સ્કૂબા ડાઇવિંગથી થયું ઝુબિન ગર્ગનું નિધન? જો તમે પણ કરતા હો તો આટલું ધ્યાનમાં રાખો!
સમુદ્રની સુંદરતાની સાથે તેના જોખમોને પણ સમજો અને સુરક્ષિત એડવેન્ચરનો આનંદ માણો

દરિયો અને દરિયાકિનારો દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે. લોકો જ્યારે પણ વેકેશન માણવાની ઇચ્છા રાખે છે, ત્યારે તેમની પહેલી પસંદગી હંમેશાં દરિયા કિનારો રહે છે. પરંતુ ઘણી વખત આ રળિયામણો દરિયો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. બોલીવુડ અને અસમીયા સંગીતના દિગ્ગજ કલાકાર ઝુબીન ગર્ગનું સિંગાપુરમાં સ્કૂબા ડાઇવિંગ દરમિયાન થયેલું અવસાન એક દુ:ખદ ઉદાહરણ છે. આ ઘટનાએ દરિયાના પેટાળમાં રહેલા જોખમોને છતા કર્યા છે, જે દરિયાની સુંદરતાની સાથે તેના જોખમી સ્વરૂપને પણ દર્શાવે છે.
સ્કૂબા ડાઇવિંગ શું છે?
સ્કૂબા ડાઇવિંગ એ એક એવું સાહસિક એડવેન્ચર છે, જેમાં ડાઇવર્સ વિશેષ સાધનોની મદદથી સમુદ્રના પેટાળમાં જઈને પાણીની દુનિયાને નજીકથી નિહાળે છે. SCUBAનો અર્થ છે ‘સેલ્ફ કન્ટેન્ડ અંડરવોટર બ્રિધિંગ એપરેટસ’, એટલે કે સ્વતંત્ર રીતે પાણીની અંદર શ્વાસ લેવાનું સાધન. આમાં ઓક્સિજન ટેન્ક, રેગ્યુલેટર, માસ્ક, ફિન્સ, વેટસૂટ અને બોયન્સી કંટ્રોલ ડિવાઇસ જેવા સાધનોનો ઉપયોગ થાય છે, જે ડાઇવરને પાણીની ઊંડાઈઓમાં સુરક્ષિત રીતે શ્વાસ લેવા અને તરવામાં મદદ કરે છે. આ એક એવો અનુભવ છે, જેની સાથે જોખમો પણ સંકળાયેલા છે.
આ પણ વાંચો : વડા પ્રધાન મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું, દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા
સ્કૂબા ડાઇવિંગના જોખમો
સ્કૂબા ડાઇવિંગ સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા જોખમો પણ સામેલ છે. ડીકમ્પ્રેશન સિકનેસ એક મોટું જોખમ છે, જેમાં ઝડપથી સપાટી પર આવવાથી શરીરમાં ગેસના પરપોટા બની શકે છે, જે હૃદયરોગ કે સ્ટ્રોકનું કારણ બની શકે છે. નાઇટ્રોજન નાર્કોસિસને કારણે ઊંડાણમાં ચક્કર કે ભ્રમની સ્થિતિ થઈ શકે છે, જ્યારે ઓક્સિજન ટોક્સિસિટી ઉચ્ચ દબાણે ઓક્સિજનના ઝેરી થવાનું જોખમ લાવે છે. એર એમ્બોલિઝમ, જેમાં હવાના પરપોટા રક્તવાહિનીઓમાં અટવાય, તે પણ જીવલેણ બની શકે છે. ઝુબીન ગાર્ગના કેસમાં શ્વાસની તકલીફે આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ડૂબી જવાનું જોખમ પણ હંમેશાં રહે છે.

જોખમ ઘટાડવાના ઉપાય
સ્કૂબા ડાઇવિંગના જોખમોને ઘટાડવા માટે યોગ્ય તાલીમ અને સાવચેતી અત્યંત જરૂરી છે. નિષ્ણાતોના મતે, પ્રમાણિત તાલીમ, મેડિકલ ચેકઅપ, અને ગાઇડની હાજરીથી આ એડવેન્ચરના જોખમોને ઘટાડી શકાય છે. જો આંકડાઓનું માનીએ તો લગભગ દર એક લાખ ડાઈવર્સ માંથી 16 લોકોનો મૃત્યું થાય છે. ડાઇવરે હંમેશાં પોતાની શારીરિક ક્ષમતા, સાધનોની ગુણવત્તા અને નિયમોનું પાલન કરવું જોઈએ. બિનઅનુભવી વ્યક્તિઓએ ગાઇડ વિના ડાઇવિંગ ન કરવું જોઈએ, કારણ કે હિંમતની સાથે સાવધાની પણ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, સ્કૂબા ડાઇવિંગ ઉપરાંત દરિયામાં અન્ય ઘણી એડવેન્ચર પ્રવૃત્તિઓ પણ લોકોને આકર્ષે છે. સ્નોર્કેલિંગ એક સરળ વિકલ્પ છે, જેમાં ડાઇવર્સ સપાટીની નજીક તરીને સમુદ્રી જીવનનો આનંદ માણે છે, જેમાં ઓછા સાધનો અને તાલીમની જરૂર પડે છે. સર્ફિંગ અને વિન્ડસર્ફિંગ લહેરો પર એડવેન્ચર માટે લોકપ્રિય છે.
પેરાસેલિંગમાં ડાઇવર્સ હવામાં ઊંચે ઉડીને દરિયાના નજારાની મજા લેવા માટે કરવામાં આવે છે, જ્યારે જેટ સ્કીઇંગ ઝડપના શોખીનો માટે ઉત્તમ એડવેન્ચર છે. આ બધી પ્રવૃત્તિઓમાં પણ સલામતી અને તાલીમનું મહત્વ હોવું જરૂરી છે, જેથી દરિયાની મજા આનંદ સુરક્ષિત રીતે માણી શકાય.