આતંકી હુમલા પર બોલ્યો શાહરુખ, દેશને એકતા અને શાંતિના માર્ગે ચાલવા કર્યું આહ્વાન

મુંબઈમાં આયોજિત ‘ગ્લોબલ પીસ ઓનર્સ 2025’ ઇવેન્ટમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને હાજરી આપી હતી. કિંગ ખાને પોતાના સંબોધનમાં ભારતીય સૈનિકોના સાહસ અને બહાદુરીની પ્રશંસા કરી અને દેશમાં થયેલા આતંકવાદી હુમલાઓના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેણે ખાસ કરીને 26/11ના મુંબઈ હુમલા, પહેલગામ આતંકવાદી હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી બૉમ્બ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકો અને શહીદ થયેલા સુરક્ષાકર્મીઓને નમન કર્યું. શાહરૂખ ખાને આ સંઘર્ષના સમયમાં દેશને એકતા અને શાંતિના માર્ગે ચાલવા માટે આહ્વાન કર્યું.
પોતાની સ્પીચ દરમિયાન, શાહરૂખ ખાને દેશના બહાદુર સૈનિકો અને જવાનો માટે ચાર સુંદર પંક્તિઓ રજૂ કરી, જે દર્શાવે છે કે આપણા સુરક્ષાકર્મીઓ દેશ માટે શું મહત્વ ધરાવે છે. તેણે કહ્યું કે જ્યારે કોઈ તમને પૂછે કે ‘તમે શું કરો છો?’, તો ગર્વથી કહો કે ‘હું દેશની રક્ષા કરું છું.’ અને જો કોઈ પૂછે કે ‘તમે કેટલું કમાઓ છો?’, તો હસતા મોઢે જવાબ આપજો કે હું 140 કરોડ લોકોના આશીર્વાદ કમાઉ છું. વધુમાં શાહરૂખ ખાને ભાવુક અપીલ કરતા કહ્યું કે, ‘આપણે બધાએ સાથે મળીને શાંતિ તરફ પગલા ભરવા જોઈએ. ચાલો, આપણે આસપાસના જાત ભાતના ભેદભાવ ભૂલી જઈએ અને માનવતાના માર્ગે ચાલીએ, જેથી દેશની શાંતિ માટે આપણા નાયકોની શહાદત વ્યર્થ ન જાય.’
શાહરૂખ ખાને પોતાના ભાષણમાં દેશની શાંતિ અને એકતાના મહત્વ પર ભાર મૂક્યો. તેણે કહ્યું કે, જો આપણા બધાની વચ્ચે શાંતિ હશે, તો ભારતને કોઈ હલાવી શકશે નહીં. તેણે સુરક્ષાકર્મીઓના સમર્પણને સલામ કરતાં કહ્યું કે જવાનોના બલિદાનોથી આપણને હંમેશ માટેના તાલમેલ અને એકતાના પ્રયાસો માટે પ્રેરણા મળવી જોઈએ. તેનો સ્પષ્ટ સંદેશ હતો કે દેશની એકતાજ આપણી સૌથી મોટી તાકાત છે, અને આ એકતા જ આતંકવાદી હુમલાઓ સામેનો આપણો મજબૂત જવાબ છે. શાહરૂખ ખાનની આ ભાવનાત્મક રજૂઆતથી ઇવેન્ટમાં હાજર સૌ કોઈ પ્રભાવિત થયા હતા.
જો શાહરૂખના વર્ક ફ્રન્ટ પરની વાત કરીએ તો, શાહરૂખ ખાનમાટે વર્ષ 2023 ખુબ સારું રહ્યું હતું. 2023માં રિલીઝ થયેલી ત્રણેય ફિલ્મો પઠાન જવાન અને ડન્કીએ બોક્સ ઓફઇસ પર જોરદાર કલેક્શન કર્યું હતું. જોકે શાહરૂથ ફેન્સ તેની આગામી ફિલ્મ માટે રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાન હવે 2026માં રિલીઝ થનારી સિદ્ધાર્થ આનંદની ફિલ્મ કિંગમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ સાથે તેની દિકરી સુહાના ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને અન્ય ઘણા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આપણ વાંચો: સલમાન ખાનને કોના પર ગુસ્સો આવ્યો, કહ્યું હું હોત તો… વીડિયો થયો વાઈરલ



