ટીવી કલાકારોને નેશનલ અવોર્ડ કેમ મળતા નથીઃ રુપાલી ગાંગુલીએ સરકાર પર તાક્યું નિશાન?

ટીવી કલાકારોને નેશનલ અવોર્ડ કેમ મળતા નથીઃ રુપાલી ગાંગુલીએ સરકાર પર તાક્યું નિશાન?

મુંબઈ: નેશનલ ફિલ્મ અવોર્ડ્સની જાહેરાત સાથે બોલિવૂડમાં ઉજવણીનો માહોલ હતો, જ્યાં શાહરૂખ ખાન, રાની મુખર્જી અને વિક્રાંત મેસી જેવા સ્ટાર્સને ધમાકેદાર પ્રદર્શન માટે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે થોડા સમય પહેલા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયેલી જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીનો એક સવાલ ચાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

‘અનુપમા’ ફેમ રૂપાલીના એક પ્રશ્નમાં ટીવી એક્ટરની વ્યથા છલકાતી જોવા મળી હતી. જ્યારે સત્તા પક્ષમાં હાજરી હોવા છતાં પણ કલાકારો તરફી આકરા સવાલથી લોકોમાં આશ્ચર્ય પણ થયું છે. રૂપાલી ગાંગુલી 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાઇ હતી અને પોરબંદરમાં પાર્ટીનો પ્રચાર પણ કર્યો હતો. રૂપાલીએ એક ઈન્ટરવ્યૂમાં ટીવી કલાકારોની અવગણના અંગે વાત કરી અને સવાલ ઉઠાવ્યો હતો કે ટીવી કલાકારો માટે નેશનલ એવોર્ડ શા માટે નથી?

એક પાપારાઝીને આપેલા ઈન્ટરવ્યૂમાં રૂપાલીએ કહ્યું હતું કે જ્યારે કોવિડ-19ના સમયમાં દેશભરમાં લોકડાઉન હતું, ત્યારે ટીવી કલાકારો અવિરત શૂટિંગ કરતા હતા. માસ્ક પાછળ પરસેવાથી ભીંજાતા ઘણા કલાકો સુધી કામ કરતા હતા, પરંતુ કોઈએ અમારી મહેનત વિશે વાત ન કરી.

તેમણે ટીવી જગતની અવગણના પર દુ:ખ વ્યક્ત કર્યું અને પૂછ્યું કે જો ફિલ્મ સ્ટાર્સને એવોર્ડ મળે છે, તો ટીવી કલાકારો શા માટે પાછળ રહે? આ સવાલે ટીવી ઇન્ડસ્ટ્રીની મહેનત અને સમર્પણ પર નવી ચર્ચા શરૂ કરી.

નેશનલ એવોર્ડમાં ટીવીની અવગણના
રૂપાલીએ ધ્યાન દોર્યું કે નેશનલ એવોર્ડ્સમાં હવે યૂટ્યૂબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને પણ સ્થાન મળી રહ્યું છે, જે પોઝિટિવ વાત છે. પરંતુ તેમણે સવાલ કર્યો કે દેશના કરોડો દર્શકોને રોજ મનોરંજન આપતા ટીવી કલાકારોને શા માટે અવગણવામાં આવે છે? તેમણે સરકારને અપીલ કરી હતી કે અમે પણ સખત મહેનત કરીએ છીએ, અમારી કળા પણ સાચી છે. અમને પણ ફિલ્મ કલાકારોની જેમ સન્માન મળવું જોઈએ.

સ્મૃતિ ઈરાનીની વાપસીનો ઉત્સાહ
‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ શોમાં સ્મૃતિની વાપસીને તેમણે ટીવી ઇન્ડસ્ટ્રી માટે પ્રેરણાદાયી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સ્મૃતિની વાપસીથી ટેલિવિઝન પર લોકોનું ધ્યાન ફરીથી આવશે અને આ અમારા શોના ચેનલ પર થઈ રહ્યું છે, જે સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે ગર્વની વાત છે. ઉલ્લેખનીય છે કે, રૂપાલી ગાંગુલીનો શો અનુપમા ટીઆરપી ચાર્ટમાં મોખરે છે.

દીપિકા સિંહે કહ્યું ખૂબ હિંમતથી વાત કરી
રૂપાલીના આ વાયરલ નિવેદન બાદ તેમને ટીવી ઇન્ડસ્ટ્રી અને ચાહકો તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે. ‘દિયા ઔર બાતી હમ’થી ફેમસ થયેલી અભિનેત્રી દીપિકા સિંહે કહ્યું હતું કે “રૂપાલીજી, તમે ખૂબ હિંમતથી આ વાત કરી. પહેલીવાર કોઈ ટીવી અભિનેત્રીએ આ મુદ્દો ઉઠાવ્યો.

તમારા માટે પ્રેમ અને સન્માન.” જ્યારે એક ચાહકે લખ્યું હતું કે ટીવી કલાકારો ફિલ્મ સ્ટાર્સ કરતાં વધુ પ્રતિભાશાળી હોય છે.” જ્યારે અન્ય એક યુઝરે તારક મહેતાના દિલીપ જોશીને આ એવોર્ડના હકદાર ગણાવ્યા હતા. ચાહકોનો આ રિસ્પોન્સ દર્શાવે છે કે રૂપાલીનો સવાલ ટીવી ઇન્ડસ્ટ્રીની વ્યથાને રજૂ કરે છે.

આ પણ વાંચો…PM Modi અંગે શું જણાવ્યું ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રુપાલી ગાંગુલીએ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button