં જ સેટલ થવા માંગે છે કારણ કે ત્યાં તેને સાચી શાંતિ મળે છે. હાલમાં તે પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ શાંતિ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે.



