સામંથા રુથ પ્રભુની નવી ફિલ્મનો ફર્સ્ટ લુક જારી, જાણો ક્યારે આવશે ટ્રેલર?

મુંબઈ: દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુ ફરી ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે. લાંબા સમય બાદ સામંથા એક પાવરફુલ એક્શન-ડ્રામા ફિલ્મ સાથે મોટા પડદે પરત ફરી રહી છે. તેની આગામી તેલુગુ ફિલ્મ ‘માં ઈનતી બંગારમ’ (Maa Inti Bangaram) ની સત્તાવાર જાહેરાતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. મેકર્સે સામંથાનો ફર્સ્ટ લtક પણ જારી કર્યો છે, જે તેની અગાઉની ભૂમિકા કરતા તદ્દન અલગ છે.
સામંથાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો જે ફર્સ્ટ લુક શેર કર્યો છે, તેમાં તે અનોખા અંદાજમાં જોવા મળી રહી છે. ફોટામાં સામંથા સાડી પહેરીને બસમાં ઉભેલી દેખાય છે, પરંતુ તેના ચહેરા પરની આક્રમકતા અને ગુસ્સો સ્પષ્ટપણે તેની એક્શન ફિલ્મની ઝલક આપે છે. આ લુક પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મમાં તે માત્ર ગ્લેમરસ નહીં પણ એક અત્યંત બોલ્ડ અને મજબૂત સ્ત્રીનું પાત્ર ભજવી રહી છે. આ લુક અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ફર્સ્ટ લુકની સાથે જ ચાહકો માટે સૌથી મોટા સમાચાર તેના ટ્રેલરને લઈને આવ્યા છે. સામંથાએ પોતે માહિતી શેર કરી છે કે ‘માં ઈનતી બંગારમ’નું ટ્રેલર 9 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે રિલીઝ કરવામાં આવશે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફિલ્મની સ્ટોરી અને સામંથાના પાત્ર વિશે વધુ માહિતી સામે આવશે. આ ફિલ્મનું ડિરેક્શન નંદિની રેડ્ડી કરી રહ્યા છે, જ્યારે જાણીતા મેકર રાજ નિદિમોરુ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
સામંથા માટે વર્ષ 2026 ખૂબ જ સારુ સાબિત થવાનું છે. ‘માં ઈનતી બંગારમ’ ઉપરાંત તે આગામી વેબ સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ’માં પણ જોવા મળશે. આ સિરીઝમાં પણ દર્શકોને ભરપૂર થ્રિલ અને ડ્રામા જોવા મળશે. અગાઉ ‘સિટડેલ: હની બની’ અને ‘ફેમિલી મેન 2’ જેવી હિટ વેબ સીરીઝથી આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવ્યા બાદ હવે સામંથાના આ નવા પ્રોજેક્ટ્સ પર સૌની મીટ મંડાયેલી છે.



